Pro Kabaddi: યૂ-મુમ્બાને હરાવી બંગાળ ફાઇનલમાં, હવે દબંગ દિલ્હી સામે ટક્કર
વીવો પ્રો-કબડ્ડી-2019ની સિઝનમાં નવો ચેમ્પિયન મળવો નક્કી થઈ ગયો છે. શનિવારે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં દબંગ દિલ્હી અને બંગાળ વોરિયર્સ વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. આ બંન્ને ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે.
Trending Photos
અમદાવાદઃ વીવો પ્રો કબડ્ડી-2019ની બીજી સેમિફાઇનલ મેચમાં બંગાળ વોરિયર્સે યૂ મુમ્બાને 37-35થી પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. બંગાળની ટીમ પણ પ્રથાવાર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. તો અત્યાર સુધી ત્રણ વખત ફાઇનલમાં પહોંચેલી યૂ મુમ્બાની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે પ્રો કબડ્ડીને નવો ચેમ્પિયન મળવાનો છે. તેનો નિર્ણય શનિવારે રમાનારા ફાઇનલ મુકાબલામાં થશે. આ ફાઇનલ મેચમાં બંગાળ વોરિયર્સની ટક્કર દબંગ દિલ્હી સામે થવાની છે. દિલ્હીએ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન બેંગલુરૂ બુલ્સને હરાવીને પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. સૌથી મહત્વની વાત છે કે બંગાળે તેના કેપ્ટન અને શાનદાર રેડર મનીંદર સિંહની ગેરહાજરીમાં આ જીત મેળવી છે.
પ્રથમ હાફ બાદ બંગાળ વોરિયર્સે 18-12થી લીડ બનાવી હતી. શરૂઆત બંન્ને ટીમોએ ધીમી કરી હતી. પરંતુ મુંબઈના ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી ભૂલ અને બંગાળને એક્સ્ટ્રાના માધ્યમથી પોઈન્ટ આપવાને કારણે વોરિયર્સે 16મી મિનિટે મુંબઈને ઓલઆઉટ કરી દીધું હતું. મુંબઈને ઓલઆઉટ કર્યાં બાદ બંગાળે પોતાની લીડ જાળવી રાખી હતી.
બીજા હાફની શરૂઆત મુંબઈ માટે સારી થઈ, તેણે પોતાને ઓલઆઉટથી બચાવ્યું અને તે બંગાળ ઉપર દબદબો બનાવી રહ્યું હતું. પરંતુ મેચની 28મી મિનિટે સુકેશ હેગડેએ શાનદાર સુપર રેડ કરી અને 4 ડિફેન્ડરોને આઉટ કર્યાં હતા. ત્યારબાદ સંદીપ નરવાલે ટીમને એકવાર ફરી ઓલઆઉટથી બચાવી, પરંતુ 32મી મિનિટે બંગાળે બીજીવાર મુંબઈને ઓલઆઉટ કરી દીધું હતું.
મુંબઈના અંજ્કિય કાપરેએ સુપર રેડ લગાવતા 4 પોઈન્ટ હાસિલ કર્યાં અને વાપસીકરાવી હતી. ત્યારબાદ બંગાળે પોતાને ઓલઆઉટથી બચાવ્યું, પરંતુ 38મી મિનિટે મુંબઈએ બંગાળને ઓલઆઉટ કરી દીધું હતું. મુંબઈના અભિષેક સિંહે પોતાનું સુપર 10 પણ પૂરુ કર્યું હતું. અંતમાં મુકાબલો રોમાંચક થયો અને અંતિમ રેડમાં બંગાળે અર્જુન દેશવાલને ટેકલ કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મુંબઈને 5 વખત સેલ્ફ આઉટ થવું મોંઘુ પડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે