ગુજરાત પર ગરમીનું મહાસંકટ! અમદાવાદમાં ગરમીનો પારો છટક્યો, હીટવેવની નવી આગાહી છે વધુ ડરામણી
Severe Heatwave Alert : હજુ પણ 2 દિવસ ગુજરાતમાં આકરી ગરમીનું રહેશે જોર.. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી.....
Trending Photos
Gujarat Weather Forecast : ગ્લોબલ વોર્મિંગમાં સૂર્ય બરાબરના કોપાયમાન થયા છે. આજે દેશના 7 રાજ્યોમાં હીટવેવની હવામાનની આગાહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં આકરી ગરમી પડશે. જોકે, હજુ પણ 2 દિવસ ગુજરાતમાં આકરી ગરમીનું જોર ચાલું છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અલર્ટની આગાહી કરાઈ છે. દીવ, જૂનાગઢ, ભાવનગરમાં હીટવેવની આગાહી છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની હવામાનની આગાહી છે. તો વડોદરા અને છોટાઉદેપુરમાં પણ કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં હીટવેવથી મોતનો આંકડો ડરામણી રીતે વધી રહ્યો છે. જેમાં અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે 2 લોકોનાં, સુરતમાં 6 અને વડોદરામાં 9 લોકોના મોત થયા છે. આમ, ગુજરાતના ત્રણ મોટા શહેરમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે.
ગરમીએ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો
એએમસીના ડેપ્યુ હેલ્થ ઓફિસર ડો.તેજશ શાહે માહિતી આપતા જણાવ્યું કે, 13 વર્ષ બાદ અમદાવાદમાં લાંબો સમય ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચ્યો છે. વર્ષ 2016 બાદ પ્રથમવાર અમદાવાદના તાપમાનનો પારો ૪૬ ડિગ્રી પાર પહોંચ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદમાં સતત પાંચ દિવસ હીટવેવ રહ્યો છે. અગાઉ વર્ષ 2010 માં 18 દિવસ તાપમાન 43 ડિગ્રી ઉપર રહ્યું હતું. વર્ષ 2010 માં ૪ દિવસ તાપમાનનો પારો ૪૫ ડીગ્રીને પાર થયો હતો. અમવાદમાં ૨૨ મે ૨૦૧૦ ના દિવસે ૪૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. વર્ષ ૨૦૧૬ માં સતત ૧૨ દિવસ ૪૩ ડિગ્રી પાર રહ્યો હતો. ૨૦૧૬ માં અમદાવાદમાં ત્રણ દિવસ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું હતું. ૧૯ મે ૨૦૧૬ માં અમદાવાદમાં ૪૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વર્ષ ૨૦૧૬ બાદ ચાલુ વર્ષે તાપમાન ૪૬ ડિગ્રીને પાર થયું હતું. વર્ષ ૨૦૧૦ માં હિટ સ્ટ્રોકના ૨૬૫ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૦ માં હોસ્પીટલ દર્દીથી ઉભરાઇ હતી એર કુલર અને બરફની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજસ્થાનના ફલૌદીમાં સૌથી વધુ 49 ડિગ્રી તાપમાન
દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ ગરમીથી લોકો પરેશાન થયા છે. રાજસ્થાનના ફલોદીમાં સૌથી વધુ 49 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 49 ડિગ્રી તાપમાન સાથે ફલોદી દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. ફલોદી ઉપરાંત બાડમેર અને જેસલમેરમાં 48.3 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. રાજસ્થાનમાં હીટવેવ અને લૂ લાગવાથી છ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. હવામાન વિભાગ મુજબ 28 મે સુધી રાહત મળવાની શક્યતા નથી.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, 17 મેથી રાજ્યમાં આકરી ગરમી પડશે અને એવુ જ થયું. મહત્તમ ઉષ્ણતામાન ૪૪ ડિગ્રી પાર કરી ૪૫ ડિગ્રી પર પહોંચી ગયું છે. રાજ્યમાં આકરી લુ સાથે પવન તથા આંધી વંટોળ રહેશે. જોકે, રાહતના સમાચાર એ છે કે, 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આંધી વંટોળ સાથે વરસાદ થતા ગરમીમાં રાહત થશે. 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ થશે. 26 મે થી રોહિણી વરસાદ થતા વચ્ચે ગરમી પડશે. પરંતું આ વચ્ચે રાજ્યમાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે.
હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો
દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગમન
દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે.
મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.
આજે વાવાઝોડાની થશે એન્ટ્રી : 102KM ની સ્પીડે પવન ફૂંકાશે, ગુજરાતને પણ થશે અસર
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે