દેશમાં ક્યાંય રામ રાજ્ય દેખાતું નથી, ભગવાન રામ ભાજપાને માફ નહી કરે: રાજીવ સાતવ
જે જસદણના સંભવિત ઉમેદવાર સાથે બેઠક યોજાવાની છે. જસદણ વિધાનસભાના નિરિક્ષકો દ્વારા જે રીપોર્ટ આપવામાં આવ્યો છે તેને લઇને પણ ચર્ચા થશે. ભાજપાએ જે વાયદા કર્યા હતા એ પૂર્ણ કર્યા નથી માટે પ્રજામાં ભારે આક્રોશ છે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા રાજીવ સાતવે કહ્યું કે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૦ કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી. ખેડૂતોના દેવા માફી અને તેમને ઉત્પાદનના દોઢ ગણા ભાવ આપવાની તથા કાળું ધન પાછું લાવવાનું અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાના વચન આપ્યા હતા.
જોકે આજે સાડા ચાર વર્ષ બાદ કોઇ વચન પૂર્ણ ન થતા ફરી રામ મંદિર પર પરત ફર્યા છે. ૧૯૮૯થી રામ મંદિરની વાત કરે છે મંદિર વહિ બનાયેગે પણ તારીખ નહી બતાયેગે. છેલ્લા ઘણા વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે જેના પર તે કામ કરી રહ્યા છે. વાત રામની કરે છે પણ દેશમાં ક્યાંય રામ રાજ્ય દેખાતું નથી, ભગવાન રામ ભાજપાને માફ નહી કરે.
ગુજરાતના પ્રવાસે આવેલા ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જસદણની પેટા ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આજે જસદણના સંભવિત ઉમેદવાર સાથે બેઠક યોજાવાની છે. જસદણ વિધાનસભાના નિરિક્ષકો દ્વારા જે રીપોર્ટ આપવામાં આવ્યો છે તેને લઇને પણ ચર્ચા થશે. ભાજપાએ જે વાયદા કર્યા હતા એ પૂર્ણ કર્યા નથી માટે પ્રજામાં ભારે આક્રોશ છે.
જેનું પરિણામ ચૂંટણીમાં જોવા મળશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના સભ્યો તોડવાની ઘટના અંગે સાતવે કહ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનું જૂનું અને જાણીતું મોડલ છે. જો કે પક્ષ પલટા બાદ પણ જે પરિણામ આવે છે તે કોંગ્રેસના પક્ષમાં આવે છે તેથી આ પક્ષ પલટાનો કોઇ ફરક પડતો નથી.
ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ગુજરાત કોંગ્રેસના માળખામાં ન સમાવાયેલા અને નારાજ લોકોને સંગઠનમાં જવાબદારી આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવા સંગઠનમાં તમામને સાથે લેવાનો પ્રયત્ન થયો છે. જમીની કાર્યકરને તેમની શક્તિને આધારે કામગીરી સોંપાઇ છે. આ સંગઠનથી નવી ઉર્જાનો સંચાર થયો છે અને આવનારા દિવસોમાં વધારે કામ થશે.
આજે નવા સંગઠનની પ્રથમ બેઠક મળશે. છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસે કાર્યવાહી શરૂ કરી છે. સંગઠનને લઇને ઘણી તાલીમ શિબિર થઇ અને હવે લોકસભાની ચૂંટણીને આડે માત્ર ચાર મહિનાનો સમય બાકી છે ત્યારે તેને લઇને બેઠકમાં ચર્ચા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે