કર્ણાટકના મુખ્યમંત્રી પર કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયું, સિદ્ધારમૈયા, ડી. કે શિવકુમારમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી
કર્ણાટકના ચૂંટણી પરિણામ આવી ગયા તેના ચાર દિવસ થઈ ગયા છે છતાં હજુ કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી નક્કી કરી શકી નથી. મુખ્યમંત્રી પદ માટે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દિલ્હીમાં સતત બેઠકોનો દોર જારી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસે બહુમતિ તો મેળવી લીધી, જો કે ખરો પડકાર હવે સર્જાયો છે. મુખ્યમંત્રીના પદ માટે સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. બંનેએ દિલ્લી હાઈકમાન્ડ સમક્ષ ધામા નાંખ્યા છે, જો કે બંનેમાંથી કોઈને મુખ્યમંત્રી પદ છોડવું નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ નેતૃત્વ પણ દ્વિધામાં છે.
કર્ણાટકમાં ચૂંટણી પહેલા એકજૂટ દેખાતી કોંગ્રેસ પરિણામ પછી પડકારોનો સામનો કરી રહી છે. એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં હોવા છતા કોંગ્રેસ હજુ સરકારના વડાની પસંદગી નથી કરી શકી..
સાથે મળીને ભાજપ સામે લડેલા સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારને હવે મુખ્યમંત્રી પદ જોઈએ છે. બંનેમાંથી કોઈ આ માટે સમાધાન કરવા તૈયાર નથી. બંને મુખ્યમંત્રી પદની જીદ પર અડેલા છે. બંનેએ દિલ્લીમાં હાઈ કમાન્ડ સમક્ષ ધામા નાંખ્યા છે. જો કે શીર્ષ નેતૃત્વ પણ બંનેમાંથી કોઈ એકની પસંદગી માટે અવઢવમાં છે. મુશ્કેલી એ છે કે બંનેમાંથી કોઈને પણ નારાજ કરી શકાય તેમ નથી.
આ દરમિયાન હાઈ કમાન્ડે મુખ્યમંત્રી પદ માટે અઢી અઢી વર્ષની ફોર્મુલા પર પણ ચર્ચા કરી હતી. જે પ્રમાણે સિદ્ધારમૈયાને પહેલા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ડી કે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી પદ અને 6 જેટલા મંત્રાલયોની ઓફર કરાઈ હતી. જો કે આ ફોર્મુલાને ડી કે શિવકુમારે ફગાવી દીધી. તેમણે મુખ્યમંત્રી તરીકે પહેલા અઢી વર્ષના કાર્યકાળની માગ કરી. એટલે કે શિવકુમારને મુખ્યમંત્રી પદથી ઓછું કંઈ મંજૂર નથી.
દિલ્લીમાં ડી કે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બપોરે એવા સમાચાર આવ્યા હતા કે સિદ્ધારમૈયા ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ લેશે. જો કે હવે કોકડું ગૂંચવાતા એવું જણાય છે કે મંત્રી મંડળના શપથ ગ્રહણ માટે 2-3 દિવસનો સમય લાગી શકે છે.
દિલ્લીમાં તેમજ કર્ણાટકમાં શિવકુમાર અને સિદ્ધારમૈયા બંનેના સમર્થકો શક્તિ પ્રદર્શન કરીને પોતાના નેતાનો દાવો વધુ મજબૂત કરી રહ્યા છે.
એક તરફ જ્યાં કોંગ્રેસ ધર્મસંકટનો સામનો કરી રહી છે, ત્યાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ જોઈને ભાજપ ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસની લડાઈને ભાજપે પાકિસ્તાનના વિગ્રહ સાથે સરખાવી છે.
કોંગ્રેસનો કોઈ નેતા વર્તમાન સ્થિતિને લઈને ફોડ પાડવા તૈયાર નથી. જો કે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે યુપી, આસામ અને ગોવા સહિતના રાજ્યોમાં ભાજપે મુખ્યમંત્રીની પસંદગીમાં લીધેલા સમયને યાદ કરાવ્યો છે. સાથે જ તેમણે આગામી બેથી ત્રણ દિવસમાં કર્ણાટકમાં નવી સરકાર બનવાનો પણ દાવો કર્યો છે. હવે જોવું એ રહેશે કે કર્ણાટકમાં કોણ મુખ્યમંત્રી બને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે