કોરોના કરતા પણ વધુ ખતરનાક છે મ્યુકોરમાઈકોસીસ, નાસ લેવાને લઈને થયો મોટો ખુલાસો
Trending Photos
- વધુ નાસ લેવાથી પણ આ ફંગસને લાભ મળી રહ્યો છે. તેથી જો તમે નાસ લેતા હોય તો ચેતી જવા જેવું છે
- મ્યુકોરમાઇકોસીસ થાય છે તેવા દર્દીઓનું એક જ અઠવાડિયામાં મૃત્યુ થઈ રહ્યા હોય તેવા પણ કિસ્સા બન્યા છે
- કોરોનામાં મૃત્યુ દર 2 ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં 50 ટકા છે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના બાદ ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસ બીમારીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં આ બીમારી હવે માથુ ઉંચકી રહી છે. જેના દર્દીઓ ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળી રહ્યાં છે. ગંભીર લક્ષણો સાથેની આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. પરંતુ હવે મ્યુકોરમાઇકોસીસ અંગે મોટી માહિતી સામે આવી છે. આંખોના નિષ્ણાત ડો.પાર્થ રાણાએ ઝી 24 કલાકને મહત્વપૂર્ણ માહિતી આપી કે, કોરોનાથી બચવા લોકો નાસ લેતા થયા છે, પણ વધુ નાસ લેવાથી પણ આ ફંગસને લાભ મળી રહ્યો છે. તેથી જો તમે નાસ લેતા હોય તો ચેતી જવા જેવું છે.
દર્દી આંખ પણ ગુમાવી શકે છે
આંખોના નિષ્ણાંત એવા ડો. પાર્થ રાણાએ જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસીસના દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાંથી એક કે બે કેસો મળતા હતા, તેના છેલ્લા બે મહિનામાં અનેક કેસો વધ્યા છે. મ્યુકોરમાઇકોસીસ સૌ પ્રથમ આંખો પર એટેક કરે છે. ત્યાર બાદ તેની અસર મગજ સુધી જઈ પહોંચે છે. આ ફંગસ વ્યક્તિની રોશની છીનવી પણ શકે છે. ત્યારબાદ જો મગજ સુધી જઈ પહોંચે તો તેને બચાવવો તબીબો માટે પણ મુશ્કેલ બની શકે છે. અત્યાર સુધી અંદાજે 26 જેટલા કેસો છેલ્લા બે મહિનામાં મારા ધ્યાને આવ્યા, જેમાંથી 50 ટકા લોકોના મોત થયા છે. ડોક્ટરના કહેવા મુજબ મહત્તમ લોકોની આંખો બચાવી શકાઈ નથી.
આ પણ વાંચો : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા
દર્દી હજી કંઈ સમજે તે પહેલા તો મોતને ભેટે છે
તેમણે કહ્યું કે, જાગૃતતાના અભાવે લગભગ તમામ દર્દીઓએ આંખો ગુમાવી છે અથવા તો તેમના મૃત્યુ થયા છે. જેને મ્યુકોરમાઇકોસીસ થાય છે તેવા દર્દીઓનું એક જ અઠવાડિયામાં મૃત્યુ થઈ રહ્યા હોય તેવા પણ કિસ્સા બન્યા છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસને ખાવા માટે ગ્લુકોઝ જોઈએ અને તેની સામે લડવા માટે દર્દીમાં જો રોગપ્રતિરોધક શક્તિ ઓછી હોય તો તેને પ્રસરવામાં સરળતા મળે છે. કોરોનામાં સ્ટીરોઇડને કારણે જેમનું સુગર વધ્યું, રોગ પ્રતિરોધક શક્તિ ઘટી તેવા દર્દીઓ મ્યુકોરમાઇકોસીસ માટે સુપરપાવર સાબિત થઈ રહ્યા છે. મોટાભાગના કેસોમાં ડોક્ટરો સમજે એ પહેલાં જ દર્દીના મોત થઈ રહ્યા છે. અગાઉ સિટીમાં આવા કેસો આવતા જ ન હતા, હવે જોવા મળી રહ્યા છે પણ દર્દી ખૂબ મોડા આવી રહ્યા છે, ડોકટરોને પણ હજુ આ રોગ વિશે જાણવાની જરૂર છે.
નાસને લઈને મોટો ખુલાસો
કોરોનાને દૂર રાખવા શરૂઆતથી જ સતત નાસ લેવાની સલાહ આપવામાં આવી હતી. જેથી અનેક લોકો તેનુ પાલન કરે છે. પરંતુ મ્યુકોરમાઈકોસીસમાં નાસને લઈને જોખમી માહિતી સામે આવી છે. ડોક્ટરના કહેવા અનુસાર, કોરોનાથી બચવા લોકો નાસ લેતા થયા પણ વધુ નાસ લેવાથી પણ આ ફંગસને લાભ મળી રહ્યો છે. નાસ લેવો જોઈએ, પણ વધારે લઈએ એટલે નાકમાં ચામડી કે ટિસ્યુ બળી જવાની શક્યતા રહેલી છે. ચામડી બળી જતા કોઈપણ બેક્ટેરિયા કે ફંગસને પ્રસરવામાં સરળતા રહે છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસ માટે પણ આવા કિસ્સાઓ લાભદાયી બની શકે છે.
આંખ અને મગજ પર અસર
મ્યુકોરમાઇકોસીસ આંખ અને મગજ સિવાય પણ અન્ય અંગ પર અસર થતી હોય તેવી શકયતાઓ પણ છે. પહેલા આ ફંગસની અસર આંતરડા પર થતી હોય તેવું જોવા મળ્યું છે, જો કે હાલ આવા કેસો સામે આવ્યા નથી અથવા તો તેના અંગે જાણકારી નથી મળી રહી. ડો. પાર્થે કહ્યું કે, હજુ આ વિશે જાણવું ખૂબ જરૂરી છે, માટે મ્યુકોરમાઇકોસીસથી જેના મોત થતા હોય તેમના પોસ્ટમોર્ટમ કરવાની જરૂર લાગી રહી છે. મૃતકના પોસ્ટમોર્ટમ થશે, ઓટોપ્સી થશે તો વધુ જાણકારી મળશે, અને શરીરના અન્ય અંગ પર અસર થતી હોય તો તેના વિશે ખ્યાલ આવશે.
કોરોનાથી પણ વધુ ખતરનાક છે મ્યુકોરમાઈકોસીસ
છેલ્લાં એક વર્ષથી કોરોનાનો હાહાકાર સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયો છે. પરંતુ હવે મ્યુકોરમાઈકોસીસ તેના કરતા પણ વધુ જીવલેણ નીવડી રહ્યો છે. કોરોનામાં મૃત્યુ દર 2 ટકા હતો, મ્યુકોરમાઇકોસીસમાં 50 ટકા છે. એક વખત આ ફંગસ આંખની પાછળથી ફેલાઈ મગજ સુધી પહોંચ્યું તો દર્દીને બચાવવું અશક્ય છે. તબીબ કહે છે કે, મ્યુકોરમાઇકોસીસના એક દિવસમાં અમે એક દર્દીને ઓપરેટ કરી શકીએ છીએ. તરત એ જ ઓપરેશન થિયેટરમાં બીજા દર્દીને લઈ શક્તા નથી. નાક ભરેલું લાગે અથવા આંખોમાં ઝાંખપ આવે એટલે તાત્કાલિક ડોકટરનો સંપર્ક હિતાવહ છે. આઇબોલ બહાર આવી જતો હોય તેવું પણ જોવા મળ્યું છે એટલે જો દર્દી 24 કે 48 કલાકમાં સારવાર માટે આવે છે તો તેની આંખો બચી શકે છે.
મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો
- આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
- નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે
- નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે
- આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે
મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ અમદાવાદ સિવિલમાં 20 ટકા જેટલો છે.
કેવા દર્દીને થાય છે આ બીમારી
આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે