શું ઉત્તરાયણની મજા બગાડશે કમોસમી વરસાદ? હવામાન વિભાગે કરી દીધી આગાહી
ગુજરાતમાં એક તરફ લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. આગામી સપ્તાહે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ઉત્તરાયણ પર હવામાન કેવું રહેશે? તો હવામાન વિભાગે તેની પણ આગાહી કરી દીધી છે.
શું છે આગાહી
14 જાન્યુઆરી મંગળવારે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. આ પહેલાં ઉત્તરાયણ પર કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી.
હવામાન વિભાગના એકે દાસે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાનું છે. આ સાથે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધી શકે છે. ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે એટલે કે ઉત્તરાયણ પર લોકોને ઠંડીનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતમાં પવનની દિશા પૂર્વથી દક્ષિણ-પૂર્વની છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. આ સિવાય અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેશે.
અંબાલાલની આગાણી પણ જાણી લો
ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી આવી ગઈ છે. 9- 15 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી રહી શકે છે. જી હા..ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહી શકે. 10-11 જાન્યુઆરીમાં કંઈક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે. ઉત્તરાયણથી ઠંડી ઘટે, જો કે પવન સારો રહી શકે છે. સવારે 6 km/h પવન રહી શકે, પરંતુ સવાર બાદ 10 થી 15 km/h રહી શકે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે.ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની પડે છે. આગામી દિવસોમાં હવે રાજ્યના હવામાનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે. રાજ્યમાં 24 કલાક સુધી હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે જ ઠંડી પડતી રહેશે. ઠંડા પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડાગાર બની ગયા છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી ઠંડી આવી રીતે જ લોકોને પરેશાન કરશે. જે બાદ થોડી રાહત મળી શકે છે. પરંતુ માવઠાને લઇને જે આગામી સામે આવી છે. તે ચિંતા વધારનારી છે.
Trending Photos