લોકસભા ચૂંટણી 2019: ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ લડશે લોકસભા ચૂંટણી
કોંગ્રેસ દ્વારા આ બેઠક પર ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને ઊભા રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જોકે ગાંધીનગરની બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને આ રીતે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની એક બેઠક પાકી કરી લીધી છે
Trending Photos
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2019ના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી અને ગાંધીનગરની બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઊભા રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આ બેઠક પર 1991થી જીતતા આવેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીનું પત્તું કપાઈ ગયું છે.
ગાંધીનગરની લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને અહીં રાજનાથ સિંહ, વાજપેયી અને લાલ કૃષ્ણ આડવાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સતત જીતતા આવ્યા છે. લાલકૃષ્ણ આડવાણી આ બેઠક પર પ્રથમ વખત 1991માં જીત્યા હતા. ત્યાર પછી આડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો હતો.
અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી મેદાનમાં ઉતારવા સાથે ભાજપે લોકસભાની 26 બેઠકો જીતવાનો પોતાનો લક્ષ્ય જાહેર કરી દીધો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અમિત શાહ ભાજપના ચાણક્ય ગણાય છે.
ગાંધીનગરની લોકસભા બેઠકમાં ગુજરાત વિધાનસભાની ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પર નજર નાખીએ તો ગાંધીનગર ઉત્તરની બેઠક પર કોંગ્રેસના સી.જે. ચાવડા, સાણંદથી ભાજપના કનુભાઈ પટેલ, ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભુપેન્દ્રભાઈ પટેલ, નારણપુરા બેઠક પરથી ભાજપના કૌશિકભાઈ પટેલ, સાબરમતી બેઠક પર ભાજપના અવિંદકુમાર પટેલ, વેજલપુર બેઠક પરથી ભાજપના કિશોર ચૌહાણ અને કલોલ બેઠક પરથી કોંગ્રેસના બલદેવજી ઠાકોર વિજેતા બન્યા હતા.
આમ, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી કુલ 7 વિધાનસભા બેઠકોમાંથી 5 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 2017ની લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા અને બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. એટલે કે, ગાંધીનગરની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે છે અને આ ગણતરીને ધ્યાનમાં રાખીને જ અમીત શાહને લોકસભાના ઉમેદવાર બનાવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે