જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો
Trending Photos
- જામનગરના પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈએ સંપૂર્ણ ઓર્ગેનિક ઢબે ડ્રેગન ફ્રુટની બાગાયતી ખેતીથી માત્ર એક જ સીઝનમાં 3 લાખથી વધુનો મેળવ્યો નફો
- સેન્દ્રીય ખાતર અને ટપક સિંચાઇના સાધનોમાં મેળવ્યો રાજ્ય સરકારની સહાયનો લાભ અને બાગાયત ખેતી તરફ અગ્રેસર બનતું જામનગર
મુસ્તાક દલ/જામનગર :જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જેન્તીભાઇ ફળદુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રુટની ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ ચીલો ચાતર્યો છે. જસાપર ગામના જયંતીભાઈ ફળદુ રાજ્ય સરકારની આત્મા એજન્સી સાથે જોડાયેલા છે. સામાન્ય ખેતીથી કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે જ બાગાયત ખેતીમાં નવા પાકોના પ્રયોગ કરતા જેન્તીભાઈ ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે.
જામનગર જિલ્લાના જશાપર ગામના પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈએ જણાવ્યું કે, “બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક પાકમાં ફળ ત્રણ વર્ષ બાદ આવતા હોય છે. જ્યારે ડ્રેગન ફ્રુટના પાકમાં એક વર્ષમાં જ ફળની આવક થાય છે. વળી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ ઝુકાવ હોવાથી અમે આ પાકમાં રાજ્ય સરકારની સહાયથી સેન્દ્રીય ખાતરનો અને ટપક સિંચાઇનો ઉપયોગ કરીએ છીએ.” ડ્રેગન ફ્રુટની ખેતીમાં સંપૂર્ણ ચોમાસા દરમિયાન ચારથી પાંચ વખત ફળોનો ફાલ મળે છે. આ પાક થકી જયંતીભાઈ માત્ર એક જ સીઝનમાં અંદાજિત આવક 3.25 લાખ જેટલો નફો મેળવે છે.
પ્રાયોગિક ધોરણે બે વર્ષ પહેલાં કરેલી આ શરૂઆતમાં રાજ્ય સરકારના સહકાર સાથે આજે બે વીઘાના વિસ્તારમાં માત્ર ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવે છે. તે સિવાયના ભાગોમાં પણ જેન્તીભાઈએ ટિશ્યૂકલ્ચર ખારેક વાવી છે. તો સીતાફળની નવી જાતનું પણ હાલ પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે. જેન્તીભાઈ પોતાના ફળોની ગુણવત્તાનો જાતે ખ્યાલ રાખે છે. જેના થકી આજે તેઓ ઓર્ગેનિક લાઇસન્સ અને ફ્રુટ ક્વોલિટી લાઈસન્સ સાથે પોતાના ફાર્મ પરથી સીધું જ વેચાણ કરી ઘર આંગણે જ અઢળક કમાણી કરી રહ્યા છે. જેંન્તીભાઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સજીવ ખેતીમાં પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત જેન્તીભાઈએ અન્ય ખેડૂત વિશાલભાઈ સાથે મળી નર્સરીનો પણ પ્રારંભ કર્યો છે. જેમાં ડ્રેગન ફ્રૂટના 65 હજાર જેટલાં રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સોનાના સૂરજની સવાર જોતા ખેડૂત જેન્તીભાઇ અન્ય ખેડૂતોને પણ પરંપરાગત પાકોથી અલગ વિચારી નવા પાકો, નવી ખેત પદ્ધતિઓના પ્રયોગો કરી સરકારના માર્ગદર્શન અને આર્થિક સહાય થકી આધુનિક ખેતી તરફ વળવા સંદેશ આપે છે.
જામનગરના પ્રગતિશીલ જેન્તીભાઈ ફળદુને જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ દ્વારા પણ સરકારની નવી યોજનાઓ વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ જયંતીભાઈના ફાર્મની મુલાકાત લઇ રાજ્ય સરકારની યોજનાઓના લાભ સાથે વધુ પ્રગતિ કરવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે