લોકસભા ચૂંટણીનું મતદાન પુર્ણ: 23મી તારીખે ભારત ભાગ્ય વિધાતાનો નિર્ણય થશે

આ તબક્કામાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, ભાજપના વિદ્રોહી ઉમેદવાર શત્રુધ્ન સિન્હા સહિત અનેક દિગ્ગજોના રાજકીય ભવિષ્યનો આજે નિર્ણય થશે. 

લોકસભા ચૂંટણીનું મતદાન પુર્ણ: 23મી તારીખે ભારત ભાગ્ય વિધાતાનો નિર્ણય થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. જેના અંતર્ગત 8 રાજ્યની 59 સીટ પર આશરે 10.17 કરોડ મતદાતા રવિવારે 918 ઉમેદવારોનાં ભાગ્યનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે મતદાન સુગમ રીતે થાય તે માટે 1.12 લાખ મતદાન કેન્દ્ર બનાવાયા છે. સાતમા તબક્કાના મતદાનમાં પંજાબ (13),  ઉત્તરપ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), બિહાર (8), મધ્યપ્રદેશ (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (4), ચંડીગઢ (1) લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.  ભાજપે 2014માં આ અંતિમ તબક્કાની 59 સીટમાં 30 પર વિજય પ્રાપ્ત કર્યો હતો. અંતિમ તબક્કાની મહત્વપુર્ણ સીટમાં વારાણસી સૌથી મહત્વપુર્ણ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ફરીવાર ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો કોંગ્રેસનાં અજય રાય અને એસપી ઉમેદવાર શાલિની યાદવ સામે છે. 

આ તબક્કામાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, ભાજપના વિદ્રોહી ઉમેદવાર શત્રુધ્ન સિન્હા સહિત અનેક દિગ્ગજોના રાજકીય ભવિષ્યનો આજે નિર્ણય થશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ટ્વીટ કરીને મતદારોને વિક્રમી સંખ્યામાં મતદાન કરવા માટે વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે, તમારો એક વોટ ભારત દેશના વિકાસના ભવિષ્યનો નિર્ણય કરશે. સાથે જ તેમણે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને પણ ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અપીલ કરી હતી. 

7મા તબક્કાનું મતદાન, 19 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM 2.00 PM 4.00 PM 6.00 PM
બિહાર 10.65 % 18.90% 36.20% 44.40% 51.76 %
હિમાચલ પ્રદેશ 12.10 % 27.60% 44.11% 51.80% 63.99 %
મધ્ય પ્રદેશ 13.19 % 29.48% 46.03% 52.62% 68.33 %
પંજાબ 10.01 % 23.45% 37.89% 43.26% 58.70 %
ઉત્તર પ્રદેશ 10.35 % 23.16% 37.00% 70.51% 53.77 %
પશ્ચિમ બંગાળ 14.95 % 32.48% 49.87% 58.08% 72.94 %
ઝારખંડ 15.00 % 31.39% 52.89% 45.22% 69.44%
ચંડીગઢ 10.40 % 22.30% 37.50% 50.74% 63.57

04.30 PM :સાંજે 4.30 વાગ્યા સુધી 8 રાજ્યોની 59 લોકસભા સીટો પર 53.03 ટકા મતદાન થયું. બિહારમાં 46.75 %, હિમાચલ પ્રદેશ 57.43 %, મધ્યપ્રદેશમાં 59.75 %, પંજાબમાં 50.49 %, ઉત્તરપ્રદેશમાં 47.21 %, પશ્ચિમ બંગાળમાં 64.87 %, ઝારખંડમાં 66.64 % અને ચંડીગઢમાં 51.18 % મતદાન થયું છે.

3.55 PM : પશ્ચિમ બંગાળના ભાટપારામાં ટીએમસી-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ. બોમ્બ ફેંકાયા અને પોલીસની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 

3.50 PM : ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ બરીશા જનકલ્યાણ વિદ્યાપીઠમાં મતદાન કર્યું હતું. 

3.40 PM : પંજાબના ભઠીંડાના તલવાંડી સાબો ગામના 122 નંબરના મતદાન મથક બહાર બે જૂથ વચ્ચે અથડામણ. એક વ્યક્તિએ હવામાં ગોળીબાર કરતાં અફરાતફરી સર્જાઈ. 

— ANI (@ANI) May 19, 2019

3.30 PM : મધ્યપ્રદેશમાં ભીલ આદિવાસી વસતી ઢાલ ગામમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડી. 

3.20 PM : લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં 8 રાજ્યની 59 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 52.01 ટકા મતદાન નોંધાયું છે. બિહાર 44.66%, હિમાચલ પ્રદેશ 50.16%, મધ્યપ્રદેશ 57.35%, પંજાબ 48.26%, ઉત્તર પ્રદેશ 46.07%, પશ્ચિમ બંગાળ 63.55%, ઝારખંડ 64.81% અને ચંડીગઢમાં 50.24% મતદાન નોંધાયું છે. 

3.15 PM : મધ્યપ્રદેશમાં ગ્રીન ફીલ્ડ સ્કૂલમાં 37 દૃષ્ટિહિન મહિલાઓએ મતદાન કર્યું હતું. 

— ANI (@ANI) May 19, 2019

3.10 PM : બિહારના પાટલીપુત્ર લોકસભા ક્ષેત્રના પાલીગંજમાં ઈવીએમ સાથે તોડફોડ કરવામાં આવી. અહીં 101 અને 102 નંબરના મતદાન મથક પર બે જૂથો વચ્ચે થયેલી અથડામણ પછી મતદાન અટકાવી દેવાયું. રાજ્યના આરામાં પણ હિંસાના સમાચાર છે, જ્યાં તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. 

— ANI (@ANI) May 19, 2019

2.45 PM : હિંસા અંગે ટીએમસીનો ભાજપ પર પ્રત્યારોપ. 
પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન થઈ રહેલી હિંસા અંગે ભાજપે ટીએમસીને જવાબદાર  ઠેરવી છે, જેની સામે ટીએમસીએ હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય સુરક્ષા દળોના જવાન ભાજપનો વોટ આપવાનું કહી રહ્યા છે. ભાજપ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન થવા દેવા માગતી નથી. રાજ્યમાં સાતેય તબક્કામાં મતદાન દરમિયાન હિંસા થઈ છે.

2.30 PM : પટનાઃ બિહારની એક-બીજાના શરીર સાથે જોડાયેલી બે બહેનો સબા અને ફરાહને પ્રથમ વખત જુદા-જુદા મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો અને તેમણે અલગ-અલગ મતદાન કર્યું હતું.  

— ANI (@ANI) May 19, 2019

2.15 PM : બપોરે 2 વાગ્યા સુધી 7મા અને અંતિમ તબક્કામાં સરેરાશ 41.44 ટકા મતદાન નોંધાયું. ઝારખંડમાં સૌથી વધુ 52.89 ટકા અને બિહારમાં સૌથી ઓછું 36.20 ટકા મતદાન. 

7મા તબક્કાનું મતદાન, 19 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM 2.00 PM
બિહાર 10.65 % 18.90% 36.20%
હિમાચલ પ્રદેશ 12.10 % 27.60% 44.11%
મધ્ય પ્રદેશ 13.19 % 29.48% 46.03%
પંજાબ 10.01 % 23.45% 37.89%
ઉત્તર પ્રદેશ 10.35 % 23.16% 37.00%
પશ્ચિમ બંગાળ 14.95 % 32.48% 49.87%
ઝારખંડ 15.00 % 31.39% 52.89%
ચંડીગઢ 10.40 % 22.30% 37.50%
સરેરાશ મતદાન 11.74% 25.52% 41.44%

1.55 PM : બિહારઃ પટનાસાહિબથી કોંગ્રેસના ઉમેદવાર શત્રુદ્ધન સિન્હાએ તેમના પત્ની પૂનમ સિન્હા, પુત્રો લવ અને કુશ સાથે કમદકોણમાં આવેલી સેન્ટ સેવરનીસ સ્કૂલમાં મતદાન કર્યું હતું. 

1.45 PM : વારાણસીમાં પીએમ મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે મતદાન કર્યું. 

— ANI UP (@ANINewsUP) May 19, 2019

1.30 PM : પશ્ચિમ બંગાળઃ બશીરહાટ ભાયબલા ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. બશીરહાટથી ભાજપના ઉમેદવાર સાયનતન બાસુ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

— CEO Punjab #DeshKaMahaTyohar (@TheCEOPunjab) May 19, 2019

1.20 PM : મુરલી મનોહર જોશીએ કર્યું મતદાન.

12. 55 PM : ઉત્તર પ્રદેશઃ ગોરખપુરમાં એક મતદાન મથકના ચૂંટણી અધિકારીનું ઓન ડ્યુટી મોત. માધોપુરના પીપરાઈચમાં 381 નંબરના પ્રથામિક વિદ્યાલયના મતદાન મથકના અધિકારી રાજારામ (56 વર્ષ)નું ચૂંટણીની ફરજ દરમિયાન કુદરતી મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. 

12.45 PM : દેશના પ્રથમ મતદાતાએ કર્યું મતદાન. 1951ની લોકસભા ચૂંટણીમાં સૌથી પહેલો વોટ આપનારા 102 વર્ષના શ્યામ સરણ નેગીએ હિમાચલ પ્રદેશના કાલપામાં મતદાન કર્યું હતું. 

— Sheyphali Sharan (@SpokespersonECI) May 19, 2019

12. 20 PM : લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં બપોરે 12.00 કલાક સુધી 25.52 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન 32.48 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન બિહારમાં 18.90 ટકા મતદાન નોંધાયું છે. 

7મા તબક્કાનું મતદાન, 19 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM
બિહાર 10.65 % 18.90%
હિમાચલ પ્રદેશ 12.10 % 27.60%
મધ્ય પ્રદેશ 13.19 % 29.48%
પંજાબ 10.01 % 23.45%
ઉત્તર પ્રદેશ 10.35 % 23.16%
પશ્ચિમ બંગાળ 14.95 % 32.48%
ઝારખંડ 15.00 % 31.39%
ચંડીગઢ 10.40 % 22.30%
સરેરાશ મતદાન 11.74% 25.52%

12.05 PM : બિહારઃ તેજ પ્રતાપ યાદવના સુરક્ષા કર્મચારીઓ દ્વારા મીડિયા સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી. કારના કાચ ફોડી નખાયા અને એક રિપોર્ટરને મૂઢ માર મરાયો હતો.

12.05 PM : પ. બંગાળઃ મથુરાપુર લોકસભા બેઠકના સુતપુકુર વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યા. 

12.10 PM : કોલકાતા દક્ષિણ બેઠક પર મતદાન કરવા પહોંચેલા ભાજપના આસોનસોલના ઉમેદવાર બાબુલ સુપ્રિયો પર ટીએમસીના કાર્યકર્તાઓનો હુમલો. તેમને ધક્કે ચડાવાયા.

12.05 PM : સિદ્ધુ દંપતિએ અમૃતસરમાં કર્યું મતદાન. 

— ANI (@ANI) May 19, 2019

11. 55 AM : પ.બંગાળમાં ડાયમંડ હાર્બરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર નિલંજન રોયની કાર પર હુમલો. કારના કાચ ફોડી નખાયા.

11.45 AM : પશ્ચિમ બંગાળમાં જાધવપુરમાં ભાજપના મંડલ પ્રમુખ, ડ્રાઈવર અને તેની કાર પર ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરાયો હતો. ટીએમસીના ગુંડાઓ 52 મતદાન મથકો પર ખોટું મતદાન કરાવી રહ્યા છે. લોકો ભાજપને મત આપવા માગી રહ્યા છે, પરંતુ ટીએમસીના કાર્યકર્તાઓ તેમને અટકાવી રહ્યા છે. ભાજપના જાધવપુરના ઉમેદવાર અનુપમ હાઝરાએ આ આરોપો લગાવ્યા હતા. 

— ANI (@ANI) May 19, 2019

11.35 AM : મધ્યપ્રદેશઃ લોકસભાના સ્પીકર અને ભાજપના નેતા સમિત્રા મહાજને ઈન્દોરના મતદાન મથકમાં મતદાન કર્યું હતું

— ANI (@ANI) May 19, 2019

11.32 AM : જાધવપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અનુપમ હાઝરાએ આરોપ લગાવ્યો કે, "ટીએમસીના મહિલા કાર્યકર્તાઓ મોઢું ઢાંકીને પ્રોક્સી વોટ નાખી રહી છે. તેમની ઓળખ જાણવી અઘરું છે. અમે જ્યારે આ બાબતે વિરોધ નોંધાવ્યો ત્યારે આ મહિલાઓએ જાધવપુરના 150/137 નંબરના મતદાન મથક પર ભારે હોબાળો મચાવ્યો હતો."

