Mehsana : નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતુ ગોડાઉન ઝડપાયું

Fake Spices : ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર 43 માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો
 

Mehsana : નકલી હળદર અને પનીર બાદ હવે નકલી મરચું બનાવતુ ગોડાઉન ઝડપાયું

Mehsana News મહેસાણા : ગુજરાતીઓ ખાવાના ભારે શોખીન હોય છે. વિકેન્ડમાં ગુજરાતીઓ હોટલમાં જમવાનું વધુ પસંદ કરે છે. સ્વાદના શોખીન ગુજરાતીઓનું હવે સ્વાસ્થય બગડે તેવા ખેલ થઈ રહ્યાં છે. તાજેતરમાં ગુજરાતમાં નકલી હળદર અને નકલી પનીર બનાવવાનું કૌભાંડ પકડાયુ હતું. ત્યારે હવે નકલી લાલ મરચું બનાવવાનો કારોબાર ખુલ્લો પડ્યો છે. મહેસાણાના વિજાપુરમાં લાલ કલર કરીને મરચું બનાવતું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે બે દિવસ રેકી કરીને ગોડાઉન પર રેડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા વિજાપુર હિંમતનગર હાઈવે પર લાલ કલર કરી મરચું બનાવતા ગોડાઉન ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિજાપુરમાં રેડ પાડી હતી. ટીમે બે દિવસની રેકી બાદ મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યુ હતું. જેમાં 758 કિલો કલર વાળું લાલ મરચું મળી આવ્યું હતું.

આરોગ્ય વિભાગની ટીમે વિજાપુર હિંમતનગર હાઇવે ઉપર આવેલા ગોડાઉનમાં કાર્યવાહી કરી હતી. ઉમિયા ગોડાઉનના પ્લોટ નંબર 43 માં નકલી મરચુ બનાવવાનો કારોબાર ચાલતો હતો. મહેશકુમાર પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાલીને વેચતો હતો. સ્થળ પરથી ત્રણ કિલો મરચું કલર પણ મળી આવ્યો છે. તો કુલ 5 લાખ કરતા વધુનો જથ્થો પકડી લેવાયો છે. ફૂડ ટેસ્ટિંગ કીટ FSW વાન દ્વારા સ્થળ પર લાલ મરચાની ચકાસણી કરાઈ હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અધિકારી વી જે ચૌધરી સહિત ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ હતી. 

મરચામાં ભેળસેળ આ રીતે ઓળખો 
લાલ મરચાનો પાઉડરમાં પણ ખૂબ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાના પાઉડરને પીસીને લાલ ઈંટ અને ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. ત્યારે આવા સમયે આપ લાલ મરચાની ઓળખાણ માટે આપ તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે અને નકલી લાલ મરચું ડૂબી જશે.

ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના કમિશનર ડો.એચ જી કોશિયાએ તાજેતરમાં જણાવ્યુ હતું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે માટે ડ્રાઈવ થઈ રહી છે. પનીર દૂધમાંથી બનાવવું જોઈએ, મિલ્ક ફેટ અને પ્રોટીનથી બનવું જોઈએ. પરંતુ વેજીટેબલ ઓઈલનો ઉપયોગ કરીને નકલી પનીર બનાવવામાં આવી રહ્યુ છે. હાલ પનીર માટે ડ્રાઈવ રાજ્યભરમાં થઈ રહી છે. અધિકારીઓને પનીર સંદર્ભે રીપોર્ટ કરવા જણાવ્યું છે. સૌરાષ્ટ્રમાં વનસ્પતિ તેલથી બનેલા પનીરનો જથ્થો ઝડપાયો છે. ભાવનગરમાં પણ પનીર સંદર્ભે તપાસ થઈ છે. પનીર દૂધમાંથી જ બનાવવું જોઈએ. વનસ્પતિ તેલ નાંખી પનીર બનાવાય છે, જેમાં પૌષ્ટિક તત્વો ઓછા હોય છે અને લોકોના આરોગ્ય સાથે છેતરપિંડી થઈ રહી છે. તેલની ક્વોલિટી સારી ન હોય તો સામાન્ય જનતાના હેલ્થને નુકસાન થાય છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news