Pakistan: મિયાંવલી એરબેસ પર ફિદાયીન હુમલાખોરોનો હુમલો, 3 ફાઈટર વિમાનો બાળ્યા, 3 આતંકી માર્યા ગયા
Pakistan News: પાકિસ્તાનના મિયાંવલીમાં એક મોટો આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. એવું કહેવાય છે કે આતંકવાદી એરબેસમાં ઘૂસી ગયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
Trending Photos
Pakistan News: પાકિસ્તાનના મિયાંવલીમાં એક મોટો આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. એવું કહેવાય છે કે આતંકવાદી એરબેસમાં ઘૂસી ગયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. તહરીકે જિહાદ પાકિસ્તાન નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ સમગ્ર મામલે હવે પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે.
એરબેસમાં ઘૂસ્યા આતંકીઓ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આત્મઘાતી હુમલાખોરો સહિત ભારે હથિયારોથી લેસ 5-6 આતંકીઓ પંજાબ પ્રાંતના મિયાંવલી સ્થિત પાકિસ્તાની વાયુસેનાના એરબેસમાં ઘૂસી ગયા છે. બંને બાજુથી જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એરબેસની અંદર આગની જ્વાળાઓ જોવા મળી રહી છે.
પાકિસ્તાની સેનાનું નિવેદન
પાકિસ્તાની સેના (ISPR) એ આ હુમલા અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયું છે કે '4 નવેમ્બર 2023ના રોજ વહેલી સવારે પાકિસ્તાની વાયુસેનાના મિયાંવલી ટ્રેનિંગ એરબેસ પર એક અસફળ આતંકવાદી હુમલાની કોશિશ કરાઈ છે. સૈનિકો દ્વારા તત્કાળ કરાયેલી જવાબી કાર્યવાહીથી હુમલાને નિષ્ફળ કરવામાં આવ્યો છે. જેનાથી કર્મીઓ અને સંપત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ. સુરક્ષાકર્મીઓએ અસાધારણ સાહસનો પરિચય આપતા 3 આતંકીઓને બેસમાં ઘૂસતા પહેલા જ ઠાર કર્યા. જ્યારે બચેલા 3 આતંકીઓને સૈનિકો દ્વારા ઘેરી લેવાયા છે.'
સેનાના નિવેદન મુજબ 'જો કે હુમલા દરમિયાન પહેલેથી જ જમીન પર પડેલા 3 ફાઈટર વિમાનો અને એક ઈંધણ બાઉઝરને નુકસાન પહોંચ્યું છે. વિસ્તારને સંપૂર્ણ રીતે ખાલી કરાવવા માટે એક વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે.'
આ સંગઠને લીધી જવાબદારી
તહરીક એ જિહાદ પાકિસ્તાન (ટીજેપી)ના પ્રવક્તા મુલ્લા મોહમ્મદ કાસિમે મિયાંવલીના એરબેસ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે અને દાવો કર્યો છે કે અનેક આત્માઘાતી હુમલાખોરો તેમાં સામેલ છે. સ્થાનિક રહીશોએ હુમલાની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પર વીડિયો ફૂટેજ પોસ્ટ કર્યા છે. આતંકવાદી સમૂહે એવો પણ દાવો કર્યો છે કે તેમણે બેસ પર રહેલા એક ટેંકને પણ નષ્ટ કરી છે. હાલ એરબેસ પર પાકિસ્તાની સુરક્ષાદળોનું અભિયાન ચાલુ છે.
આતંકવાદીઓને પનાહ આપનાર પાકિસ્તાનના એરફોર્સ બેઝ પર હુમલો; તહરીક-એ-જેહાદે લીધી જવાબદારી#Pakistan #BreakingNews #News pic.twitter.com/RJfoDqqrE4
— Zee 24 Kalak (@Zee24Kalak) November 4, 2023
એવું કહેવાઈ રહ્યું છે કે આતંકવાદીઓએ મિયાંવલીમાં પાકિસ્તાન એરબેસની તારવાળી દિવાલને પાર કરવા માટે સિડીનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ અંદર ઘૂસીને હુમલો કરવાનું શરૂ કર્યું અને અનેક બોમ્બ ધડાકાને અંજામ આપ્યો. સ્યુસાઈડ બોમ્બર્સ વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપેરશન ચાલુ છે અને બંને તરફથી જબરદસ્ત ફાયરિંગ ચાલુ છે.
અત્રે જણાવવાનું કે મિયાંવલી એ જ એરબેસ છે જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો અને એટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેસની બહાર એક વિમાનના માળખાને પણ આગ લગાવી હતી.
બલૂચિસ્તાનમાં હુમલો
બે દિવસમાં સુરક્ષાદળો પર આ બીજો હુમલો છે. પાકિસ્તાન સ્થિત જિયો ન્યૂઝના જણાવ્યાં મુજબ સેનાની મીડિયા શાખાએ શુક્રવારે કહ્યું કે ગ્વાદરમાં સુરક્ષાદળોને લઈને જઈ રહેલા બે વાહનો પર આતંકીઓના હુમલામાં ઓછામાં ઓછા 14 સૈનિકો શહીદ થઈ ગયા.
ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ એક નિવેદનમાં કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ત્યારે ઘટી જ્યારે સુરક્ષા કાફલો ગ્વાદર જિલ્લાના પસનીથી ઓરમારા તરફ જઈ રહ્યો હતો. સેનાની શાખાએ કહ્યું કે આ જઘન્ય કૃત્યના અપરાધીઓની ભાળ મેળવવામાં આવશે અને તેમને ન્યાયના ઘેરામાં લાવવામાં આવશે.
સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે આતંકીઓ
પાકિસ્તાનમાં આતંકીઓ સતત સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યા છે. જિયો ન્યૂઝના જણાવ્યાં મુજબ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (સીઆરએસએસ) એ ઓક્ટોબરમાં બહાર પાડેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સુરક્ષાદળોએ 2023 પહેલા નવ મહિનામાં ઓછામાં ઓછા 386 કર્મીઓને ગુમાવ્યા, જે આઠ વર્ષનું ઉચ્ચતમ સ્તર છે. 2023ના ત્રીજા ત્રિમાસિકમાં 190થી વધુ આતંકી હુમલાઓ અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં લગભગ 445 લોકોના જીવ ગયા અને 440 લોકો ઘાયલ થયા. ખૈબર પખ્તુનખ્વા અને બ્લૂચિસ્તાન હિંસાના પ્રાથમિક કેન્દ્ર રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે