ચોરવાડમાં કોંગ્રેસની ભૂંડી હાર, ધારાસભ્ય વિમલ ચુડાસમા પર ભારે પડ્યા સાંસદ રાજેશ ચુડાસમા

જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગર પાલિકામાં 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે. ચોરવાડ નપાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે. 

 ચોરવાડમાં કોંગ્રેસની ભૂંડી હાર, ધારાસભ્ય વિમલ ચુડાસમા પર ભારે પડ્યા સાંસદ રાજેશ ચુડાસમા

જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે સવારે નવ કલાકે મતગણતરી શરૂ થઈ હતી. 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા સહિતના પરિણામ સામે આવી રહ્યાં છે. મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ત્યારે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પણ સામે આવ્યા છે. જ્યાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે. 

સાંસદ અને ધારાસભ્ય વચ્ચે હતી લડાઈ
ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ધારાસભ્ય વિલમ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. આ ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે. વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 8માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ચોરવાડ નગરપાલિકા પર ભાજપ સત્તામાં આવ્યું છે.

ચોરવાડ નગરપાલિકામાં સત્તા પુનરાવર્તન અને સત્તા પરિવર્તન માટે લડાઈ હતી. અહીં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનું શાસન હતું. પરંતુ આ વખતે સાંસદ રાજેશ ચુડાસમાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ચોરવાડ નગરપાલિકા પર કબજો કર્યો છે. બંને નેતાઓ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ હતી. જેમાં રાજેશ ચુડાસમાએ જીત મેળવી છે. 

ભાજપના ખાતામાં નપા
ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચોરવાડ નગરપાલિકાની 24માંથી 20 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 10 વર્ષના કોંગ્રેસના શાસનનો અંત કરી ભાજપે નગરપાલિકા કબજે કરી છે. ચોરવાડમાં ભારતીય જનતા પાર્ટીએ જીતની ઉજવણી શરૂ કરી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ ચોરવાડની જનતાનો આભાર પણ માન્યો છે. રાજેશ ચુડાસમાએ કહ્યું કે ચોરવાડ નપાની જીત મારી નહીં પરંતુ મારા કાર્યકરો અને જનતાની જીત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news