કોણ છે એ શખ્સ, જેણે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા છેક દિલ્હી રજૂઆત કરી

Gujarat Deputy CM : મુખ્યમંત્રી બનાવવાના વાયરલ લેટર પર કુંવરજી બાવળિયાએ કરી સ્પષ્ટતા.. કહ્યું, તમામ વાતો પાયાવિહોણી.. કોઈ હિતેચ્છુએ કરી હતી વાત.. પરંતુ આવા નિર્ણય હાઈકમાન્ડ લે છે.. 

કોણ છે એ શખ્સ, જેણે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા છેક દિલ્હી રજૂઆત કરી

Gujarat Poltitics : રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી પર ખુદ બાવળિયાએ સ્પષ્ટતા કરી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું, કે આ વાત પાયાવિહોણી છે. આવી બાબતોનો નિર્ણય હાઈકમાન્ડ જ લેતું હોય છે. મહત્વનું છે કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશનની માંગણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જસદણના વિંછીયાના કોળી સમાજે આ વાતની છેક દિલ્લી સુધી રજૂઆત કરી છે. જો કે, બાવળિયાએ આ વાતને નકારી છે. આ બાબતે કોળી સમાજના આગેવાન ભુપતભાઈ ડાભીએ પત્ર લખ્યો છે. જેમાં તેમણે પીએમ મોદીને સંબોધીને તેમને ફરી પીએમ બનવા પર અભિનંદન આપ્યા છે અને ગુજરાતમાં કોળી સમાજની વસતિના આંકડા ટાંકીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. તો આ મામલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો તે હવે બોલી રહ્યા છે.

ભૂપત ડાભીએ લખ્યો પ્રધાનમંત્રીને પત્ર
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા સીધો પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. કોળી સમાજના આગેવાન અને પત્ર લખનાર ભુપત ડાભીએ નિવેદનમાં જણાવ્યું કે, કોળી સમાજમાં સર્વે કરીને મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. કુંવરજીભાઈના કહેવાથી લોકોએ મત ભાજપને આપ્યો છે. ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે. કુંવરજી ભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય. અમારામાં નેતા ઘણા છે પણ કુંવરજીભાઈ જેવો ભણેલ ગણેલ અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નથી. બધા જિલ્લામાં સર્વે કરીને મેં પત્ર લખ્યો છે. 

ગુજરાતમાં 32 ટકા કોળી સમાજની વસ્તી 
આમ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવાની માંગે જોર પકડ્યું છે. કોળી સમાજના આગેવાનોએ PM ને પત્ર લખીને માંગ કરી છે. પાંચાળ વિકાસ બોર્ડ સમસ્ત કોળી સમાજના પ્રમુખે PM ને પત્ર લખ્યો છે. સમાજના પ્રમુખ વિનોદ વાલાણીએ જણાવ્યું કે, બાવાળીયા સાત વખત ધારાસભ્ય અને એક વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. ગુજરાતમાં 32 ટકા વસ્તી ધરાવતો સમુદાય કોળી સમાજ છે
 

કુંવરજીની પ્રતિક્રીયા
હાલમાં જ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજીની હાજરીથી પણ ચર્ચા ઉઠી છે. આ ચર્ચાઓ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, ‘હું ભાજપનો કાર્યકર છું અને મને ખબર નથી આવી રજૂઆત થાય છે. પણ કેબિનેટ મંત્રી તરીકે હું સંતુષ્ટ છું.

 

કુંવરજીએ પ્રધાનમંત્રી સાથે કેમ કરી મુલાકાત
આમ, ગુજરાતના રાજકારણમાં હવે નવો ગણગણાટ શરુ થયો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની માંગ ઉભી થઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગુજરાતમાં મલાઈદાર મંત્રીપદ મેળવવા માટે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેમાં કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. તો આ વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી, ત્યારે હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news