Gujarat Budget: ગરીબોના 'ઘરના ઘરનું સપનું થશે સાકાર', રાજ્ય સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત

gujarat budget 2025: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યાં છે. ગુજરાત સરકારે બજેટમાં ગરીબોને ઘર મળે તે માટે મોટી જાહેરાત કરી છે. 
 

 Gujarat Budget: ગરીબોના 'ઘરના ઘરનું સપનું થશે સાકાર', રાજ્ય સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત

ગાંધીનગરઃ ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું. 

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. 

પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. 

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹૬૧૭ કરોડની જોગવાઇ સૂચવું છું. 

પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹૫૫૧ કરોડની જોગવાઇ સૂચવું છું.

બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹૨૭૪ કરોડની જોગવાઇ સૂચવું છું. 

આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના ૧૫૦મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫% ના વધારા સાથે ₹૧૧૦૦ કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે. 

શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ ૨૯૦ કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે.

શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. 

માનનીય પ્રધાનમંત્રી દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા “સંત સુરદાસ યોજના” હેઠળ ૮૦% ને બદલે હવેથી ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૮૫ હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹૧૨ હજારની સહાય આપવાની જાહેરાત કરું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news