પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા
Rohan Gupta Joins BJP : કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા આજે ભાજપમાં જોડાયા... અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકિટ... કોંગ્રેસ પર મોટા આક્ષેપો કરી રોહન ગુપ્તાએ છોડ્યો હતો પક્ષ...
Trending Photos
Loksabha Election : પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા આખરે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતું બાદમાં રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જેના બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે તેમણે કેસરિયા કરી લીધા છે.
પાર્ટીને પિતાનું કારણ આપ્યુ હતું
મહત્વનું છે કે, કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર થયા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાનું તેમણે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પિતા રાજકુમાર ગુપ્તાની તબીયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ કર્યુ હતુ. રાજીનામું આપતા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા ત્રણ દિવસથી મારી અને મારા પરિવારની છબિ બગાડવાના પ્રયાસો થઇ રહ્યા હતા. સિનિયર નેતાઓ તરફથી બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હતા, જેનો મને આઘાત લાગ્યો. તેમણે મારા વ્યક્તિગત જીવન પર ટિપ્પણીઓ કરી હતી. આ મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે. એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. મારી સાથે દગો કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારે મારો અવાજ ઊઠાવવો જરૂરી છે.'
ખડગેને આપ્યું હતું રાજીનામું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને સંબોધીને રોહન ગુપ્તાએ રાજીનામું મોકલ્યું છે. તેઓએ કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ પક્ષના એક નેતાએ સતત અપમાન કર્યાનો દાવો પત્રમાં કર્યો છે. સાથે જ રોહન ગુપ્તાએ પત્રમાં લખ્યું કે, તેમના સતત ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામાં આવી છે. મે 13 વર્ષ પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર કામ કર્યુ. મારા પિતા માટે મે મારી આકાંક્ષાને બાજુએ મુકી. હું મારા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છું અને લડાઈ લડી રહ્યો છું ત્યારે એ જ કોંગ્રેસના નેતા ફરીથી મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમના વર્તનથી મને રોષ છે અને મારા સ્વમાનને ધ્યાને રાખીને હુ રાજીનામું આપી રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે