ICC એલીટ પેનલમાં 2 નવા અમ્પાયર સામેલ, ભારતના કોઈ અમ્પાયરને ન મળી તક
ગોફ અને વિલ્સન ઈંગ્લેન્ડના ઇયાન ગૂલ્ડ અને ભારતના રવિ સુંદરમનું સ્થાન લેશે. આ બંન્ને અમ્પાયરોએ નિવૃતી લઈ લીધી છે.
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે બે નવા અમ્પાયરોને 2019-2020ની સિઝન માટે અમ્પાયરોની એલીટ પેનલમાં સામેલ કરી લીધા છે. આ અમ્પાયર ઈંગ્લેન્ડના માઇકલ ગોફ અને વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સન છે. આ બંન્ને ઇયાન ગૂલ્ડ અને રવિ સુંદરમનું સ્થાન લેશે. આઈસીસીએ અહીં યોજાયેલી વાર્ષિક સમીક્ષા અને પસંદગી પ્રક્રિયા બાદ આ નિર્ણય લીધો છે.
આઈસીસીએ મંગળવારે અખબારી યાદી જાહેર કરીને આ જાણકારી આપી હતી. આઈસીસીએ હંમેશાની જેમ નવા અમ્પાયરોને પસંદ કરવા માટે પસંદગી પેનલ બનાવી હતી. આ પેનલમાં આઈસીસીના મેનેજિંગ ડાયરેક્ટર જ્યોફ એલરડાઇસ (અધ્યક્ષ), પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર, મેચ રેફરી રંજન મદુગલે તથા ડેવિડ બૂન સામેલ છે. આ પેનલે ગોફ અને વિલ્સનને આંતરરાષ્ટ્રીય પેનલમાં આગળ વધારીને એલીટ પેનલમાં સ્થાન આપ્યું છે.
બંન્ને અમ્પાયરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઘણો અનુભવ છે. માઇકલ ગોફે નવ ટેસ્ટ, 59 વનડે અને 14 ટી20 મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. જોએન વિલ્સને 13 ટેસ્ટ, 63 વનડે અને 26 ટી20 આંતરરાષ્ટ્રીયમાં અમ્પાયરિંગ કર્યું છે. ગોફ અને વિલ્સન ઈંગ્લેન્ડના ઇયાન ગૂલ્ડ અને ભારતના રવિ સુંદરમનું સ્થાન લેશે. આ બંન્ને અમ્પાયરોએ નિવૃતી લઈ લીધી છે.
આઈસીસીની એલીટ પેનલમાં 12 અમ્પાયર છે. તેમાં અલીમ ડાર, કુમાર ધર્મસેના, મરાયસ એરાસ્મસ, ક્રિસ ગેફની, માઇકલ ગોફ, રિચર્ડ ઇલિંગવર્થ, રિચર્ડ કેટલબ્રો, નાઇઝલ લોન્ગ, બ્રૂસ ઓક્સેનફોર્ડ, પોલ રિફિલ, રોડ ટકર, જોએલ વિલ્સન. આઈસીસીની મેચ રેફરીની ટીમમાં કોઈ ફેરફાર થયો નથી. ડેવિડ બન, ક્રિસ બ્રોડ, જેફ ક્રો, રંજન મદુગલે, એન્ડી પાયક્રોફ્ટ, રિચી રિચર્ડસન અને જવાગલ શ્રીનાથ મેચ રેફરી પદે યથાવત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે