ઓલિમ્પિક પહેલા ગુજરાતના આ સ્થળોએ રમાશે કોમનવેલ્થ ગેમ્સ, ગ્રાઉન્ડની યાદી તૈયાર
Commonwealth Games 2030 : ગુજરાતમાં ન માત્ર ઓલિમ્પિકની, પરંતું કોમનવેલ્થ ગેમ્સની પણ તૈયારીઓ ચાલી રહી છે... ગુજરાતમાં કઈ કોમનવેલ્થ ગેમ ક્યાં રમાશે તે પણ લગભગ નક્કી થઈ ગયું છે
Trending Photos
Commonwealth Games In Gujarat : ગુજરાત હાલ ઓલિમ્પિક માટે થનગનાટ કરી રહ્યું છે. અમદાવાદ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી શકે છે, પરંતુ તે પહેલા લોકોની નજર વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પર ટકેલી છે. એક તરફ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પોર્ટ્સ વિલેજ બનાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં કઇ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં રમાશે તે લગભગ નક્કી થઇ ગયું છે.
મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય એથ્લેટિક્સ ફેડરેશનના અધિકારીઓ પણ હાજર હતા.
કઈ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ શકે? એક મીડિયાના રિપોર્ટ અનુસાર, કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતના જે સ્થળોની પસંદગી કરવામાં આવી છે તેમાં સમાવેશ થાય છે
- SVP એન્ક્લેવ - એક્વેટિક્સ, બોક્સિંગ, બાસ્કેટબોલ, જિમ્નેસ્ટિક્સ, કબડ્ડી
- કરાઈ સ્પોર્ટ્સ હબ - એથ્લેટિક્સ, ટ્રાયથલોન
- નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ - બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જુડો
- સ્ટેચ્યુ ઓફ યુનિટી - બીચ વોલીબોલ, માઉન્ટેન સાયકલીંગ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ - ક્રિકેટ
- IIT ગાંધીનગર - રોડ સાયકલિંગ, હોકી
- ગુજરાત યુનિવર્સિટી - નેટબોલ, શૂટિંગ
- ટ્રાન્સસ્ટેડિયા એકા એરેના - રગ્બી, ઇ-સ્પોર્ટ્સ, યોગ
- મહાત્મા મંદિર - વેઈટ લિફ્ટિંગ, કુસ્તી
- વિજય ભારત ફાઉન્ડેશન - તીરંદાજી
જો કે, આ તમામ જગ્યાઓ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એવું કહેવાય છે કે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાતમાં માત્ર તમામ આયોજનો અને તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં, ગુજરાત બીજી ઘણી બધી રમતોનું આયોજન કરવાની જવાબદારી પણ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે.
જેમાં એશિયન વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ 2025, વર્લ્ડ કોમ્બેટ ગેમ્સ (2027, 2029), અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2028, એશિયન યુથ ગેમ્સ 2033, વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનો સમાવેશ થાય છે. અધિકારીઓનું કહેવું છે કે અમદાવાદ અને ગાંધીનગરની તમામ હોટલોમાં મળીને કુલ 14,192 રૂમ છે. તેથી, આ બે શહેરોને કેન્દ્ર બનાવીને તમામ રમતોનું આયોજન કરવાનું વિચારવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે