મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદનનો ચારેકોરથી વિરોધ, રાહુલનું મૌન
કેન્દ્રની સત્તારૂઢ ભાજપ સરકારે કમલનાથપર નિશાન તાક્યું અને કોંગ્રેસ પર 'ભાગલાવાદી રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને ભાજપ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષો તરફથી તેમના મધ્યપ્રદેશના યુવાનો માટે રોજગાર અનામત રાખવાના નિવેદન અંગે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. કમલનાથે સોમવારે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના જે ઉદ્યોગો સરકાર પાસેથી સુવિધા પ્રાપ્ત કરે છે તેમણે 70 ટકા સ્થાનિક યુવાનોને નોકરી આપવાની હશે. આ સાથે જ તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો અહીં નોકરી મેળવી જાય છે, જ્યારે સ્થાનિક યુવાનો બેરોજગાર રહી જાય છે એવું નિવેદન કર્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે અને જણાવ્યું કે, તેઓ આ બાબથી તદ્દન 'અજાણ' છે. રાહુલે જણાવ્યું કે, 'હું આ મુદ્દે કશું જાણતો નથી. મને અત્યારે જ ખબર પડી છે અને હું તપાસ કર્યા બાદ જ કોઈ પ્રતિક્રિયા આપીશ.'
ભાજપે લીધા આડેહાથ
કેન્દ્રની સત્તારૂઢ ભાજપે કમલનાથ પર નિશાન તાક્યું અને કોંગ્રેસ પર 'ભાગલાવાદી રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો હતો. કમલનાથના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે, "કમલનાથનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો અને તેઓ જ્યાં જન્મ્યા છે તેના અંગે આવી ટિપ્પણી શોભતી નથી. આ કમનસીબ બાબત છે કે કોંગ્રેસ એક રાજ્યને બીજા રાજ્ય સાથે લડાવીને ભાગલાવાદી રાજનીતિ કરવા માગે છે."
માફીની માગણી
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે પણ કમલનાથ અને રાહુલ પાસે માફીની માગ કરી છે. સિંહે જણાવ્યું કે, 'શું કોંગ્રેસ સંઘવાદમાં વિશ્વાસ મુકે છે કે નહીં. કમલનાથ અને રાહુલ ગાંધીએ, ખાસ કરીને બિહારના અને ઉત્તરપ્રદેશના લોકોની માફી માગવી જોઈએ.'
આવી વાતો મહારાષ્ટ્રમાંથી સંભળાય છેઃ અખિલેશ
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે જણાવ્યું કે, 'કમલનાથે જે કહ્યું તે ખોટું છે. અગાઉ મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશ અને બિહારના લોકોને નિશાન બનાવાયા હતા અને હવે મધ્યપ્રદેશમાં પણ એવું જ થઈ રહ્યું છે. આ દુર્ભાગ્યપુર્ણ છે.'
રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ જણાવ્યું કે, 'જે કમલનાથ બોલ્યા છે તે સાચું હોય તો આ અત્યંત દુર્ભાગ્યપુર્ણ બાબત છે. આવી બાબતો ભારતના વિચારને બરબાદ કરનારી અને સંકીર્ણ રાજનૈતિક માનસિક્તા દર્શાવે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે