ગુજરાતના પરિવારને આ જીવલેણ ધોધ નજીક બર્થ-ડે ઉજવવી ભારે પડી! જાણો કેમ
જમજીર ધોધના પાછળના ભાગમાં ફાલ્ગુનસિંહ ઝાલાના નામે આવેલ જમજીર રીટ્રીટ નામના હોમ સ્ટે દ્વારા જન્મદિવસની ઉજવણી અંગેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/ગીરસોમનાથ: જમઝીર ધોધ નજીક કોતરો પર સેલ્ફી લેવા પર કાયમી પ્રતિબંધ હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતાં સેલ્ફી લેતા તેમજ ઝમઝીર ધોધ બાજુમાં જન્મ દિવસની ઉજવણી કરનાર રાજકોટના સહેલાણી સહિત હોમસ્ટે માલિક વિરુદ્ધ પોલીસ ફરીયાદ થઈ છે. જમજીર ધોધની બાજુમાં કુવાડવા રાજકોટના રહેવાસી પીપડીયા સરોજબેન સંજયભાઈ અને પીપળીયા સંજયભાઈ પોલાભાઈ દ્વારા જમજીર ખાતે ધોધની આશરે 10થી 20 મીટર દૂર પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
જમજીર ધોધના પાછળના ભાગમાં ફાલ્ગુનસિંહ ઝાલાના નામે આવેલ જમજીર રીટ્રીટ નામના હોમ સ્ટે દ્વારા જન્મદિવસની ઉજવણી અંગેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેમાં જંજીર ધોધની કોતરો પર કેક અને ટેબલ રાખીને ઉજવણી કરતા હોવાનું દેખાય છે. અને આ વ્યવસ્થા જંજીર રીટ્રીટ હોમ સ્ટે દ્વારા કરવામાં આવેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન બહાર આવેલ હતી.
આ ઝમઝીર ધોધ અતિ જોખમી હોઈ અહી અનેક યુવાનો મોતને ભેટ્યા છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં નાહવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર તેમજ ધોધના કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા કોડિનાર પોલીસ સ્ટેશનમાં બંને સહેલાણી અને હોમ સ્ટે માલિક એમ ત્રણેય વ્યક્તિઓ વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધવામાં આવેલ છે.
વધુમાં અગાઉ ભૂતકાળમાં નાહવા તથા સેલ્ફી લેવા જતા ઘણા લોકો મૃત્યુનો ભોગ બનેલ છે. આવી દુર્ઘટના અટકાવવા સારું આ ત્રણ વ્યકિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે