શું વાવ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ? માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવાતા ગરમાયો રાજકીય માહોલ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે ભાજપમાંથી ટીકીટ ન મળતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે.
Trending Photos
Vav Assembly By-Election: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપીને રણમેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. આ બધાની વચ્ચે પક્ષપલટો કરવામાં મહારે ગણાતા થરાદ-વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ દર વખતની જેમ ફરી એકવાર અપક્ષમાં ફાર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના બળવાખોર નેતા માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓ પહોંચ્યા છે. પૂર્વ સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુ વ્યાસ અને વસંત પુરોહિતે થરાદમાં માવજીભાઈ સાથે બેઠક કરી.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે ભાજપમાંથી ટીકીટ ન મળતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયુ છે. માવજીભાઈ પટેલનું કહેવું છે કે મને આશા હતી કે પાર્ટી મને ટીકીટ આપશે. જોકે પાર્ટી મારી અને પ્રજાની લાગણી ન સમજી અને મને ટીકીટ ન આપતા મેં આખરે અપક્ષ ઉમેદવારો નોંધાવી છે. અગાઉ હું ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભાજપમાં જોડાયો હતો. તે વખતે નો કમિટમેન્ટની મારે હાલ વાત કરવી નથી. જોકે હું કોઈ કારણ વગર તો ભાજપમાં નહિ આવ્યો હોય ને. જોકે હવે કોઈ ભાજપના નેતા મને મનાવવા આવે અને હું માનું તેમાં કોઈ સવાલ નથી. હું મારું ફોર્મ પરત નહિં ખેચું. તમામ સમાજના લોકો મારી સાથે છે. હું ચૂંટણી લડીશ અને ચોક્કસ જીતીશ.
માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું
પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ભાજપના જ આગેવાને અપક્ષ તરીકે ઉમેદવારી કરતાં ત્રિપાંખીયા જંગની ફરી શક્યતા શરૂ થઈ છે. માવજી પટેલને મનાવવા ભાજપના નેતાઓ પહોંચ્યા છે, ત્યારે વાવ બેઠક પર ચૂંટણી લડવા માવજી પટેલ મક્કમ દેખાઈ રહ્યા છે. ZEE 24 કલાક પર માવજી પટેલે મોટો દાવો કર્યો છે. માવજી પટેલે જણાવ્યું કે હવે ફોર્મ પરત ખેંચવાનો કોઈ સવાલ નથી. ભાજપ નેતાઓ મનાવવા આવશે તો પણ, હું માનીશ નહીં. મને આશા હતી કે ભાજપ ટિકિટ આપશે. પરંતુ ટિકિટ ન મળતા મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે