હવે ઓફિસો પર કબજાનો જંગ, શિવસેના કાર્યાલયમાં એકનાથ શિંદેની તસવીર લગાવતા બબાલ

શિવસેનામાં છેલ્લા કેટલાક સમયથી લડાઈ ચાલી રહી છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ આમને-સામને છે. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ હવે તેનું જૂથ પાર્ટી પર પણ કબજાના પ્રયાસમાં છે. 
 

હવે ઓફિસો પર કબજાનો જંગ, શિવસેના કાર્યાલયમાં એકનાથ શિંદેની તસવીર લગાવતા બબાલ

મુંબઈઃ શિવસેના પર હકની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે અને હિંસક થઈ રહી છે. ડોંબિવલીમાં મંગળવારે આવો નજારો જોવા મળ્યો, જ્યારે એકનાથ શિંદે જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી ગયા હતા. એક રિપોર્ટ પ્રમાણે આ લોકો શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા અને એકનાથ શિંદે તથા સાંસદ શ્રીકાંત શિંદેની તસવીર લગાવી દીધી. તેના કારણે તણાવ ફેલાયો હતો. ઉદ્ધવ ઠાકરેના સમર્થક પણ સ્થળ પર પહોંચ્યા અને ઘર્ષણ પણ થઈ ગયું હતું. 

હાલ શિવસેના પર હકની લડાઈ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ તેની પહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓ રોડ પર ઉતરવાથી તણાવ વધી ગયો છે. એકનાથ શિંદે જૂથના કાર્યકર્તા મંગળવારે બપોરે ડોંબિવલીમાં શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા. તે એક ડ્રિલ મશીન લઈને આવ્યા હતા. શિવસેનાની શાખામાં ઘુસી આ કાર્યકર્તાઓએ ડ્રિલ મશીનથી દીવાલ પર એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની તસવીરો લગાવી દીધી. અત્યાર સુધી શિવસેનાની આ કેન્દ્રીય શાખામાં બાલાસાહેબ ઠાકરે, આનંદ દિધે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની તસવીરો હતી. 

સરકાર બાદ પાર્ટીનો દાવો મજબૂત કરી રહ્યાં છે એકનાથ શિંદે
તેના કારણે શિવસૈનિકો અને શિંદે સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો. નોંધનીય છે કે આશરે દોઢ મહિનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં ટકરાવ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના 56 ધારાસભ્યોમાંથી 40ને પોતાની સાથે લઈ ભાજપ સાથે સરકાર બનાવી લીધી છે. તો શિવસેનાના 12 જેટલા સાંસદો પણ શિંદે જૂથનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે તેણે ચૂંટણી પંચમાં ખુદને અસલી શિવસેનાના નેતા હોવાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ડોંબિવલીની ઘટનાએ તણાવ વધારી દીધો છે. 

એકનાથ શિંદે જૂથે શરૂ કર્યું સભ્યપદ અભિયાન
આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી ચે. આજથી એકનાથ શિંદે જૂથ સમર્થક ડોંબિવલીમાં સભ્ય અભિયાન શરૂ કરવાના છે. તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવ્યા બાદ હવે શિંદે જૂથ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news