શિક્ષણમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ : RTIથી વિગતો મેળવી શાળાઓને છેતરતો તોડબાજ મહેન્દ્ર પટેલ ઝડપાયો
Education RTI Fraud : શિક્ષણમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ... ખોટી અરજીઓ કરીને શાળા પાસેથી લાખો રૂપિયાનો તોડ.. શૈક્ષણિક સંસ્થાઓની RTIથી વિગતો મેળવી તોડ કરવાનો કૌભાંડ... CID ક્રાઈમે મહેંદ્ર નનુભાઈ પટેલ સામે ગુનો દાખલ કર્યો... શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી તોડ કરાતો... 66 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદ... તોડ કરનાર મહેંદ્ર પટેલની CID ક્રાઇમે કરી ધરપકડ
Trending Photos
Gandhinagar News અર્પણ કાયદાવાલા/ગાંધીનગર : ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો - ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતાં ગાંધીનગરના સેકટર - 7/ડીમાં રહેતા મહેંદ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના અલગ અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી 66 લાખનો તોડ કરનાર મહેંદ્ર પટેલને સીઆઇડી ક્રાઇમે ઉઠાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે.
સુરત ખાતે રહેતા પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરા જય અંબે વિદ્યાભવનનના ટ્રસ્ટી છે. તેઓ વર્ષ 2008 થી જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ગુજરાતમાં બરોડા, ભરૂચ, રાજપીપળા, સુરત, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર, ભીલાડ, વાપી, ચીખલી વિગેરે મળી કુલ- 18 સ્કુલો ચલાવે છે. વર્ષ - 2012 માં તેમની વાપીની સ્કૂલના લેન્ડ લાઇન પર મહેન્દ્ર પટેલ નામના શખ્સે ફોન કરીને કહ્યું કે, તમારી સ્કુલ બંધ કરી દો નહી તો હું તમારી સ્કુલ બંધ કરાવી દઈશ. અને હવેથી તમો સ્કુલમાં બાળકોના એડમિશન આપતા નહીં કહીને તેવુ ફોન મુકી દીધો હતો.
જેનાં થોડા સમય પછી મહેન્દ્ર પટેલ નવસારી જીલ્લાના ચીખલી ગામે આવેલ જય અંબે વિદ્યાભવન ખાતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડી લઈને ગયો હતો. અને સંસ્થાના ડોક્યુમેન્ટની ચકાસણી કરવા માંગતો હતો. ત્યારબાદ અલગ-અલગ ઉક્ત સંસ્થાઓ વિરૂધ્ધ લાગુ પડતી ડી.ઓ. કચેરીમાં આરટીઆઈ કરી સ્કુલના ડોક્યુમેન્ટ મેળવી લેતો હતો. બાદમાં ડોક્યુમેન્ટ અપૂરતા હોવાનું કહીને રૂપિયાની માંગણી કરતો હતો. જો કે વર્ષ - 2012 થી 2014 સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે ઉક્ત સ્કુલને લગતાં ડોક્યુમેન્ટની પૂર્તતાની કાર્યવાહી શરૂ થઈ હતી. એટલે બંને પક્ષકારો પ્રવીણભાઈ અને મહેંદ્ર પટેલ હાજર રહ્યા હતા.
ત્યારે મહેન્દ્ર પટેલે અરજી પાછી ખેંચી લેવા પૈસાની માંગણી કરી હતી. આ તરફ વારંવાર ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીના ધક્કા પોષાતા ન હોય પ્રવીણભાઈએ સંસ્થામાં ભણતા બાળકો તથા સ્કુલના શિક્ષકોનુ ભવિષ્ય ખરાબ ન થાય તેમ સમજી મહેન્દ્ર પટેલે માંગેલી રકમ આપી દેવા તૈયારી દર્શાવી હતી. જે અન્વયે તેમણે મહેંદ્રને તેના ચૌધરી સ્કૂલની સામે આવેલ સેકટર - 7/ડીનાં ઘરે જઈને 11 લાખ રોકડા આપ્યા હતા.
ત્યારે આટલેથી નહીં અટકેલા તોડબાઝ મહેન્દ્ર પટેલે અલગ અલગ જિલ્લામાં ચાલતી જય અંબે વિદ્યાભવન નામની સ્કુલો સામે પણ ખોટી અરજીઓ કરી રૂપિયાની માંગણી કરાઈ હતી. એટલે પ્રવીણભાઈ પાસેથી વર્ષ - 2015 થી 2017 દરમ્યાન કુલ 66 લાખ મહેંદ્ર પટેલે ધાક ધમકીઓ આપી પડાવી લીધા હતા. તે પછી પણ મહેંદ્ર પટેલ વારંવાર વધુ રૂપિયાની માંગણી કરી પ્રવીણભાઈને લાંબા સમય સુધી જેલમાં ધકેલી દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. બાદમાં પ્રવીણભાઈને માલુમ પડયું હતું કે, મહેંદ્ર પટેલ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ઉક્ત મોડસ ઓપરેન્ડીથી તોડપાણી કરી રહ્યો છે. આખરે તેમણે ફરિયાદ આપતા સીઆઇડી ક્રાઇમ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ વિશે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી અશ્વિન પટેલે જણાવ્યું કે, આરોપી મહેન્દ્ર પટેલના ઘરે તપાસ કરતા અન્ય કેટલીક સંસ્થાઓના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. તેઓએ અન્ય સંસ્થા પાસેથી પણ માંગણી કરી હોય એમ લાગે છે. અમે તમામને અપીલ કરીએ છીએ કે જે કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ કરે. તેમના ઘરેથી 1 કરોડ કરતા વધુ રકમ મળી આવી છે. 15-20 નાનામોટા થેલા ભરીને ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. શાળાઓ પાસે જાય તો ગુજરાત સરકારના અધિકારી તરીકે ઓળખ અપાતા હતા. આમાં કોઈ શિક્ષણ વિભાગની સંડોવણી હશે તો તેની પણ તપાસ કરીશું. મહેન્દ્ર પટેલ ધોરણ 7 સુધી ભણેલા છે. હાલ 14 દિવસના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે