આપણે કેન્સર-ડાયાબિટીસ જેવા રોગો નથી વધારવા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આ સભામાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરેલ ૯ જેટલા વ્યક્તિઓનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા મૃતક ખેડૂતોના પરિજનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખેતી બેંક દ્વારા પ્રકાશિત 'કૃષિ વિચાર' મેગેઝિન લોન્ચ કરાઇ હતી.
Trending Photos
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી બેંકની 71મી વાર્ષિક સામાન્ય સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન ઓછું નહીં થાય, બલ્કે ઉત્પાદન વધશે. એટલું જ નહીં વધુ સારી ગુણવત્તાવાળું સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન થશે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો વધ્યા છે. આપણે આવા રોગ નથી વધારવા, આપણે પ્રાકૃતિક ખેતીના મિશનને આગળ વધારીએ.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી બે વર્ષમાં જમીનની ફળદ્રુપતા પાછી આવશે. ધરતીમાંથી ખુશ્બુ આવવા માંડશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને રાસાયણિક ખેતી પદ્ધતિ છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કરતાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એટલે જૈવિક ખેતી નહીં. ખેડૂતો પણ નેચરલ ફાર્મિંગને ઑર્ગેનિક ફાર્મિંગ સમજે છે. ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે જૈવિક ખેતી સફળ નથી. વિદેશી અળસિયા પર આધારિત જૈવિક ખેતી પદ્ધતિમાં ખૂબ મોટી માત્રામાં છાણ અને વિદેશથી આયાત કરેલા અળસિયા જોઈએ છે. આ પદ્ધતિ વધુ ખર્ચાળ અને પર્યાવરણને નુકસાનકર્તા છે. ખેત ઉત્પાદનમાં પણ વધારો નથી થતો. અનેક વર્ષો સુધી મહેનત કર્યા પછી પણ ઑર્ગેનિક ખેતી એટલે કે જૈવિક ખેતી પદ્ધતિમાં સફળતા નથી મળી.
જંગલમાં કોઈ માવજત વિના વૃક્ષો-પર્ણો તંદુરસ્તીથી વિકસે છે, ફળ આપે છે. જંગલમાં પ્રકૃતિ જે કામ કરે છે એ જ કામ આપણા ખેતરમાં કરે તે પ્રાકૃતિક ખેતી- એવી સરળ સમજણ આપીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી ઘરેલુ સામગ્રીથી જ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર થઈ જાય છે. માત્ર એક ગાયના ગોબર-ગૌમૂત્રથી ૧૫ થી ૨૦ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સૂક્ષ્મ જીવાણુ, મિત્ર કીટક અને દેશી અળસિયા આધારિત ખેતી છે. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરથી સૂક્ષ્મ જીવાણુઓની માત્રા વધે છે, જેનાથી ધરતી ફળદ્રુપ બને છે. અળસિયા અને મિત્ર કીટક ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે. ભૂમિની ગુણવત્તા સુધરે છે. ખેડૂતોને બહારથી કોઈ જ વસ્તુઓ લાવીને પાકમાં નાખવાની જરૂર નથી, એટલે ખર્ચ પણ ઓછો આવે છે અને ઉત્પાદન વધે છે.
રાજ્યપાલે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઇડ્સના બેફામ ઉપયોગ સામે ચેતવણી આપતાં કહ્યું કે, જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં આપણી જમીન ફર્શ જેવી થઈ જશે, પાણી પીવા લાયક નહીં રહે, બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે જીવલેણ રોગો વધશે, ધરતી વેરાન થઈ જશે. આપણી આવનારી પેઢી માટે આપણે બરબાદીનો માર્ગ કંડારી રહ્યા છીએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના સતત માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત સમગ્ર કૃષિ વિભાગ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે. આજે ગુજરાતમાં ૮,૫૦,૦૦૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ૮,૦૬૮ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. દર મહિને લગભગ સાડા ત્રણ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લઈ રહ્યા છે. વધુને વધુ ખેડૂતો ઝડપથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ અત્યારના સમયની માંગ છે.
રાજ્યપાલે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક - ખેતી બેંકના અધ્યક્ષ ડોલરભાઈ કોટેચા અને તમામ સંચાલકોને અભિનંદન આપતાં કહ્યું કે, સહકારી અને કૃષિ બેન્કોમાં અગ્રેસર ખેતી બેંકના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બેંકની તમામ ૧૭૬ શાખાઓએ રૂ. ૧૦૬ કરોડનો ગ્રોસ નફો કર્યો છે. ખેતી બેંકની મદદથી ખેડૂતો પણ સલામત અને સમૃદ્ધ થયા છે. ખેડૂતોને શાહૂકારોના ચક્રવ્યુહમાંથી મુક્ત કરાવીને ખેતી બેંકે ખેડૂતોનું કલ્યાણ કર્યું છે. ખેડૂતોના વિકાસમાં ખેતીબેંકનું નોંધપાત્ર યોગદાન છે.
રાજ્યપાલે ગુરુ તરીકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું વિગતવાર પ્રશિક્ષણ આપ્યું અને છેલ્લે સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જ કરવાનો સંકલ્પ ગુરુદક્ષિણામાં આપવા અનુરોધ કર્યો હતો.
ખેતી બેંક દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬૪૨.૩૯ કરોડનું બેંક ધિરાણ આપવામાં આવ્યું. આ ઉપરાંત ખેતી બેન્ક ૦% નેટ એન.પી.એ ધરાવતી લેન્ડ ડેવલપમેન્ટ બેંક બની છે. ખેતી બેંકે સમય સાથે તાલ મિલાવીને કોમ્પ્યુટરાઈઝેશન ધરાવતી બેંક તરીકે પ્રગતિ કરી છે. બેંકના ચાલુ લોન ખાતેદારો માટે રૂ. બે લાખની અકસ્માત સહાય વીમા પોલિસી મેળવવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે