Gujarat News: હે ભગવાન! ધોરણ 5માં ભણતા 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મૃત્યુ, અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો
શાળામાં ભણતા બાળકોમાં હાર્ટ સમસ્યાઓના ચોંકાવનારા કેસ સામે આવી રહ્યા છે. 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. આ બાળક ખેલકૂદમાં પણ ખુબ આગળ પડતો હતો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
કુમળી વયના બાળકોમાં હાર્ટની સમસ્યાઓ જોવા મળી રહી છે. હાલમાં જ અમદાવાદની ઝેબર શાળામાં ભણતી 8 વર્ષની બાળકી ગાર્ગી રાણપરાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજ્યાના સમાચારે બધાને હચમચાવી દીધા હતા અને હવે ફરીથી એવો જ મામલો સામે આવ્યો છે. જેમાં 11 વર્ષના એક બાળકનું હ્રદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ જસદણના જંગવડ ગામમાં ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી હેતાંશ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ હેતાંશને મૃત જાહેર કર્યો. ચોંકાવનારી વાત એ છે કે હેતાંશે હજુ તો દસ દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ ખરેખર ચિંતાનું મોટું કારણ બની રહ્યું છે કે નાની નાની ઉંમરના બાળકોમાં અચાનક આ રીતે હાર્ટ એટેકના કેસ કેમ વધી રહ્યા છે.
ગુજરાતમાં જોવા મળી રહ્યા છે કેસ
અત્રે જણાવવાનું કે જાન્યુઆરીમાં જ અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીના મોતની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો. ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠીને પછી ઢળી પડી હતી. ત્યારે કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. બાળકીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતું સારવાર દરમિયાન મોત થયું.
બાળકોમાં કેમ વધી રહ્યા છે આવા કેસ?
પહેલા હાર્ટ અટેક વૃદ્ધોને વધારે આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયમાં યુવાનો અને હવે ખાસ કરીને બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે. હવેની સ્થિતિ વધારે ચિંતાજનક છે કારણ કે બાળકોમાં હાર્ટ એટેક આવવાની ઘટના દિવસે અને દિવસે વધી રહી છે. ખરાબ જીવનશૈલી અને આહારના કારણે હાર્ટ એટેકથી અનેક લોકો મોતને ભેટે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આટલી નાની ઉંમરના બાળકોને હાર્ટ અટેક કેવી રીતે આવી શકે ?
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બાળકોને હાર્ટ એટેક આવવાનું કોઈ ચોક્કસ કારણ તો જણાવવું મુશ્કેલ હોય છે પરંતુ આ સમસ્યા સૌથી વધારે ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થઈ શકે છે. એક્સપર્ટ જણાવે છે કે આજકાલના બાળકો ફિઝિકલી એક્ટિવ હોતા નથી મોબાઇલ અને ટીવીના કારણે ખેલકૂદ અને શારીરિક ગતિવિધિઓથી બાળકો દૂર રહે છે. આ સિવાય ઓનલાઇન ક્લાસીસના કારણે તેમની શારીરિક એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ જાય છે. પરિણામે સ્થૂળતા, કોલેસ્ટ્રોલ જેવી તકલીફો ઝડપથી વધી જાય છે.
વેસ્ટન કલ્ચર ઝડપથી ફોલો કરવું પણ મોટું જોખમ છે. આજના સમયમાં બાળકો જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ વધારે પ્રમાણમાં લે છે જે શરીર પર ખરાબ અસર કરે છે. આ પ્રકારના ફૂડમાં સુગર વધારે હોય છે, મીઠું વધારે હોય છે અને ફેટ પણ વધારે હોય છે જે હૃદયની ધમનીઓને નબળી કરે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
આ સિવાય અન્ય એક કારણ મોબાઈલમાં આવતી અલગ અલગ પ્રકારની વિડીયો ગેમ પણ હોય છે. આ પ્રકારની ગેમમાં બીજાથી આગળ રહેવાનું અને જીતવાનું પ્રેશર એટલું બધું હોય છે કે તે હૃદયની ગતિને પણ પ્રતિકૂળ બનાવે છે. તો વળી કેટલાક બાળકો જન્મથી જ હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવે છે સમયસર તેનો ઈલાજ ન થવાના કારણે પણ હાર્ટ અટેક આવી શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે આજના સમયને ધ્યાનમાં લેતા હાર્ટ એટેકથી બચવું હોય તો જીવનશૈલી અને આહાર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને પોષણથી ભરપૂર આહાર લેવો જોઈએ આ સિવાય નિયમિત રીતે શારીરિક ગતિવિધિ અને વ્યાયામ પણ કરવો જોઈએ. માતા પિતાએ બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો જોઈએ. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે