અંધશ્રદ્ધાના ધતિંગ કરતો ભુવો ઘૂંટણિયે પડ્યો! પોલીસ પાઠ ભણાવે એ પહેલાં જ માફી માગતો વીડિયો કર્યો વાયરલ
ભુવાજી તરીકે જાણીતા શંકર રબારીએ જણાવ્યું છે કે રમેશભાઈ મફાભાઈ પટેલના ઘરે સુખ શાંતિ રહે તેવી માતાજીને પ્રાર્થના...એમના ઘરે જે મારુ માતાજીનું શ્રીફળ થતું હતું તે મને પલટાવીને આપી દીધું છે. મારા તરફથી કોઈને દુઃખ થયું હોય તો હું અઢારે આલમની માફી માંગુ છું.
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠામાં ભૂવાના નામે ધતિંગ કરીને 35 લાખ રૂપિયા પડાવનારો ધુતારો ભુવો આખરે ઘૂંટણિયે પડ્યો છે. પોલીસ પાઠ ભણાવે એ પહેલાં જ શંકર નામના ગઠિયાએ માફી માગતો વીડિયો વાયરલ કર્યો છે. તમને જણાવીએ કે ધાનેરા તાલુકાના ગોલા ગામની ઘટના મામલે આરોપી ભુવાજીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે.
શંકર નામના ગઠિયાએ માફી માગતો વીડિયો વાયરલ કર્યો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને ભુવાજી તરીકે જાણીતા શંકર રબારીએ જણાવ્યું છે કે રમેશભાઈ મફાભાઈ પટેલના ઘરે સુખ શાંતિ રહે તેવી માતાજીને પ્રાર્થના...એમના ઘરે જે મારુ માતાજીનું શ્રીફળ થતું હતું તે મને પલટાવીને આપી દીધું છે. મારા તરફથી કોઈને દુઃખ થયું હોય તો હું અઢારે આલમની માફી માંગુ છું. આ ઘટનામાં પીડિત પરિવાર પાસે વિધિના નામે 5 ભૂવાઓએ 35 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ધાનેરા પોલીસ મથકે ફરિયાદ અરજી થઈ છે.
જાણો શું હતો સમગ્ર કિસ્સો?
આજના આધુનિક જમાનામાં પણ સતત આદીવાસી અને આંતરિયાળ વિસ્તારમાં અંધશ્રદ્ધાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા હતા. જેમાં થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને પરિવારના બે ભાઇઓને તેમના દુ:ખો દુર કરવાની લાલચ આપી આપીને તેમની પાસેથી 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની સેરવી લીધા હતા.
ભૂવાઓએ પરિવારના દુખનો લાભ લઇને તેમને વિશ્વાસમાં લીધો હતો. તેમણે પરિવારને કહ્યું હતું કે 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે તમારે ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહેતા પરિવાર ભૂવાઓની વાતમાં આવ્યો હતો. પરિવારને થોડા સમય માટે સારું થઇ જતાં પરિવાર ભોળવાઇ ગયો હતો. દુઃખથી બચવા ભૂવાઓએ પરિવારને એક રૂપિયાથી એક કરોડનો ખર્ચ થશે તેમ કહી ગેરમાર્ગે દોરતા પરિવારના બે ભાઈઓએ 1.70 લાખની ચાંદીની પાટો અને 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભુવાઓને આપ્યા હતા. પરંતુ થોડા સમય બાદ પરિવારને છેતરાયો હોવાની જાણ થતાં પીડિત ભાઇઓએ ધાનેરા પોલીસ મથકે વિધિનો વીડીયો આપી થરાદ અને ધાનેરાના 5 ભૂવાઓ વિરૂધ્ધ ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે ધાનેરા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો એક વરવો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી જાળ બિછાવી ફસાવી દીધા હતા. બાદમાં દુઃખથી બચવા એક રૂપિયાથી એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે