'કોંગ્રેસ પાસે MPમાં 230માંથી 200 બેઠકો જીતવાની તક હતી, પરંતુ ગુમાવી દીધી'

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને રાજ્યમાં સત્તા મેળવવામાં લાગેલી કોંગ્રેસ અહીં મહાગઠબંધન બનાવવામાં નિષ્ફળ ગઈ છે.

'કોંગ્રેસ પાસે MPમાં 230માંથી 200 બેઠકો જીતવાની તક હતી, પરંતુ ગુમાવી દીધી'

ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને રાજ્યમાં સત્તા મેળવવામાં લાગેલી કોંગ્રેસ અહીં મહાગઠબંધન બનાવવામાં નિષ્ફળ ગઈ છે. 15 વર્ષથી સત્તા પર બિરાજમાન ભાજપને હટાવવા માટે કોંગ્રેસ પોતાના દમ પર મેદાનમાં રમી રહી છે. મહાગઠબંધન નહીં બનવા પાછળ રાજકીય વિશેષજ્ઞો અલગ અલગ અર્થ તારવી રહ્યાં છે. આ બધા વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પહેલીવાર પત્રકારોને જણાવ્યું કે આખરે મધ્ય પ્રદેશમાં મહાગઠબંધન કેમ બની શક્યું નહીં? આ સાથે જ અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાસે 230 બેઠકોમાંથી 200 બેઠકો જીતવાની તક હતી પરંતુ તેણે તે ગુમાવી દીધી છે. 

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો કે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પ્રસ્તાવિત ગઠબંધનમાં બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ને સામેલ કરવા તૈયાર નહતી, જેના કારણે અમારું પણ કોંગ્રેસ સાથે ગઠબંધન થઈ શક્યું નહીં. અખિલેશ યાદવે મધ્ય પ્રદેશ ચૂંટણી માટે સપાનું ઘોષણાપત્ર જારી કર્યા બાદ પત્રકારોને જણાવ્યું કે 'અમે કોંગ્રેસને કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં લડાઈ મોટી છે. બસપાને પણ સાથે લો. પરંતુ કોંગ્રેસ સપા સાથે ગઠબંધન કરવા તૈયાર હતી પરંતુ બસપા સાથે તે કોઈ સમાધાન કરવા માંગતી નહતી. તેમણે કહ્યું કે આથી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સમાધાન થઈ શક્યું નહીં અને ગઠબંધન ન થયું.'

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે દાવો પણ કર્યો કે જો કોંગ્રેસનું મધ્ય પ્રદેશમાં સપા, બસપા અને ગોંડવાના ગણતંત્ર પાર્ટી (જીજીપી) સાથે ગઠબંધન થાત તો અમે (ગઠબંધનને) પ્રદેશની કુલ 230 બેઠકોમાંથી 200થી વધુ બેઠકો જીતી શકત. વર્ષ 2014 બાદ દેશમાં મોટાભાગના રાજ્યોમાં ભાજપની સરકાર આવવા તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે આ માટે  કોંગ્રેસની નીતિઓ જવાબદાર છે. 

તેમણે કહ્યું કે કોંગ્રેસે ગઠબંધન ન કરીને અમને કોંગ્રેસની ટીકા કરવાની તક આપી છે. હવે અમે તેમની (કોંગ્રેસ)ની નિષ્ફળતાઓ ગણાવીશું. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. આથી તેના ઉપર કોઈ ટિપ્પણી તેઓ કરશે નહીં. 

અખિલેશ યાદવે કહ્યું કે 'જ્યારે પણ અમે ભાજપને નોટબંધી, જીએસટી અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા યુવાઓને અપાયેલી બે કરોડ નોકરીના વચન અંગે ઘેરતા રહીએ છીએ ત્યારે તેઓ (ભાજપના નેતાઓ) જાતિ, રામમંદિર અને અન્ય મુદ્દાઓને ઉઠાવીને પોતાને બચાવવા માટે તેની શરણ લેવા લાગે છે.'

બસપાને ખતમ કરવા માંગતી હતી કોંગ્રેસ-માયાવતી
બસપા સુપ્રીમો માયાવતીએ મંગળવારે એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન કરીને બસપાને ખતમ કરવા માંગતી હતી. માયાવતીએ મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે અહીં ભેલ દશેરા મેદાનમાં જનસભાને સંબોધી અને કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે. આથી તેમણે બસપા સાથે ગઠબંધનનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. 

તેમણે કહ્યું કે ગઠબંધનની આડમાં કોંગ્રેસ સમજીવિચારીને બનાવેલી રણનીતિ તથા ષડયંત્ર હેઠળ અમને ખુબ જ ઓછી સીટો આપીને બસપાને ખતમ કરવા માંગતી હતી. માયાવતીએ કહ્યું કે ત્યારબાદ પાર્ટીએ પ્રદેશમાં એકલે હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેમણે દાવો કર્યો કે બસપાની ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પકડ મજબુત થઈ રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ગભરાયેલી હતી.

તેમણે આરોપ લગાવતા કહ્યું કે આ બંને પાર્ટીઓ (ભાજપ અને કોંગ્રેસ) અમીરો તથા ધની શેઠોના હિતો માટે નીતિઓ તૈયાર કરે છે કારણ કે તેમની સરકારો અમીરો અને અમીર શેઠોની મદદથી ચાલે છે. તેમણે કહ્યું કે તેનાથી ઉલટુ બસપા તમારા (જનતા)ના ધનથી ચૂંટણી લડીને સત્તામાં આવવા માંગે છે. જેથી કરીને કોઈના દબાણમાં ન રહીને જનતાને ખુશ કરી શકાય. 

માયાવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્રની પૂર્વની કોંગ્રેસ સરકાર અને વર્તમાન ભાજપ સરકારે અત્યાર સુધી જે પણ યોજનાઓ બનાવી છે તેનાથી ન તો દેશની ગરીબી દૂર થઈ છે અને ન તો બેરોજગારી. આ યોજનાઓનો લાભ ગરીબ લોકોને મળતો નથી. માયાવતીએ કહ્યું કે ભીમરાવ આંબેડકરના પ્રયત્નોથી જે અનામતની સુવિધા મળી છે તેને હીન જાતિવાદી માનસિકતા રાખનારી પાર્ટીઓ ધીરે ધીરે ખતમ કરવામાં લાગી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news