— ANI (@ANI) May 19, 2019

11.25 AM : તૃણમુલના ઉમેદવાર કાકોલી ઘોષ દસતીદારે કેન્દ્રીય સુરક્ષા દળો પર પાર્ટીના સમર્થકોને ધમકાવાનો આરોપ લગાવ્યો. જેની સામે સુરક્ષા દળોએ જણાવ્યું કે, તેઓ માત્ર એકઠા થયેલા ટોળાને દૂર ભગાવી રહ્યા હતા. અહીં પૈસા અને દારૂની લાંચ આપવામાં આવી રહી હતી. 

11.10 AM : ચૂંટણી પંચના આંકડા અનુસાર સવારે 11.00 કલાક સુધી અંતિમ તબક્કામાં 8 રાજ્યની 59 લોકસભા બેઠક પર 21.47 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બિહાર 18.19%, હિમાચલ પ્રદેશ 17.57%, મધ્યપ્રદેશ 22.06%, પંજાબ 20.06%, ઉત્તર પ્રદેશ 18.97%, પશ્ચિમ બંગાળ 28.52%, ઝારખંડ 28.72% અને ચંડીગઢમાં 18.70% મતદાન નોંધાયું છે. અત્યાર સુધીના દરેક તબક્કાની જેમ આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થઈ રહ્યું છે.

11.00 AM : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને પક્ષના નેતા પ્રેમ કુમાર ધૂમલે મતદાન કર્યું.

10.40 AM : અંતિમ તબક્કાના મતદાન વચ્ચે તૃણમુલ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાની ફરિયાદ ચૂંટણી પંચમાં કરવામાં આવી છે. ટીએમસીએ જણાવ્યું કે, અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થઈ ચૂક્યો છે, તેમ છતાં છેલ્લા બે દિવસમાં પીએમ મોદીની કેદારનાથ યાત્રાને મીડિયામાં મોટું કવરેજ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી ત્યાં જઈને વિકાસ પ્રોજેક્ટની માહિતી મેળવી રહ્યા ચે અને સાથે જ મતદારોને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. મોદી-મોદીના નારા સાથે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ટીએમસીએ પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે, ચૂંટણી પંચ આ મુદ્દે આંખ અને કાન બંધ કરીને બેઠું છે. 

10. 50 AM : પશ્ચિમ બંગાળઃ ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પર મતદારોને હેરાન કરાતા હોવાનો ડાબેરી પક્ષોનો આરોપ. આ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ડાબેરી ઉમેદવારે આરોપ લગાવ્યો કે, કેટલાક ગુંડાઓ દક્ષિણ 24 પરગનાના કેટલાક મતદાન મથકો પર લોકોને મતદાન કરતા અટકાવી રહ્યા છે અને સીપીએમના કાર્યકર્તાઓ સાથે મારામારી કરી રહ્યા છે. 

10. 40 AM : કોલકાતા લોકસભા ચૂંટણીમાં મિશનરી ચેરિટીની નન મતદાન કરવા માટે લાઈનમાં ઊભી રહી હતી. 

10. 35 AM : મધ્યપ્રદેશઃ કન્યા વિદાય પછી યુગલ સીધું જ મતદાન કરવા પહોંચ્યું. દેવાસ લોકસભા સીટના આસ્થા વિધાનસભા મતદાન મથકના કુરાવર ગામનાં નવદંપતીએ મતદાન કર્યું હતું. 

10.20 AM : લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કામાં સવારે 10.00 કલાક સુધીમાં 11.74 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન ઝારખંડમાં 15 ટકા, જ્યારે સૌથી ઓછું પંજાબમાં 10.1 ટકા મતદાન થયું છે. અંતિમ તબક્કામાં 8 રાજ્યની 59 લોકસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. 

7મા તબક્કાનું મતદાન, 19 મે, 2019
રાજ્ય 10.00 AM
બિહાર 10.65 %
હિમાચલ પ્રદેશ 12.10 %
મધ્ય પ્રદેશ 13.19 %
પંજાબ 10.01 %
ઉત્તર પ્રદેશ 10.35 %
પશ્ચિમ બંગાળ 14.95 %
ઝારખંડ 15.00 %
ચંડીગઢ 10.40 %
સરેરાશ મતદાન 11.74%

10.00 AM : 105 વર્ષના વયોવૃદ્ધ રાજવંતી દેવીએ વારાણસીના ભિષમપુર સેવાપુરીમાં 86 નંબરના મતદાન મથક પર મતદાન કર્યું હતું.  

9. 55 AM : કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મતદાન વચ્ચે પંજાબ સરકાર અને ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા. હરસિમરત બાદલે જણાવ્યું કે, પંજાબમાં ગુંડાગિરી, દારૂ અને પૈસાનો ખેલ ચાલી રહ્યો છે અને ચૂંટણી પંચ ચૂપચાપ જોઈ રહ્યું છે. પોલીસ પેઈડ કાર્યકર્તાઓની જેમ વ્યવહાર કરી રહી છે. 

9.49 AM : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચંડીગઢથી કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલે મતદાન કર્યું. આ વખતે તેમની ટક્કર ભાજપના કિરણ ખેર સાથે છે, જે 2014ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. 

— ANI (@ANI) May 19, 2019

9.40 AM : બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ગયામાં 37 નંબરના મતદાન મથકમાં મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી કેદારનાથ સંન્યાસ લેવા પહોંચ્યા છે. સરવે જણાવે છે કે, ભાજપને માત્ર 200 સીટ મળશે. બિહારમાં મહાગઠબંધન 30 કરતાં વધુ બેઠકો પર વિજય મેળવશે.

9.30 AM : પશ્ચિમ બંગાળઃ કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર માલા રાયને મતદાન મથકમાં પ્રવેશ કરતા અટકાવાયા. તેઓ દક્ષિણ કોલકાતા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. 

9.20 AM :  ઉત્તરપ્રદેશઃ ભાજપના કાર્યકર્તાઓ ચંદોલી લોકસભા સીટ પર દલિત મતદારોને મતદાન કરતા અટકાવતા હોવાનો સમાજવાદી પાર્ટીનો આરોપ, તેમની આંગણી પર મત આપ્યા વગર જ સ્યાહી લગાવવામાં આવતી હોવાનો પણ સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો છે. 

9.10 AM : સવારે 9 કલાક સુધી 10.84 ટકા મતદાન. બિહારમાં 10.65%, હિમાચલ પ્રદેશ 1.60%, મધ્યપ્રદેશ 11.00%, પંજાબ 7.87%, ઉત્તર પ્રદેશ 6.84%, પશ્ચિમ બંગાળ 12.99%, ઝારખંડ 13.84% અને ચંડીગઢમાં 10.40% મતદાન થયું.  

8.40 AM : બિહારના પટનામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મતદાન કર્યું હતું. તેમની સામે આ વખતે કોંગ્રેસના શત્રુધ્ન સિન્હા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અહીં મહિલા કોલેજના 77 નંબરના મતદાન મથકમાં મતદાન કર્યું હતું. 

8.20 AM : પશ્ચિમ બંગાળઃ કોલકાતા ઉત્તર ભાજપના ઉમેદવાર હાલુ સિન્હા, દક્ષિણ કોલકાતા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર સી.કે. બોઝ, મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અને ટીએમસીના નેતા અભિષેક બેનરજીએ તેમનો વોટ નાખ્યો હતો. 

8.00 AM : ક્રિકેટર હરભજન સિંઘે પંજાબના જાલંધરમાં લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું. 

— ANI (@ANI) May 19, 2019

7.57 AM : પશ્ચિમ બંગાળઃ સીપીએમને આરોપ લગાવ્યો છે કે, બીજોયનગર હાઈસ્કૂલના મતદાન મથકમાં પોલિંગ એજન્ટને બહાર નિકળી જવા માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ ધમકાવી રહ્યા છે. 

7.50 AM : મધ્યપ્રદેશની ઉજ્જૈન લોકસભા સીટમાં સેઠી નગરમાં આવેલી કેબ્રિજ સ્કૂલમાં ચાર મતદાન મથકને મોડેલ મતદાન મથક તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. અહીં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારી મહિલા છે. આ સાથે જ નાના બાળકોને રમવા માટે રમકડા, લપસણી સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 

7.30 AM : બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર પણ મતદાન કરવા માટે સૌથી પહેલા પહોંચી ગયા હતા. તેમણે પટના શહેરમાં રાજભવન સ્કૂલમાં બનેલા 326 નંબરના મતદાન મથકમાં મતદાન કર્યું હતું. નીતિશ કુમારે કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયા આટલો બધો લાંબો સમય ન ચાલવી જોઈએ. ચૂંટણી માત્ર 2થી 3 તબક્કામાં જ પૂરી થઈ જવી જોઈએ. ઉનાળામાં નેતાઓ રેલીઓ કરે છે અને પ્રજાને પણ તકલીફ પડે છે. તેમણે કહ્યું કે, સર્વપક્ષી બેઠક બોલાવીને નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાય એવો નિર્ણય લેવો જોઈએ. 

— ANI (@ANI) May 19, 2019

7.20 AM : મિરઝાપુરના બે મતદાન મથક પર EVMમાં ગરબડને કારણે હજુ સુધી મતદાન શરૂ થઈ શક્યું નથી. 

7.10 AM : સાતમા અને અંતિમ તબક્કામાં સૌ પ્રથમ મતદાન કરનારાઓમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા. ગોરખપુરમાં મતદાન કરીને તેમણે ભાજપ 300થી વધુ બેઠકો પર વિજય મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

ઉત્તરપ્રદેશની 13 સીટ
મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદોલી, વારાણસી, મિર્ઝાપુર, રોબર્ટ્સગંજ. આ 13 સંસદીય સીટો પર 2.32 કરોડ મતદાતાઓ છે જે 167 ઉમેદવારોનાં ભાગ્યાનો નિર્ણય કરશે. આ તબક્કા માટે કુલ 13979 મતદાન કેન્દ્ર અને 25874 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશમાં 8 સીટ પર મતદાન
મધ્યપ્રદેશની 8 લોકસભા સીટ પર 1.49 કરોડ કરતાં વધુ મતદારો 82 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. દેવાસ, ઉજ્જૈન, મંદસોર, રતલામ, ધાર, ઇન્દોર, ખરગોન અને ખંડવા સીટ પર થશે મતદાન. 

ઝારખંડમાં 3 બેઠક પર મતદાન
ઝારખંડમાં દુમકા, રાજમહલ અને ગોડા લોકસભા સીટ પર રવિવારે મતદાન થશે. 42 ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શીબુ સોરેનના નસીબનો નિર્ણય થશે. 

બિહારની 8 લોકસભા બેઠક પર મતદાન
બિહારમાં પટના સાહિબ, પાટલીપુત્ર, આરાહ, બક્સર, કરાકાટ, સાસારામ, નાલંદા અને જેહાનાબાદ સહિતની કુલ 8 લોકસભા બેઠક પર 1.52 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બિહારમાં કુલ 157 ઉમેદવાર મેદાનમાં છે. 

પશ્ચિમ બંગાળમાં 9 લોકસભા બેઠક પર મતદાન
પશ્ચિમ બંગાળની ડમડમ, બારાસાત, બસિરહાટ, જયનગર(અનામત), માથુરપુર(અનામત), જાદવપુર, ડાયમંડ હાર્બર, દક્ષિણ કોલકત્તા અને ઉત્તર કોલકત્તા બેઠક પર મતદાન યોજાશે. અહીં તૃણમુલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ચતુષ્કોણીય મુકાબલો છે. પશ્ચિમ બંગાળમાં કુલ 111 ઉમેદવાર મેદાનમાં છે. 

ચંડીગઢ
કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢની એકમાત્ર બેઠક ચંડીગઢ પર આજે મતદાન યોજાવાનું છે. કુલ 36 ઉમેદવાર મેદાનમાં છે અને અહીં 597 મતદાન મથક ઉભા કરાયા છે. 

પંજાબની 13 લોકસભા સીટ પર મતદાન
પંજાબમાં 13 લોકસભા સીટ પર 2.07 કરોડ મતદારો કુલ 278 મતદારોનું ભવિષ્ય નક્કી કરશે. અહીં અભિનેતા સની દેઓ, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર, શિરોમણી અકાલી દલના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલ અને હરદીપ સિંઘ પુરી જેવા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે.  

હોટ સીટ વારાણસી
ભાજપ વારાણસીથી વડાપ્રધાન મોદી મોટા અંતરથી જીત સુનિશ્ચિત કરવામાં કોઇ તક નથી છોડી રહ્યા. રાજનીતિક જાણકારોનું કહેવું છે કે લોકો કેટલાક સવાલો ઉઠાવી શકે છે, પરંતુ વાસ્તવમાં વારાણસીમાં કોઇ મુકાબલો નથી. મોદીએ પોતાની ઉમેદવારીનાં દિવસે અહીં એક રોડ શો કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પોતાનાં ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ શો કર્યો હતો. બહુજન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે શાલિની યાદવના સમર્થનમાં એક સંયુક્ત રેલી આયોજીત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news