ST થી મુસાફરી કરવાનુ પ્લાનિંગ હોય તો સાચવજો, વરસાદને કારણે રદ થઈ છે અનેક ટ્રીપ
ST Bus Close : એસટી બસોના સંચાલનને લઈને કન્ટ્રોલરૂમ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી
Trending Photos
સપના શર્મા/અમદાવાદ :દક્ષિણ ગુજરાત, છોટાઉદેપુર, વડોદરા, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેથી આ વિસ્તારોમાં જતી એસટી બસો બંધ કરવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે ST નિગમના પરિવહન ઉપર અસર થઈ છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના નવસારી, બીલીમોરા, કપરાડા, વલસાડ, આહવા અને તાપીના ગામડાઓમાં STની બસ બંધ કરવામાં આવી છે. ગઈકાલે એક જ દિવસમાં 1400 જેટલી ટ્રીપ બંધ કરવામાં આવી છે.વરસાદને લઇ આજે STની 612 ટ્રીપો બંધ રાખવામાં આવી છે. જેથી મુસાફરોની હાલાકી વધી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. અનેક જિલ્લા પાણીમાં ગરકાવ થયા છે. જેને પગલે એસટી બસો બંધ કારઈ છે. ગઈ કાલે જળમગ્ન વિસ્તારોમાં બસ અંદર ન જઈ શકાય તેવી સ્થિતિ ન હોવાથી અનેક રુટની બસો બંધ કરાઈ છે. જિલ્લાના અંદરના વિસ્તારો જ્યાં પાણી ભરાયા હોય તેવા રસ્તાથી ST પરિવહન બંધ છે. કોઝવે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય તેવા ગામડાઓનું પરિવહન હાલ બંધ કરવામાં આવ્યું છે. ગઈકાલે એસટી તંત્ર દ્વારા 1400 જેટલી ટ્રીપ બંધ કરવામાં આવી હતી. વરસાદને લઇ આજે STની 612 ટ્રીપો બંધ રાખવામાં આવી છે.
એસટીમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
એસટી બસોના સંચાલનને લઈને કન્ટ્રોલરૂમ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે. ડેપો મેનેજરને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. તેમજ કોઝવે આવતા હોય, પાણી ભરાયા હોય તેવા વિસ્તારોની જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક મેનેજરે આ માહિતી જાણ કરવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક મેનેજરની સૂચના મેળવ્યા બાદ જ બસ આગળના વિસ્તારમાં લઇ જવા અંગે નિગમ તરફથી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત જે રુટ પર બસો ચાલુ છે ત્યાં ડ્રાઈવરોને પાણીમાં બસ ન ઉતારવાની સૂચના અપાઈ છે.
ક્યાં બસ ચાલુ અને ક્યાં બંધ
હાલ અમદાવાદ-મુંબઈ હાઇવેના પાણી ઓસરી જવાથી હાઇવેથી બીલીમોરા, નવસારી, વલસાડ બસ જવાનું શરૂ કરાયુ છે. સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ શહેરમાં ST બસને અસર પડી છે. ચો ગોંડલથી જામકંડોરણ જતા રોડ ઉપરનો કોઝ વેનો પુલ તૂટી જતા 10 બસ સ્થગિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૪ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૧૦ ઇંચ સહિત રાજ્યના અન્ય ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કપરાડા તાલુકામાં ૨૫૩ મિ.મી, ચીખલીમાં ૨૪૪ મિ.મી, સુત્રાપાડામાં ૨૪૦ મિ.મી, ગણદેવીમાં ૨૩૧ મિ.મી, ધરમપુરમાં ૨૧૨ મિ.મી, નવસારીમાં ૨૧૧ મિ.મી એમ મળી કુલ ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે