ગામમાં આલીશાન બંગલો બનાવનારા આ ચોરની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો!

રાજસ્થાનના આ ચોરે ઘરનોકર તરીકે કામ કરીને માલિકના ઘરમાં જ કરી હાથસફાઈ, તેણે ચોરેલી રકમનો આંકડો વાંચીને તમે પણ ચોંકી જશો 

ગામમાં આલીશાન બંગલો બનાવનારા આ ચોરની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો!

ચેતન પટેલ/સુરતઃ સામાન્ય રીતે ઘરમાં ચોરી થતી હોય ત્યારે ચોરીની રકમનો આંકડો વધુમાં વધૂ 10 લાખ સુધીનો સાંભળવા મળતો હોય છે. સુરતમાં એક ચોરે શ્રીમંતોના ઘરોને નિશાન બનાવીને એવી રીતે ચોરી કરી કે ઘરમાલિક પણ વિચારતા રહી ગયા. તેની આ મોડસ ઓપરેન્ડીથી તે અત્યાર સુધીમાં રૂ.અઢી કરોડ, રૂ.80 લાખ, રૂ.40 લાખ અને રૂ.2 લાખની રકમની જુદી-જુદી ચોરીને અંજામ આપી ચુક્યો છે. 

તાજેતરમાં જ સુરત શહેરની ઉમરા પોલીસે એક એવો ચોર પકડ્યો છે જે માત્ર ને માત્ર શ્રીમંત અને જૈન સમાજના ઘરને જ નિશાન બનાવતો હતો. ઉમરા પોલીસે પકડેલા આ ચોરનું નામ છે જયંતી ઉર્ફે રમેશ ઉર્ફે શંકર ઓસવા. તે મૂળ રાજસ્થાનના જોધપુરનો વતની છે. તેણે પોતાના ગામમાં આલીશાન બંગલો બનાવવા માટે ચોરીનો રસ્તો પકડ્યો હતો. 

કેવી હતી મોડસ ઓપરેન્ડી?
રાજસ્થાનનો આ જયંતી નામનો ચોર સુરત આવીને ઉમરા વિસ્તારમાં રહેતા જૈન સમાજના લોકોને ત્યાં ઘરનોકર તરીકે કામ કરતો હતો. 15-20 દિવસ સુધી ઘરકામ કરીને તે ઘરના સભ્યોનો વિશ્વાસ મેળવી લેતો હતો. ત્યાર પછી જેવી તક મળે ત્યારે તે પોતાના મિત્રોની મદદથી ચોરીની ઘટનાને અંજામ આપતો. ચોરી કર્યા પછી તરત જ ટ્રેન પકડીને તે રાજસ્થાન ભાગી જતો હતો. રાજસ્થાન જઈને તે પોતાના સાગરિતો સાથે ચોરેલી રકમના ભાગ પાડી લેતો હતો. 

થોડા સમય બાદ આરોપી ફરી પાછો સુરત આવતો. ફરીથી ઉમરા વિસ્તારમાં જ જૈન સમાજના કોઈ નવા ઘરમાં નોકરી મેળવી લેતો હતો. અહીં પણ એ જ રીતે 10-15 દિવસમાં ઘરના સભ્યોનો વિશ્વાસ મેળવી લઈને તક મળતાં જ હાથસાફ કરીને ભાગી જતો હતો. આ રીતે તે અત્યાર સુધીમાં રૂ.અઢી કરોડ, રૂ.80 લાખ, રૂ.40 લાખ અને રૂ.2 લાખની રકમની જુદી-જુદી ચોરીને અંજામ આપી ચુક્યો છે. 

વારંવાર ચોરીઓ થતાં ઉમરા વિસ્તારના લોકોને શંકા ગઈ હતી. તાજેતરમાં જ તે જ્યારે ફરી રાજસ્થાનથી પાછો આવ્યો ત્યારે લોકોએ તરત જ પોલીસને જાણ કરીને તેને પકડાવી દીધો હતો. ઉમરા પોલીસે જ્યારે લાલ આંખ કરી ત્યારે તેણે અત્યાર સુધી કરેલી ચોરીઓ કબુલી લીધી હતી. તેણે જણાવ્યું કે, પોતે પરિણીત છે અને પત્ની છોડીને ચાલી ગઈ છે. રાજસ્થાનમાં પોતાના ગામમાં બંગલો બનવવો હોવાથી તે ચોરીના રવાડે ચડ્યો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news