ઓગડ જિલ્લા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું, દિયોદરમાં સાતમાં દિવસે વિરોધ યથાવત, હવે શું નિર્ણય લેશે સરકાર?

બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવાનો નિર્ણય જ્યારથી આવ્યો છે ત્યારથી ઘણી જગ્યાએ નારાજગી પણ જોવા મળી રહી છે. ખાસ કરીને દિયોદર તાલુકામાં દરરોજ વિરોધ થઈ રહ્યો છે. અહીં લોકો દ્વારા ઓગડ જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે. 
 

ઓગડ જિલ્લા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું, દિયોદરમાં સાતમાં દિવસે વિરોધ યથાવત, હવે શું નિર્ણય લેશે સરકાર?

બનાસકાંઠાઃ ગુજરાત સરકારે 1 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે બનાસકાંઠામાંથી વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં 6 અને વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ રહેશે. સરકારના નિર્ણય બાદ વિવાદ પણ શરૂ થયો છે. લોકો અલગ-અલગ માગ સાથે પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. આ નવા જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવા માટે પણ સતત સાત દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સાતમાં દિવસે વિરોધ યથાવત
અમારો જિલ્લો ઓગડ જિલ્લો, ઓગડ જિલ્લો અમારો અધિકાર છે જે અમે લઈને જ રહીશું. ઓગડ જિલ્લા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. જેવા વિવિધ બેનરો સાથે રાખીને સાતમાં દિવસે પણ દિયોદરમાં વિરોધ યથાવત છે. દિયોદરના આરામગૃહ પાસે સ્થાનિક વેપારીઓ આજે પણ ધરણાં કર્યા અને સૂત્રોચ્ચાર કરીને સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે સરકારે જે નિર્ણય કર્યો છે તે ન્યાય પૂર્વક નથી. ઓગડ જિલ્લો બનાવવાની માગ ઉગ્ર બની રહી છે ત્યારે આવનારા દિવસમાં સરકાર શું નિર્ણય લે છે તેની પર સૌની નજર છે.

કોંગ્રેસે પણ ઓગડ જિલ્લાની કરી માંગ
ગુજરાતમાં નવો 34મો જિલ્લો વાવ-થરાદ જાહેર થતાં જ ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે. ખાસ દિયોદરના લોકોએ ઓગડ જિલ્લો બનાવવા માટે બજારો બંધ રાખી હતી. આવેદનપત્રો આપ્યા, રેલીઓ કાઢી તો હવે આ મુદ્દાને જાણે કોંગ્રેસે ઉપાડી લીધો છે અને કોંગ્રેસે પ્રદર્શન શરૂ કર્યા છે. કોંગ્રેસની માગ છે કે જ્યાં સુધી ઓગડ જિલ્લો બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આ રીતે કરાયું છે વિભાજન
બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા  વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news