CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતની નવી આઈટી પોલિસી જાહેર કરી

Gujarat News : IT અને ITeS પોલિસી 2022-27 આઇ.ટી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે

CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતની નવી આઈટી પોલિસી જાહેર કરી

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત કરી છે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે 2022 થી 2027 સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં નવી પોલિસી ગાંધીનગરમાં જાહેર કરી હતી. 

નવી આઇ.ટી પોલિસીની વિશેષતાઓ 

  • હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે
  • રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય 
  • સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ 
  •  ઈન્ફર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે 
  • IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક IT નિકાસ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય 
  • તમામ પાત્ર IT-ITeS એકમોને ૧૦૦ ટકા ઇલેકટ્રીસિટી ડ્યુટીનું વળતર અપાશે 
  • નવી પોલિસી દ્વારા આઇ.ટી ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે

નવી આઈટી પોલિસી રજૂ કરતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતે વિશ્વને બદલી નાંખ્યું છે. આ નવી અને ઉભરતી IT ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધપાત્ર અસરો ઉભી કરવા સાથોસાથ નાનામાં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે.  

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશનું IT ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિક IT ક્ષેત્રે અગ્રણી સ્થાને છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. તેમજ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણો માટે ફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતું છે. એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમવર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. 

તેમણે કહ્યુ કે, ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી ર૦રર-ર૭ લોન્ચ કરી છે. આ નવી પોલિસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 સપનાંઓ પૈકીનું એક સપનું ‘બે રોજગારી સે મુકત રોજગારી સે યુકત’માં મહત્વનું યોગદાન આપનારી બનશે. 
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news