પ્રમોશન માટે રેલવે કર્મચારીનો મોટો કાંડ, જાતે જ પાટા પરથી પેડલોક કાઢ્યા હતા, મોટો ખુલાસો
Surat Train Accident : સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં મોટો ખુલાસો.. માહિતી આપનાર રેલવે કર્મચારીએ જ રચ્યું હતું કાવતરુ... જાણકારી આપીને પ્રમોશન મેળવવા માટે ઘડ્યો હતો પ્લાન.. પોલીસે કુલ ત્રણ શખ્સની કરી અટકાયત..
Trending Photos
Surat News : સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું હતું. રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ કર્યો. NIA-ATSને શરૂઆતથી જ સુભાષ પર શંકા હતી. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વરોલી વાંકથી કીમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મુકવામાં આવી હતી. સાથે જ બોલ્ટ પણ મુકવામાં આવ્યા હતા. જો કે, રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ ઘટનાની તપાસમાં પોલીસની સાથે NIA પણ જોડાઈ હતી.
સુરતની કીમ કોસંબા રેલવેના પાટા પર જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપલાઈન પર મૂકી દેવાયા હતા. તારીખ 21 સપ્ટેમ્બર, 2024 ના રોજ આશરે 5 વાગ્યાં આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અનુસંધાને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સુરત ગ્રામ્ય એસઓજીને સોંપાઈ હતી. એલસીબી, એસઓજી, પેરોલ તથા લોકલ પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની અલગ અલગ મુખ્ય 5 ટીમો અને બીજી 16 ટીમ કામે લાગીહ તી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસ ગ્રીડ સર્ચ કરાવતા કોઈ ગુનાને લગત ચીજવસ્તુ મળી ન હતી.
કંઈ શંકાસ્પદ ન મળતા ટીમને રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ હતી. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો હતો. જેમાં સુભાષે બંને સાથીદારોને નાઈટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે એવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપ ટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી હતી.
48 કલાકમાં ગુનો ડિટેક્ટ કરાયો
આમ, 48 કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેક્નિકલ આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો. ત્રણેય આરોપી રેલવે કર્મચારીઓ છે. અટકાયત 3 પૈકી એક કોન્ટ્રાક્ટ કર્મચારી છે. સુભાષ પોદ્દાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો.
ઘટનામાં ટેક્નિકલ પર્સનનો હાથ હોય તેવું સ્પષ્ટ લાગતું હતું
NIA ને પહેલે દિવસથી જ ફરિયાદ કરનાર સુભાષ પોદ્દાર પર શંકા હતી. જે જગ્યાથી આરોપી ભાગ્યા હતા ત્યાં કોઈ પણ ફૂટ પ્રિન્ટ ન હતી. જે સમયે ઘટના બની હતી તે પહેલા એક ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. લોકો પાયલટને કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ કે વ્યક્તિ દેખાયો ન હતો. 71 પેડ લોક કાઢવા એ સામાન્ય વ્યક્તિ અને આટલા ઓછા સમયમાં કાઢી શકે તેવુ શક્ય ન હતુ. સમગ્ર ઘટનામાં ટેક્નિકલ પર્સનનો હાથ હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું. અલગ અલગ જગ્યાએથી પોલીસને એક પણ પુરાવા હાથ લાગ્યા ન હતા. આખી રાત એલસીબી અને એસઓજી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી
પ્રમોશન માટે કર્યો આ કાંડ
આરોપી સુભાષને પ્રમોશન જોઈતું હતું તેવો ખુલાસો સુભાષના સહકર્મચારીઓ દ્વારા કરાયો. રેલવેમાંથી ઈનામ મેળવવા, પ્રમોશન મેળવવા અને રજા માટે, સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુઅંસ માટે ષડ્યંત્ર રચ્યું હતું. રેલવેમાં આવા ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઈ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે