વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા નૌસેનાનું ઓપેશન 'સમુદ્રે સેતુ'
Trending Photos
નવી દિલ્હી: વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે રાષ્ટ્રિય પ્રયત્નોના એક ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન 'સમુદ્ર સેતુ' શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો જલશ્વ અને મગર દ્વારા ભારતીયોને પાછા લાવવા માટેનું ઓપરેશન 8 મે, 2020થી શરૂ થશે. આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવ્સની રાજધાની 'માલે' બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો:- J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર, 12 લાખનું હતું ઈનામ
વિદેશમાં વસતા ભારતીયો પર કોવિડ-19 ના રોગચાળાની શું અસર છે તેની પરિસ્થિતિ પર સરકાર ખૂબ બારીકાઈથી નજર રાખી રહી છે. ભારતીય નૌકાદળને સમુદ્ર માર્ગે ભારતીયોને પાછા લઇ આવવા માટે યોગ્ય તમામ તૈયારીઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
રિપલ્બિક ઑફ માલદીવ્સમાં સ્થિત 'ધ ઇન્ડિયન મિશન' ભારતીય નૌસેનાના જહાજો પર જનારા ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે. 'ધ ઇન્ડિયન મિશન' જરૂરી મેડિકલ સ્ક્રીનીંગ બાદ આ ભારતીયોને જહાજ પર સરળતાથી પહોંચાડવામાં પણ મદદ કરશે. પહેલી યાત્રામાં કુલ 1 હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાયરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે.
જહાજને આ આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. માલદીવ્સથી છોડાવવામાં આવેલા ભારતીયોને દરિયાઇ સફર દરમિયાન સંપૂર્ણ પાયાની સુવિધાઓ તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોવિડ-19 સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
છોડાવવામાં આવેલા ભારતીયોને કેરળના કોચિ ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મંગાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે