સુરત: મચ્છરજન્ય રોગચાળાને નાથવા તંત્રના હવાતિયા, કમિશ્નરે તમામ કર્મચારીઓને રજા રદ્દ કરી
વાતાવરણના કારણે મચ્છરોના બ્રિડિંગને કાબુમાં લેવાનો મોટો પડકાર તંત્ર સામે છે, તો બીજી તરફ મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે
Trending Photos
ચેતન પટેલ/સુરત : ચાલુ વર્ષે વરસાદની પેટર્ન બદલાતા રોગચાળાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. વિશેષ કરીને મચ્છરજન્ય રોગચાળો જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયાએ સૌથી વધારે હાહાકાર મચાવ્યો છે. સુરતની વાત કરીએ તો સુરતમાં ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અત્યારસુધી 740 ડેંગ્યુના કેસ અને 430 જેટલા મેલેરિયાના કેસો નોંધાયા હતા. ગઈકાલે પણ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકનું મોત નિપજ્યા બાદ લોકોએ આરોગ્ય વિભાગ પર રોષ ઠાલવ્યો હતો.
આ ઘટના બાદ આજે શનિવારે રજાના દિવસે પણ આરોગ્ય વિભાગ અને મેલેરિયા-ફાઇલેરિયા વિભાગ દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ 7 ઝોનના મુખ્ય આરોગ્ય અધિકારીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટર્સ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરના આદેશ પછી તમામની રજાઓ કેન્સલ કર્યાની જાહેરાત કરવામાં આવી હતી. જયારે રોગચાળાના આંકડા છુપાવતી હોસ્પિટલો સામે પણ નોટિસ આપીને ખુલાસા માંગવાની કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે વરસાદ નવરાત્રી સુધી પડ્યો હતો. જેના કારણે મચ્છરોના બ્રિડિંગનું પ્રમાણ ખુબ જ વધી જતા મચ્છરજન્ય રોગચાળામાં ખુબ જ વધારો થયો છે. ન માત્ર સુરત પરંતુ અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા અને ભાવનગર સહિતનાં મહાનગરોમાં મચ્છરજન્ય રોગચાળાને કારણે તંત્ર ત્રાહીમામ પોકારી ચુક્યું છે. ત્યારે ડેન્ગ્યું હાલ સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. જામનગર અને રાજકોટમાં ડેન્ગ્યુંનાં કેસ ખુબ વધી જવાનાં કારણે તંત્ર યુદ્ધના ધોરણે સ્થિતી પર કાબુ મેળવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જો કે જ્યાં સુધી શિયાળાની વિધિવત્ત શરૂઆત ન થાય ત્યાં સુધી આ સ્થિતી પર કાબુ મેળવવો ખુબ જ મુશ્કેલ છે. તંત્ર દ્વારા ડોર ડુ ડોર સર્વે ઉપરાંત ફોગિંગ સહિતની અનેક પ્રજાલક્ષી કામગીરી ચલાવવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે