અમિત મિશ્રાનો IPLમાં મોટો રેકોર્ડ, હજી સુધી કોઈ ભારતીય બોલરને નથી મળી આવી સિદ્ધિ
36 વર્ષનો લેગ સ્પિનર અમિત મિશ્રા આઇપીએલનો બીજા નંબરનો સૌથી સફળ બોલર છે. એના કરતા વધારે વિકેટ માત્ર શ્રીલંકાના લસિથ મલિંગાએ જ લીધી છે.
Trending Photos
નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સનો લેગ સ્પિનર અમિત મિશ્રા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. મિશ્રાએ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને બોલ્ડ કરી આ સિદ્ધિ મેળવી. રોહિતને મિશ્રાએ આઈપીએલના ઈતિહાસમાં છઠ્ઠી વખત આઉટ કર્યો છે. તેણે અત્યાર સુધી 140 આઇપીએલ મેચમાં 24.18ની સરેરાશથી 150 વિકેટ લીધી છે.
IPLમાં સૌથી વધુ વિકેટો લેવાની બાબતમાં શ્રીલંકાના લસિથ મલિંગાનું નામ આવે છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા 114 મેચમાં 162 વિકેટો લીધી છે. અમિત મિશ્રા બીજા નંબરે છે. IPLમાં સૌથી વધુ વિકેટો લેવા બાબતે ત્રીજા નંબરે કોલકાતા નાઈટ રાઈડર્સનો પીયૂષ ચાવલા છે જેણે 152 મેચોમાં 146 વિકેટ લીધી છે. અમિત મિશ્રાએ 2008માં પોતાની આઇપીએલ કરિયરની શરૂઆત દિલ્હી ડેરડેવિલ્સ ટીમથી કરી હતી. ત્રણ વર્ષ દિલ્હી માટે રમ્યા પછી તેઓ હૈદરાબાદની ટીમમાં ચાલ્યા ગયા હતા. ચાર વર્ષ હૈદરાબાદ સાથે રમ્યા પછી તેઓ ફરી દિલ્હીની ટીમમાં પરત આવ્યા હતા.
નોંધનીય છે કે મુંબઇએ ફિરોઝ શાહ કોટલા, દિલ્હી મેદાનમાં રમાઇ રહેલી ટી-20 આઇપીએલની મેચમાં દિલ્હીને 40 રનથી પરાજીત કરી દીધું હતું. મુંબઇએ પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટનાં નુકસાને 168 રન બનાવ્યા હતા. જવાબમાં 169 રનોનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટનાં નુકસાને 128 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે