વાવાઝોડું વિત્યાના ત્રણ દિવસ બાદ પણ અમરેલીમાં પીવાના પાણીના ફાંફાં
Trending Photos
- ઉનામાં જ્યાં એક તરફ પીવા માટે પાણી નથી મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ અનેક પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે
- અમરેલીમાં 220 કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે. ત્યારે હજુ પણ 4 દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે
ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડાને જઈને ત્રણ દિવસ થઈ ગયા છે. પરંતુ જે જિલ્લાઓમાં તેની સૌથી વધુ અસર થઈ છે ત્યાં જનજીવન હજી પણ થાળે પડ્યુ નથી. વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત અમરેલી (amreli) જિલ્લાને ફરીથી બેઠુ થવામાં હજુ વધારે દિવસો લાગી જેવી તેવી હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે. તૌકતેને વિત્યાના ત્રણ દિવસ બાદની સ્થિતિમાં પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે.
વાવાઝોડા બાદ પીવાનું પાણી નથી મળી રહ્યું
ઉનામાં જ્યાં એક તરફ પીવા માટે પાણી નથી મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ અનેક પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા માટે લોકો વલખા મારી રહ્યાં છે. 14 ઇંચ વરસાદ જ્યાં વરસ્યો હોય ત્યાં પીવાના પાણી માટે લોકો લાચાર બન્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા હજી પણ થઈ જશે અને આવી જશે જેવા જવાબો મળી રહ્યાં છે. આ જવાબથી પ્રજા ત્રાહિમામ બની ગઈ છે. તો બીજી તરફ, પેટ્રોલની સ્થિતિ પણ વણસી છે. પેટ્રોલપંપને નુકસાન થવાથી તે પણ હજી ખૂલ્યા નથી. જેથી લોકો પોતાના વાહનો લઈને બહાર પણ જઈ શક્તા નથી. અમરેલીમાં 220 કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે. ત્યારે હજુ પણ 4 દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે.
વીજ કર્મચારીઓને મોરબીથી અમરેલી મોકલાયા
મોરબી જિલ્લામાંથી વધુ ૧૦૦ વીજ કર્મચારીઓને વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લામાં મદદ માટે મોકલાયા છે. વીજ લાઇનોના રીપેરીંગ કામ માટે હાલમાં તમામને રાજુલા મોકલાયા છે. મોરબીથી આજે વધુ 100 જેટલા વીજ કર્મીઓને રાજુલા તાલુકામાં મોકલાયા છે. રાજુલા તાલુકામાં વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં વીજ લાઈનોમાં નુકસાન થયુ છે. રીપેરીંગ કામ માટે અગાઉ 80 જેટલા કર્મચારીઓને અમરેલી જિલ્લામાં મોકલાયા હતા.
સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાના કહેરમાં 5400 ગામોમાં વીજળી ગુલ થઈ હતી, જેને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આલી રહ્યાં છે. હાલ 4004 ગામોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યારે કે, 1397 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં બંધ 6036 ફીડર પૈકી 3660 જેટલા ફીડરો શરૂ કરી આપવામાં આવ્યા છે. અતિ ભારે પવન અને વરસાદને કારણે કુલ 76987 પોલ ડેમેજ થયા છે. ડેમેજ પોલ પૈકી 1433 પોલ ઉભા કરાયા છે. હજી પણ 75554 પોલની મરામતનું કામ ચાલી રહ્યું છે. વાવાઝોડા દરમિયાન સૌથી વધુ નુકસાની PGVCL વિભાગને થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે