એનડીડીબીએ ભેંસની વિશ્વની સૌ પ્રથમ પેરેન્ટવાઈઝ જીનોમ એસેમ્બલી વિકસાવી
Trending Photos
આણંદ: સ્થાનિક પશુઓ તથા તેમની સંકર ઓલાદો માટે એક કસ્ટમાઈઝ જીનોટાઈપીંગ ચીપ ઈન્ડુસચીપનું સફળ નિર્માણ કર્યા પછી એનડીડીબીએ “NDDB_ABRO_Murrah” નામનો સંપૂર્ણ પ્રકારનો નવો જીનોમ વિકસાવીને રિવરાઈન ભેંસોના સંવર્ધન ક્ષેત્રે એક નવુ જ સિમાચિન્હ હાંસલ કર્યું છે. માતા-પિતા પાસેથી મેળવેલા ટ્રાયોનો ઉપયોગ કરીને સૌ પ્રથમ વખત સંપૂર્ણપણે નવો અભિગમ એટલે કે ટ્રાયો બીનીંગ ભેંસના હેપ્લોટાઈપ અલગ કરવામાં બહેતર ચોકસાઈની ખાત્રી કરવામાં આવી છે. એનડીડીબીએ વિકસાવેલી જીનોમ એસેમ્બલીમાં 99 ટકાથી વધુ જીનોમ આવરી લેવામાં સફળતા હાંસલ થઈ છે.
એનડીડીબીના ચેરમેન દિલીપ રથ જણાવે છે કે આ નવી વિકસાવાયેલી જીનોમ એસેમ્બલીને કારણે બફેલો જીનોમ અંગે વધુ સમજ પ્રાપ્ત થશે અને જીનોમ પસંદગીના કાર્યક્રમને ઈચ્છીત વેગ આપી શકાશે તથા એ દ્વારા ભારતની ભેંસોની વસતિમાં ઝડપી જીનેટિક પ્રગતિ હાંસલ કરી શકાશે. અહીં એ ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે કે ભારતના દૂધના ઉત્પાદનમાં ભેંસોનું પ્રદાન 50 ટકાથી વધારે છે.
દુનિયામાં ભેંસોની અંદાજીત વસતિ 224.4 મિલિયન છે, જેમાંથી 219 મિલિયન (97.58 ટકા) એશિયામાં છે. ભારતમાં 113.3 મિલિયન ભેંસો છે અને તે દુનિયાની ભેંસોની વસતિના અંદાજે 50.5 ટકા જેટલી થાય છે. ભેંસો બગાઈ અને કેટલાક રોગો સામે વધુ પ્રતિકારક શક્તિ ધરાવે છે. અન્ય દૂધાળા પશુઓની તુલનામાં ભેંસોના દૂધમાં ફેટનું ઉંચુ પ્રમાણ હોય છે. દૂધ ઉત્પાદન માટે ભેંસોનો વિકાસમાન દેશોમાં વ્યાપક ઉછેર કરવામાં આવે છે. રેફરન્સ જીનોમ વિકસાવવાથી ભેંસોમાં બાયોલોજીકલ તફાવતો પારખવામાં અને ઝડપી જીનેટીક સુધારામાં સહાય થશે.
એનડીડીબીના વૈજ્ઞાનિકોએ અમેરિકા સ્થિત નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન ડેટા બેઝમાં તા.25 એપ્રિલ, 2019ના રોજ, વર્લ્ડ ડીએનએ ડે પ્રસંગે મુર્રા જીનોમ એસેમ્બલીઝ સબમીટ કરી દીધી છે. જીનોમિક સંશોધનના પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો. માઈકલ શલ્ટઝના જણાવ્યા પ્રમાણે “આ સંશોધન ચોક્કસપણે દુનિયામાં ભેંસોના જીનેટીક સુધારામાં ભારતનું મહત્વનુ યોગદાન બની રહેશે.” આ બફેલો જીનોમ મારફતે વિશ્વની ભેંસોની જીનેટીક સુધારમામાં ભારતે યોગદાન આપ્યું છે. આ કામગીરી સાથે એનડીડીબીની ટીમનો ચોકસાઈપૂર્ણ અને હેપ્લોટાઈપ વિશ્લેષણ ધરાવતા જીનોમને વિકસાવનાર દુનિયાની જૂજ સંશોધન ટીમોના જૂથમાં સમાવેશ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે