કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 મહિના બાદ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી 20 અને 21 જૂને પોતાના સંસદીય વિસ્તારના પ્રવાસે આવશે. જ્યાં તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને સાથે જ રસીકરણના કાર્યક્રમને વેગ આપશે. રાજ્યની હાલની રાજકીય સ્થિતિ અને ભાજપની વર્ષ 2022ની ચૂંટણીઓની તૈયારીઓની કવાયત શરૂ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 મહિના બાદ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

બ્રિજેશ દોશી/ ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી 20 અને 21 જૂને પોતાના સંસદીય વિસ્તારના પ્રવાસે આવશે. જ્યાં તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને સાથે જ રસીકરણના કાર્યક્રમને વેગ આપશે. રાજ્યની હાલની રાજકીય સ્થિતિ અને ભાજપની વર્ષ 2022ની ચૂંટણીઓની તૈયારીઓની કવાયત શરૂ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. સામાન્ય રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સીધી રીતે કોઈ રાજકીય બેઠકો યોજતા નથી પરંતુ આ વખતે કોરોનાના કેસમાં થયેલા ઘટાડા બાદની તેમની આ મુલાકાત દરમિયાન રાજકીય મુલાકાતો પણ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલમાં જ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સરકાર અને સંગઠન વચ્ચે સંતુલન ગોઠવીને ગયા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસ દરમિયાન તેની અસર જોવા મળી શકે છે.

લગભગ 2 મહિનાના અંતરાલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ વૈષ્ણોદેવી અને ખોરજ ફ્લાયઓવરનું લોકાર્પણ કરે તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે. એસજી હાઈવે પર બની રહેલા ફ્લાયઓવર તેમના જ સંસદીય વિસ્તારમાં આવેલા છે અને તેનું ઉદ્ધાટન તેમના હસ્તે થવા જઈ રહ્યું છે. અડાલજ ફ્લાયઓવરના લોકાર્પણ દરમિયાન તેઓ હાજર રહી શક્યા નહોતા અને તે પહેલા 2 ફ્લાયઓવરનું તેમણે ઈ-લોકાર્પણ કર્યું હતું. હવે વધુ 2 ફ્લાયઓવરનું લોકાર્પણ તેઓ પોતે કરવાના છે. આ બંને ફ્લાયઓવરથી ગાંધીનગર જતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે અને સાથે જ સમયની બચત થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે જોડાય તેવી શક્યતાઓ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારની મુલાકાત દરમિયાન રસીકરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. 21 જૂનથી દેશવ્યાપી રસીકરણનું અભિયાન કેન્દ્ર સરકાર શરૂ કરવાની છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના બોડકદેવ ખાતેના રસીકરણ કેન્દ્રની મુલાકાત લેશે. લોકો રસીકરણ માટે વધુને વધુ આગળ આવે તે ઉદેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ થલતેજ ખાતે વૃક્ષા રોપણ પણ કરશે. વિશ્વ પર્યાવરણ દિવસે તેઓ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવાના હતા પરંતુ તે કાર્યક્રમ રદ થયો હતો. જેનું હવે ફરી આયોજન કરવામાં આવ્યું છે. 

આ ઉપરાંત તેઓ ગાંધીનગરમાં પોતાના સાંસદ આદર્શ ગામ રૂપાલ અને કોલવડાની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ છે. બંગાળની ચૂંટણીઓ અને કોરોનાની બીજી લહેરના કારણે લાંબા સમયથી તેઓ પોતાના મતવિસ્તારની મુલાકાત લઈ શક્યા નથી ત્યારે હવે તેઓ આ વખતે પોતાના સંસદીય વિસ્તારની મુલાકાત લઈને વિકાસકાર્યોની સમીક્ષા કરશે. એપ્રિલ મહિનાની મુલાકાત દરમિયાન તેમણે 900 બેડની કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ વખતે અન્ય વિકાર્ય કાર્યોની પણ તેઓ સમીક્ષા કરીને જરૂરી સૂચના આપશે.

સાંસદ તરીકે અમિત શાહ હંમેશા પોતાના મતવિસ્તારના વિકાસ કાર્યો પ્રત્યે સક્રિય રહ્યા છે અને સતત સ્થાનિક તંત્રને માર્ગદર્શન આપ્યું છે. વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોરજ ફ્લાયઓવરથી ગાંધીનગર જવા માગતા લોકોને મુસાફરોને સમય અને ટ્રાફિકમાંથી રાહત મળશે. હજુ પણ અન્ય 4 ફ્લાયઓવર બની રહ્યા છે જે બન્યા બાદ સરખેજથી ગાંધીનગર જવા માગતા મુસાફરોને સમયની મોટી બચત થશે સાથે જ ટ્રાફિક પણ નહીં નડે. એક અંદાજ પ્રમાણે રોજના 1 લાખથી વધુ વાહનો આ રસ્તેથી પસાર થાય છે ત્યારે ફ્લાયઓવરના કામથી આ તમામને મોટી રાહત મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news