રાજ્યભરના મંદિરો આજથી ખુલ્યા પણ અમદાવાદના આ બે સુપ્રસિદ્ધ મંદિરો હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ

આજથી રાજ્યભરના મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલ્યા છે પરંતુ અમદાવાદના બે મંદિરો જગન્નાથજીનું મંદિર અને ભદ્રકાળી મંદિર હજુ બંધ છે. 

રાજ્યભરના મંદિરો આજથી ખુલ્યા પણ અમદાવાદના આ બે સુપ્રસિદ્ધ મંદિરો હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ

અતુલ તિવારી, અમદાવાદ: આજથી અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલ્યા છે. જો કે અમદાવાદનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર વહેલી સવારે પણ ખુલ્યું નથી. મંદિરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગના કૂંડાળા દોરવામાં આવ્યા પરંતુ મુખ્યદ્વાર હજુ પણ બંધ રાખવામાં આવ્યું છે. ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યાં છે. બીજી બાજુ જગન્નાથજીનું મંદિર પણ આજથી નહીં ખુલે.

Image may contain: one or more people and outdoor

(ભદ્રકાળી મંદિર , અમદાવાદ)

મળેલી માહિતી મુજબ ભદ્રકાળી માતાનું મંદિર કન્ટેનમેન્ટ ઝોનની આસપાસમાં આવેલું હોય, કેટલીક સ્પષ્ટતા કરવાની હજુ બાકી છે. જેના કારણે નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ખોલી શકાયું નથી. પોલીસ સાથે સંકલન સાધ્યા બાદ ભદ્રકાળી માતાનું મંદિર આવતી કાલે અથવા બે દિવસમાં ખુલે તેવી શકયતા છે. એ જ રીતે જગન્નાથ ભગવાનનું મંદિર પણ કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં આવેલું હોવાથી ખુલશે નહીં. 15 જૂનથી ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું કહેવું છે. જો કે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, સેનેટાઈઝ કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 

Image may contain: sky and outdoor

(જગન્નાથજીનું મંદિર અમદાવાદ)

યાત્રાધામ શામળાજીનું મંદિર પણ અઢી માસે ખુલ્યું
આ બાજુ યાત્રાધામ શામળાજીનું મંદિર પણ આજે ખુલી ગયુ છે. સવારે 7 વાગે ભગવાન શામળિયાના દ્વાર ભક્તો માટે ખુલ્યા. દિવસમાં ત્રણવાર મંદિરને સેનેટાઈઝ કરવામાં આવશે. ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કૂંડાળામાં ઊભા રખાશે. મંદિરના મુખ્ય દરવાજાથી ભક્તોને સૅનેટાઇઝ કરી પ્રવેશ અપાશે. મંદિરમાં આરતી સમયે ભક્તો હાજર રહી શકશે નહીં. મંદિરમાં દંડવત પ્રણામ કે સ્પર્શ કરી શકાશે નહીં. મંદિરમાં શ્રીફળ અને પ્રસાદી પણ લઈ જઈ શકાશે નહીં. કોરોનાને લઈને કડક કરાયેલા નિયમો સાથે ભગવાનના દર્શન કરી શકાશે. અઢી માસ બાદ  આખરે મંદિર ખુલ્યા છે. 

જુઓ LIVE TV

વડોદરામાં પણ તમામ ધાર્મિક સ્થાનો ખુલ્યા
વડોદરામાં પણ આજથી મંદિર સહિત તમામ ધાર્મિક સ્થાનો ખુલ્યા. હરણી સ્થિત આવેલ ભીડ ભંજન હનુમાન મંદિરમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં પ્રવેશતા ભક્તો માટે સેનેટાઈઝ ટનલ મૂકાઈ છે. દાનપેટીના બદલે યુવી મશીન મૂકાયું છે. યુવી મશીનમાં રૂપિયા નાખતા જ તે સેનેટાઈઝ થઈ જાય તેવી વ્યવસ્થા છે. મંદિરમાં ગોળ કૂંડાળા દોરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

(ઈનપુટ સાભાર રવિ અગ્રવાલ, વડોદરા/ સમીર બલોચ, અરવલ્લી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news