આ વર્ષે કેવો પડશે વરસાદ? જામનગરના આમરામાં કુવામાં રોટલો પધરાવી કરાઈ મોટી આગાહી
ગુજરાતમાં આજે પણ અનેક પરંપરાઓ યથાવત છે. તેમાંથી એક પરંપરા છે કુવામાં રોટલો પધરાવી આ વર્ષે કેવું ચોમાસું રહેશે તેનો વર્તારો કરવાની. જામનગર જિલ્લાના આમરા ગામમાં અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કુવામાં રોટલો નાખી વરસાદની આગાહી કરવામાં આવે છે. તમે પણ જાણો આ વર્ષે કેવો વરસાદ પડશે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ જામનગરના નાનકડા એવા આમરા ગામે વરસાદનો વરતારો જોવાની વર્ષો જૂની પરંપરા જળવાઈ. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામ લોકો કુવા ખાતે એકઠા થયા હતા. સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ઢોલ નગારા સાથે રોટલા લઈ ગ્રામજનો કુવા પાસે પહોંચે છે. રોટલાને કૂવામાં ફેંકે છે, અને રોટલો જે દિશામાં જાય એ દિશામાં વરસાદો વરતારો કાઢવામા આવે છે. ત્યારે આ વર્ષે રોટલો કયા દિશામાં ગયો અને આ વર્ષનુ ચોમાસું કેવુ જશે તે આ પ્રથા મુજબ જાણીએ.
સારા ચોમાસાના મળ્યા એંધાણ
જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે. અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આજે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગ્રામજનો દ્વારા પૂજન-અર્ચન બાદ કૂવામાં રોટલો પધરાવતા આ વર્ષે ચોમાસુ ખુબ સારૂ જાય તેવા એંધાણ મળ્યાં હતા.
આમરા ગામની પરંપરા
જામનગર તાલુકાનું આમરા એક એવું ગામ, કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે.
આમરા ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. ત્યાર પછી કૂવા કાઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે
વર્ષો જૂની પરંપરા મુજબ આજે જામનગર જિલ્લાના આમરા ગામમાં રોટલો કુવામાં નાખવામાં આવ્યા બાદ આગાહી કરાતા સારા પાછોતરા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. જે જામનગરવાસીઓ માટે વરસાદ મામલે ખુશીના સમાચાર છે
- જામનગર માં અનોખી પરંપરા, આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો
- કૂવામાં રોટલો ઇસાન ખૂણા તરફ પડતાં વર્ષ 14થી 16 આની થવાનો સંકેત
- અષાઢ મહિનાના પ્રથમ સોમવારે વાજતે-ગાજતે મંદિરની પૂજાવિધિ બાદ ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી કરાયું વરસાદનું પુર્વાનુમાન
- આમરાના રોટલાએ આપ્યા સારા પાછોતરા વરસાદના સંકેત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે