700 વર્ષ જૂની કલાને ગુજરાતી ચિતારા પરિવારે રાખી છે જીવંત, આ રીતે બનાવે છે 'માતાજીની પછેડી'
ગુજરાતનો ચિતારા સમુદાય 700 વર્ષ જૂની ચિત્રકળાની શૈલીને ધરોવાર તરીકે સંભાળી રહ્યા છે. આ જ સમુદાયથી આવનાર દંપત્તિ સુરેશભાઈ અને તેમની પત્ની હેતલબેન લુપ્ત થઈ રહેલી આ કળાને ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી શીખાવી રહ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: એક વખત ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કળા માતાની પછડી લોકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનો કેન્દ્ર રહ્યું હતું. પરંતુ આજે ગુજરાતના લોકો આ કળા ને ઓળખતા નથી, નામ પણ સાંભળ્યું નથી. વાત ગુજરાતના 700 વર્ષ પહેલા ખૂબ જ પ્રખ્યાત કળાની થઈ રહી છે. આ કળાનું નામ માતાની પછેડી છે. આ કળાને લોકો સુધી પહોંચાડવા માટે હાલ ગુજરાતી ચિતારા દંપત્તિ ગુજરાત અને દેશના અલગ અલગ શહેરોમાં જઈ વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે.
ગુજરાતનો ચિતારા સમુદાય 700 વર્ષ જૂની ચિત્રકળાની શૈલીને ધરોવાર તરીકે સંભાળી રહ્યા છે. આ જ સમુદાયથી આવનાર દંપત્તિ સુરેશભાઈ અને તેમની પત્ની હેતલબેન લુપ્ત થઈ રહેલી આ કળા ને ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી શીખાવી રહ્યા છે. અમદાવાદના આ દંપતી સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓને આ કળા શિખાવી રહ્યા છે. જે કળા ના નામ પણ વિદ્યાર્થીઓએ ક્યારે સાંભળ્યા નહોતા તે ગુજરાતી ધરોહરની કળા વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે. સુરેશભાઈ અને તેમની પત્ની હેતલબેન અત્યાર સુધીમાં એનઆઇડી, એનઆઈએફડી સહિત દિલ્હી, મુંબઈ, ગોવા, રાજસ્થાન સહિતના અલગ અલગ શહેરોમાં જઈ વિદ્યાર્થીઓને આ કળા શિખાવી આવી રહ્યા છે. જેથી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાથી દેશભરના લોકો પરિચિત થાય અને લુપ્ત થતી આ કળાનો પ્રચાર પ્રસાર થાય.
સુરેશભાઈ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે તેઓએ નર્સરીમાં નોકરી પણ કરી હતી પરંતુ ગુજરાતી આર્ટ ફોર્મ ને લોકો સુધી પહોંચાડવા માટે તેઓએ નોકરી છોડી. એમની પત્ની ધોરણ 10 સુધી ભણી છે. આજે આ દંપતી વારસાગત મળેલી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને ધરોહરને સાચવી રહ્યા છે.આ કળા પાછળનો વર્ષો જૂનો ઇતિહાસ છે.વર્ષો પહેલા જ્યારે મુઘલ અને અંગ્રેજ શાસકો ભારતમાં આવ્યા હતા ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો તોડી દેવામાં આવતા હતા. જ્યાં પૂજા થતી હતી ત્યાં ખંડિત કરવામાં આવતા હતા. અને તે સમયે જ્ઞાતિ ભેદભાવના પણ કિસ્સાઓ સામે આવતા હતા.
આ બંને પરિસ્થિતિમાં પૂજા કઈ રીતે થાય એ પ્રશ્ન હતો. સમુદાયના લોકોએ વિચાર્યું કે હવે કઈ રીતે પૂજા કરીશું અને તે વસ્તુ ખંડિત પણ ન થાય. ત્યારે આ સમુદાયના લોકોએ માતાની પછેડી બનાવવાની શરૂઆત કરી. ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલા કથાઓ અને પ્રસંગોને કળાના માધ્યમથી કાપડ ઉપર ચિત્રિત કરવામાં આવતા હતા અને આ માતાની પછેડી ની લોકો પૂજા અર્ચના કરતા હતા વચ્ચે માતાજીનું ચિત્ર અને તેની આસપાસ ધાર્મિક કથા અને પ્રસંગનો ઉલ્લેખ કરતો ચિત્ર સ્પષ્ટ પણે જોવા મળે છે અને આ ચિત્ર બનાવવા માટે નેચરલ અને વનસ્પતિના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાતના પરંપરાગત આર્ટિસ્ટ ખૂબ જ લુપ્ત થઈ રહેલ માતાની પછેડી આજે પણ બનાવે છે જો કે તેમની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. અગાઉ 200 જેટલા આર્ટિસ્ટ આ આર્ટ બનાવતા હતા અત્યારે તેમની સંખ્યા ઘટીને 20 થી 30 રહી ગઈ છે. માતાની પછેડી મંદિરની પાછળના ભાગમાં બાંધવામાં આવે છે એટલે એને માતાની પછેડી પણ કહેવામાં આવે છે. પૌરાણિક અને આધ્યાત્મિક નાના-મોટા એવા જે પ્રસંગ બની ચૂક્યા છે આવા પ્રસંગો ઉમેરીને માતાની પછેડી બનાવવામાં આવે છે. આ કળા ને 700 વર્ષ થઈ ગયાં છે. અમદાવાદના દંપત્તિ નેચરલ કલરથી આ માતાની પછેડી બનાવે છે.
આ ખાસ પ્રકારની પેઇન્ટિંગ માટે કોઈ બ્રશ વાપરવામાં આવતું કાપડ પર તૈયાર થનાર આ ચિત્ર વાંસની સળી થી આ કળા ને બનાવે છે. કાળા રંગને ગોળ ના કાટમાંથી, લાલ કલર માટે ફટકડી, ઢાળી ના ફૂલ વાપરવામાં આવે છે. હળદર અને વૃક્ષોના પાંદડાથી રંગો તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવા માટે રંગોમાં એરંડાનો તેલ મિક્સ કરવામાં આવે છે વહેતા પાણીમાં ધોવામાં આવે છે ત્યાર પછી રંગને ઉકાળવામાં આવે છે. આર્ટિસ્ટ હંમેશા કાળજી લે છે કે પ્રકૃતિને નુકસાન ન થાય આવા રંગોના ઉપયોગ કરવામાં આવે. ઇન્દ્રા ગાંધી રાષ્ટ્રીય કલાક કેન્દ્ર વડોદરા રીજન દ્વારા આ આર્ટિસ્ટોને તક આપવામાં આવે છે તેઓ વિદ્યાર્થીઓને આ કળા શીખવે છે.
માતાની પછેળીમાં આખો ઈતિહાસ જોવા મળે છે કૃષ્ણ લીલા હોય, રામાયણ મહાભારત તેના પ્રસંગોને નેચરલ કલરના માધ્યમથી બનાવવામાં આવે છે જેની વચ્ચે માતાજીની તસ્વીર પણ હોય છે. આ આર્ટ બનાવવામાં લગભગ પાંચથી છ દિવસ લાગે છે. કારણ કે આને હાથથી બનાવવામાં આવે છે અને કેટલાક લાકડાના છાપાથી પણ ડિઝાઇન કરવામાં આવતું હોય છે આ પરંપરાગત આર્ટ છે જે હાલ લુપ્ત થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે