શું તમે જાણો છો માતાજીનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું? ચારણ પરિવારની કન્યા આ રીતે બન્યા મા ખોડલ
Khodiyar Mata History: ખોડિયાર માતાના અનેક નામ છે... ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે... અનેક લોકો ખોડિયાર માતાને પૂજે છે... ત્યારે જાણી લો પૃથ્વી પર ક્યારે ખોડિયાર માતાનો જન્મ થયો હતો
Trending Photos
Khodal maa : આવતીકાલથી નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ખોડિયાર માતાજી વિશે અનેક લોકવાયકા પ્રવર્તે છે. પરંતું શુ તમને ખબર છે કે મા ખોડિયારનો જન્મદિવસ ક્યારે થયો હતો કેવી રીતે તેમનું પ્રાગટ્ય થયું હતું. ખોડિયાર માતાનો જન્મ સાતમી સદીમાં મહા સુદ આઠમના દિવસે એક ચારણ પરિવારમાં થયો હોવાનું માનવામાં આવે છે. જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. મા ખોડિયારનું વાહન મગર છે.
ચારણ પરિવારમાં જન્મ
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી છે કે, ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં.
કેવી રીતે થયો ખોડિયાર માનો જન્મ
ભાવનગરના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝણાને લીધે લક્ષ્મીનો પાર નહોતો, પણ ખોળાનો ખુંદનાર નહોતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. તેથી એક દિવસ દુખી મામડિયાએ પોતાનુ માથુ વાઢવાનુ નક્કી કર્યું. આ સમયે ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓએ પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આ સાંભળીને મામડિયો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલી કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું. આ રીતે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે.
આ રીતે વાહન મગર બન્યું
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
અનેક લોકો કરે છે તેમની પૂજા
ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ[પ્રજાપતી] આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે