આ જાણીતા ગુજરાતીઓના શિક્ષકો કોણ છે? જાણો આ સામાન્ય વિદ્યાર્થીઓ કઈ રીતે બની ગયા વિખ્યાત વ્યક્તિ

Teacher's Day Special: આજે શિક્ષકદિન નિમિત્તે અમે એવા ગુજરાતીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો જેમણે જાહેર જીવનમાં હાંસલ કરેલી કામગીરી અને સિદ્ધિઓેને કારણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ એવા વિદ્યાર્થીઓ છે જેમના પર તેમના શિક્ષકો તેમના ગુરુઓને સદાય ગર્વ થાય છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોને પોતાના ગુરુ માને છે? સાંઈરામ દવેએ પોતાના ગુરુ વિશે શું કહ્યું? જાણો રસપ્રદ માહિતી...

આ જાણીતા ગુજરાતીઓના શિક્ષકો કોણ છે? જાણો આ સામાન્ય વિદ્યાર્થીઓ કઈ રીતે બની ગયા વિખ્યાત વ્યક્તિ

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ અંધારામાં દીવાદાંડી અને અનેક આશાઓ-નિરાશા સામે ટકી રહેવા માટે જે શક્તિ આપે છે તે આપણા શિક્ષક છે. એટલે જ ભારતના કેળવણીકાર, શિક્ષક, ફિલોસોફર તેમજ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ભારત રત્ન ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. આજનો દિવસ શિક્ષકોના સન્માનનો દિવસ છે. જે અવિરતપણે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે રાત-દિવસ જે મહેનત કરે છે, તે બધા જ આપણા શિક્ષકોને આવકારવાનો દિવસ એટલે શિક્ષકદિન. જેમણે આપણા જીવનને ચોક્કસ આકાર આપ્યો છે આજે તેવા ગુરુજનોનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. એક શિક્ષક સમાજની કરોડરજ્જુ છે. તેઓ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને આકાર આપે છે અને તેમનામાં પરિવર્તન લાવીને દેશના શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. ત્યારે જાહેરજીવનમાં ગુજરાતને ગૌરવ અપાવનારી આવી જ કેટલીક હસ્તીઓ સાથે અમે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે, તેમના જીવનમાં શિક્ષકનું શું મહત્ત્વ છે? શિક્ષકદિન પર વાંચો ZEE24કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર વાંચો જાણીતા ગુજરાતીઓનો Exclusive ઈન્ટરવ્યૂ....

No description available.

શિક્ષકોએ આપેલાં સંસ્કારને કારણે હું જાહેર જીવનમાં સફળ થયોઃ નીતિન પટેલ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિય નેતા નીતિન પટેલે તેમના જીવનમાં શિક્ષકના મહત્ત્વ વિશે વાત કરતા જણાવ્યુંકે, કોઈપણ વ્યક્તિના ઘઢતર અને જીવનમાં પ્રગતિ માટે શિક્ષણ સૌથી અગત્યનનું પાસું છે. મારા માતા-પિતાએ મારા જીવનના સૌથી પહેલાં શિક્ષક છે જેમણે સારા સંસ્કાર આપીને મારું સિંચન કર્યું. હું ગુજરાતની સૌથી મોટી શિક્ષણ સંસ્થા એવા ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડી સર્વ વિદ્યાલયમાં ભણેલો છું. મારા પિતાજી, હું અને મારા બાળકો અમારી ત્રણ પેઢી આ શાળામાં જ ભણી છે. મહાત્મા ગાંધી અને સયાજીરાવ ગાયકવાડ જેવી મહાન વ્યક્તિઓ પણ અમારી શાળાની મુલાકાત લઈ ચુકી છે. મારા જીવનમાં મારી વ્યક્તિગત અને જાહેર જીવનની પ્રગતિમાં મારા શાળા-કોલેજના તમામ શિક્ષકોએ આપેલાં સંસ્કારો, શિક્ષણ અને આર્શીવાદનું વિશેષ મહત્ત્વ છે. મને તેનાથી જીવનમાં સાચી દિશામાં આગળ વધવાની પ્રેરણા મળે છે. હું મારા તમામ શિક્ષકોનો આભારી છું. હું મારા તમામ શિક્ષકોને નમન કરું છું. મારા તમામ શિક્ષકો ગાંધીવાદી છે. તેઓ સ્વભાવે કડક હતાં. પણ તેમણે શિખવેલાં જીવન મૂલ્યો આજે પણ મને કામ લાગે છે.

No description available.

જે કણને ઉગાડે તે કિસાન અને જે આપણા જીવનની ક્ષણને ઉગાડે તે શિક્ષક: સાંઈરામ દવે
જાણીતા હાસ્યકલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેએ જણાવ્યુંકે, મારું માનવું છેકે, વેતન માટે નહીં જે વતન માટે નોકરી કરે તે જ સાચો શિક્ષક છે. જે કણને ઉગાડે તે કિસાન અને જે આપણા જીવનની ક્ષણને ઉગાડે તે શિક્ષક કહેવાય. મારા જીવનમાં મારા દરેક શિક્ષકોનું મહત્ત્વ છે. જોકે, હું પીટીસીમાં હતો ત્યારે જો ડો. નલિન પંડિત સાહેબે મારા આચાર્ય ન હોત તો મને કેળવણીની દિશા જ ન સુજી હોત. તેમણે જ મારા જીવન ઘઢતર માટે મને યોગ્ય દિશાનું સુચન કર્યું છે. આજના દિવસે તેમના સહિત હું મારા તમામ શિક્ષકોને દિલથી નમન કરું છું.

No description available.

આપણાં ત્યાં કામ કરવા આવતા બહેન પાસેથી પણ ઘણું શીખી શકાયઃ કાજલ ઓઝા-વૈધ
જાણીતા લેખક, સાહિત્યકાર અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા-વૈધે જણાવ્યુંકે, હું ખુબ નસીબદાર છું મને મારા જીવનમાં સતત શિક્ષકોનો સથવારો મળતો રહ્યો છે. મારા દાદાજી અને પિતાજી મારા જીવનના પહેલાં શિક્ષકો છે. ત્યાર બાદ મારી શાળાના પ્રાથમિક શિક્ષકોથી માંડીને અત્યાર સુધી મને મળેલાં તમામ શિક્ષકો પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. અમારી શાળાના શંભુભાઈ સાહેબ, ઉષાબેન, અધર્યુ સાહેબ સહિત અનેક શિક્ષકો પાસેથી મેં ઘણું શીખ્યું છે. જો માણસ શિખવા માંગે તો ડગલેને પગલે શિક્ષકો મળે છે. સારા શિક્ષક બનવા માટે તમારે સારા વિદ્યાર્થી બનવું પડે. તમારા ત્યાં કામ કરવા આવતા બહેન પાસેથી પણ તમે જીવનમાં ઘણું બધું શીખી શકો છો. જોકે, મારા જીવનની વાત કરું તો મહાવીર હોસ્પિટલના ચેરપર્સન એવા રૂપાબહેન મહેતાનો મારા જીવન ઘઢતરમાં સવિશેષ ફાળો રહ્યો છે.

No description available.

મારી માતા જ મારી શિક્ષક છે, મુંજવણમાં રામ અને કૃષ્ણની વાણી સાંભળું છું: ઉષા રાડા
સુરત ગ્રામ્યના પોલીસ વડા અને સુપરકોપ તરીકે જાણીતા ઉષા રાડાએ જણાવ્યુંકે, મારા જીવનમાં મારી માતા કુંવરબેન જ મારા માટે સૌથી મોટા શિક્ષક છે. મારી માતા પોતે પણ એક શિક્ષક હતા અને મેં તેમની પાસે જ જીવન ઘઢતરનો અભ્યાસ કર્યો છે. મારા માટે મારા માતા જ મારા પ્રેરણાસ્ત્રોત છે. આ ઉપરાંત હું મારા તમામા શિક્ષકોની આભારી છું , મારા દરેક શિક્ષકને હું નમન કરું છું જેમણે મને શિક્ષણ આપ્યું. ભારતીય પરંપરા મુજબ ગુરુ પરમાત્મા તૂલ્ય હોય છે. તે જે કહે છે સત્ય હોય છે. મારા જીવનના વિકાસમાં મારા દરેક શિક્ષકોનો રોલ છે. જોકે, એક પોલીસ અધિકારી તરીકે અથવા વ્યક્તિગત જીવનમાં પણ હું ક્યારેય કોઈ મૂંજવણ અનુભવું ત્યારે મારા ગીતા, રામાયણ, ભગવાન શ્રીરામ, ભગવાન કૃષ્ણ, બુદ્ધ અને મહાવીરએ મારા આધાત્મિક ગુરુ છે હું તેમણે કહેલાં અમૃત વચનોને સાંભળું છું અને મને મારી સમસ્યાનું સમાધાન મળી જાય છે.

No description available.

નિષ્ફળતાએ મારા માટે સૌથી મોટો શિક્ષક છેઃ જક્ષય શાહ
જાણીતા રિયલ એસ્ટટ ટાયકૂન અને સેવી ગ્રૂપના CMD જક્ષશ શાહે જણાવ્યુંકે, આપણાં જીવન ઘઢતર માટે આપણને મળેલાં શિક્ષકો જ આપણાં સાચા સારથી અને માર્ગદર્શક હોય છે. જે ભગવાન શ્રીકૃષ્ણને જેમ આપણને જીવનની યોગ્ય દિશાનું સુચન કરે છે. માતા-પિતા અને શાળાના શિક્ષકો ગુરુજનોનો આપણાં ઘઢતરમાં મોટો ફાળો હોય છે. જોકે, હું એવું માનું છુંકે, મારા માટે સૌથી મોટો શિક્ષકએ નિષ્ફળતા છે. તમે નિષ્ફળ થયા વિના ક્યારેય સફળ થઈ શકતા નથી. સફળ થવા માટે નિષ્ફળ થવું આવશ્યક છે. તમે કેટલી સારી રીતે નપાસ થાઓ છો, તમને મળેલી નિષ્ફળતામાંથી તમે કેટલું શીખો છો એ સૌથી અગત્યનું છે. આમ, મારા જીવનના બે જ સૌથી મોટો શિક્ષકો છે, એક નિષ્ફળતા અને બીજા મારા ટિકાકર. મારા ટિકાકારોને હું કલ્યાણ મિત્રો પણ કહું છું. જે કોઈપણ શરમ રાખ્યાં વિના આપણી ટિકા કરીને આપણી ભૂલ આપણને સમજાવે છે અને ખોટી વાહવાહી કરવાને બદલે આપણી સામે હંમેશા આપણાં વિશે નગ્ન સત્ય કહે છે.

No description available.

મોદીજી મારા જેવા યુવાઓ માટે ગુરુ છે, તેમની પાસે ઘણું શીખું છું: હાર્દિક પટેલ
પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલાં અને હાલ ભાજપના નેતા એવા હાર્દિક પટેલે જણાવ્યુંકે, મારું એવું માનવું છેકે, જેની પાસેથી આપણને કંઈ પણ શીખવા મળે તેને શિક્ષક માની શકાય તેને ગુરુ બનાવી શકાય. નાનું બાળક હોય કે પછી કોઈ વડીલ હોય જેની પાસે આપણે કંઈક શીખી શકીએ એ દરેક વ્યક્તિ આપણાં માટે શિક્ષક છે. શાળાના શિક્ષકો તો છે જ આપણને ભણતરના પાઠ ભણાવે છે તેમને પણ હું ખાસ વંદન કરું છું. માતા-પિતા આપણાંમાં સારા સંસ્કારનું સિંચન કરે છે. શાળામાં શિક્ષકો શિક્ષણના પાઠ શિખવે છે. અને આધ્યાત્મિક ગુરુઓ આપણને ધર્મના પાઠ શીખવે છે. પાટીદાર આંદોલનથી લઈને મારા રાજકીય સફરમાં મારી શાળાના શિક્ષકોએ હંમેશા ગુરુ દ્રૌણની જેમ મને સાથ આપ્યો છે. એમની પાસે હું સતત પ્રેરણા લઉંછું. રાજનીતિમાં હજુ હું નવો છું તેથી રાજકીય ગુરુ શોધું છું. જોકે, હું પ્રધાનમંત્રી મોદીથી ખુબ પ્રભાવિત છું. પીએમ મોદી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. મોદીજી મારા જેવા કરોડો યુવાઓ માટે ગુરુ સમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news