ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ

એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ. 

ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ

જામનગર, ગુજરાત: દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)માંથી લાવવામાં આવી રહી છે. ગત એપ્રિલમાં વિષ્ણુપ્રિયાએ અત્યંત આક્રમક સ્વરૂપ ધારણ કરીને તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણ ઘટનાને પગલે આ બંને હાથણીને વનતારામાં ખસેડવામાં આવી રહી છે. આ કરુણાંતિકા બાદ બંને હાથણીને વિશેષજ્ઞની કાળજી તેમજ તેમની સુખાકારી માટે વધુ અનુકૂળ વાતાવરણમાં ખસેડવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

 ઈસ્કોન સાથેની ભાગીદારીમાં વનતારા દ્વારા હાથ ધરાયેલી આ ટ્રાન્સફર પ્રોજેક્ટની પહેલને ત્રિપુરા હાઈ કોર્ટ દ્વારા રચાયેલી હાઈ-પાવર્ડ કમિટી તરફથી સંપૂર્ણ અનુમતિ અપાઈ હતી, જેનું ભારતની સર્વોચ્ચ અદાલતે પણ અનુમોદન કર્યું હતું, જેને તણાવગ્રસ્ત વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવા તથા તેમના માટે સુરક્ષિત, તણાવ-મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપાઈ છે. વનતારા ખાતે, વિષ્ણુપ્રિયા તથા લક્ષ્મીપ્રિયાને હાથીઓ માટેના આબેહૂબ કુદરતી આવાસ જેવી ખાસ કાળજીપૂર્વકની ડિઝાઈન ધરાવતા કાયમી રહેઠાણમાં રાખવામાં આવશે. અહીં તેમને સાંકળોથી મુક્ત વાતાવરણમાં મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનો અને પશુચિકિત્સકો દ્વારા કાળજી ઉપરાંત હકારાત્મક સશક્તિકરણ માટેની તાલીમ અપાશે અને આ રીતે તેમની સાથે બળજબરીથી મુક્ત તેમજ ઈનામ સ્વરૂપી તાલીમ દ્વારા વિશ્વાસ સંપાદિત કરાશે. તેઓને વિવિધ પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં જોડાવાની સાથે-સાથે, અન્ય હાથીઓ સાથે સંપર્કમાં આવી ઘેરો નાતો બનાવવાની તકો પૂરી પડાશે અને આ રીતે તેમના પરિચારકો તરફથી તેમનું કરુણાસભર ધ્યાન પણ રખાશે, જે બધું તેમને એક નવજીવનની પ્રાપ્તિ માટે અતિ આવશ્યક છે.

 ઈસ્કોન માયાપુર ખાતે 2007ની સાલથી લક્ષ્મીપ્રિયા અને 2010ની સાલથી વિષ્ણુપ્રિયાને રાખવામાં આવી હતી અને તેમનો મંદિરની વિવિધ પરંપરાઓ તેમજ ઉત્સવોની ઉજવણીમાં ઉપયોગ કરાતો હતો. પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પીટા) ઈન્ડિયા અને વર્લ્ડ એનિમલ પ્રોટેક્શન સહિતની વિવિધ પ્રાણી સુરક્ષા સંસ્થાઓ ઘણા સમયથી ઈસ્કોનના હાથીઓની મુક્તિ તેમજ તેમને એક વિશ્વસનીય અને જાણીતી હાથી જાળવણી સુવિધામાં ખસેડવાની હિમાયત કરી રહ્યા હતા. પીટા ઈન્ડિયાએ તો આ હાથીઓને રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવાના બદલામાં મંદિરને તેની પરંપરાઓ નિભાવવા એક મિકેનાઈઝ હાથીની પણ ઓફર કરી હતી.

ઈસ્કોન મંદિરના વરિષ્ઠ સભ્ય તેમજ માયાપુરમાં મહાવત અને હાથીઓની બાબતોના મેનેજર હ્રિમતીદેવી દાસીએ જણાવ્યું હતું કે, “ઈસ્કોનમાં અમારી માન્યતાઓ અનુસાર, દરેકના બાહ્ય શરીરની અંદરનો સૂક્ષ્મ જીવ તો સમાન આધ્યાત્મિકતા ધરાવે છે. અમે તો કોઈ પણ પ્રાણી અથવા નાત-જાતનો ભેદભાવ રાખતા જ નથી. અલગ-અલગ શરીરના ભિન્ન સ્વભાવ અને પ્રકૃતિ હોઈ શકે છે, પરંતુ, દરેક શરીરની અંદરનો આત્મા તો એકસમાન જ આધ્યાત્મિકતા ધરાવે છે જે કરુણા અને આદરને પાત્ર છે. પ્રાણીઓ સાથે કરુણા અને આદરપૂર્વક વર્તીને અમે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અમારી ભક્તિની અભિવ્યક્તિ કરીએ છીએ, જેમણે આપણને સહુને શીખવ્યું છે કે તમામ જીવમાત્રની રક્ષા અને પાલનપોષણ કરીને જ ઈશ્વરની સાચી સેવા કરી શકાય છે. મેં જાતે જ આ માટે વનતારાની મુલાકાત લીધી હતી અને મેં ત્યાં જોયું હતું કે અમે જે સિદ્ધાંતોમાં માનીએ છીએ તેનું જ તો ત્યાં અનુસરણ થઈ રહ્યું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે વનતારામાં વિષ્ણુપ્રિયા અને લક્ષ્મીપ્રિયા ખૂબ સુખેથી રહેશે, બહુ ઝડપથી નવા મિત્રો બનાવશે, અને આનંદથી ભરપૂર એવું જીવન વ્યતિત કરશે, તેમજ સાથે-સાથે વનમાં હાથીઓને જે આઝાદી અને આનંદ મળે છે તેવો જ અહેસાસ માણશે.”

હાથીઓને કેદ કરી રખાય તો તેનાથી તેમની માનસિક અવસ્થા પર અત્યંત વિપરીત અસર પડે છે કારણ કે જંગલમાં તેઓ આઝાદીપૂર્ણ તેમજ સામાજિક નાતો કેળવીને જીવે છે. આનાથી તેમની એકંદર સુખાકારી જળવાઈ રહે છે. પરંતુ હાથીઓને કેદ કરી રખાય તો આ બંને પાયાગત જરૂરિયાતો જળવાતી નથી, જેના કારણે તેમની મનોદશા પર અત્યંત વિપરીત અસર પડે છે અને તેમની વર્તણૂંક બદલાઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે અને પરિણામે આક્રમકતામાં તેઓ હુમલો કરી બેસે છે. પરંતુ વનતારા ખાતે, રિસ્ક્યુ કરાયેલા હાથીઓને તેમની શારીરિક તંદુરસ્તીથી પણ બે ડગલાં આગળ વધીને કાળજી રખાય છે. તેમની માનસિક તથા સંવેદનાત્મક મનોદશાને સુધારવા ઉપર પણ તેટલું જ ધ્યાન અપાય છે. અહીં નિષ્ણાત પશુચિકિત્સકો તથા પશુ મનોવૈજ્ઞાનિકો હાથીઓના માનસિક આઘાતના મૂળ કારણને જાણીને તેનો ઈલાજ કરવા તેમનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરે છે.

 વનતારાની અત્યાધુનિક સુવિધામાં વિશ્વની સૌથી મોટી હાથીની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે અને તેની ડિઝાઈન એ રીતે બનાવાઈ છે કે જેથી અહીં હાથીઓના હકારાત્મક પુનઃશક્તિકરણ માટે તેઓને તાલીમ આપવાની સાથે, તેમની જીવનશૈલીને સમૃદ્ધ બનાવવા તેમજ કુદરતી જેવા જ આવાસી વાતાવરણની રચના માટે તેમના સામાજિક જોડાણ પર ભાર મૂકવા જેવી બાબતોને સામેલ કરી શકાય, જેથી તેમને વ્યક્તિગત માનસિક આરોગ્ય સહાયતા મળી રહે. આ સાર્વત્રિક અભિગમ સુનિશ્ચિત કરે છે કે રેસ્ક્યુ કરાયેલા હાથીઓ માત્ર તેમની શારીરિક શક્તિ જ નહીં, પરંતુ સંવેદનાત્મક સ્થિરતા અને માનસિક સુખાકારી પણ પુનઃપ્રાપ્ત કરે. આખરે હાથીઓને સંપૂર્ણ નવપલ્લિત કરીને તેમના જીવનની ગુણવત્તાને સુધારવી એજ તો વનતારાની વચનબદ્ધતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news