ગુજરાતમાં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી લેજો!
Gujarat Monsoon 2024: સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાના આગમનથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મહાનગર અમદાવાદમાં પણ મેઘરાજાએ થોડી પણ જોરદાર બેટિંગ કરી. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો અવિરત વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ અનેક નીચાણવાળા વિસ્તારમાં થઈ ગઈ છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ માહોલ આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની સાથે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે. અંબાલાલના મતે 2થી 5 જુલાઈએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. તો 5થી 12 જુલાઈએ રાજ્યના અન્ય ભાગો પણ સારો વરસાદ પડે તેવી આગાહી અંબાલાલે કરી છે.
આગાહીકાર અંબાલાલ પટેલના મતે 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. વર્ષોથી આ એક નિશાની રહી છેકે, આવી પરિસ્થિતિ સર્જાય ત્યાર બાદ વરસાદી માહોલ જામે છે. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં આ વખતે 45 થી 55 કિલો મીટરની રફતારથી પવન ફૂંકાવવાની શક્યતા છે. આ રીતે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી મોટા જોખમના સંકેત પણ આપી રહી છે.
ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 2 થી 5 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ ની શક્યતા છે.
વરસાદના વધામણાંની શરૂઆત લોકો કરે કે ન કરે. પણ પ્રકૃતિએ મેઘરાજાને વધાવી લીધા છે. ગુજરાતના બે જાણીતા પર્યટન સ્થળોએ વરસાદને કારણે પ્રકૃતિ કેવી ખીલી ઉઠી છે. ગરવા ગઢ ગિરનારના રોપ વેમાં બેસી કેમેરામાં કેદ કરાયેલા દ્રશ્યો જોઈ એવું કહી શકાય કે કુદરત જાણે સ્વયં ગિરનાર પર આવી ગઈ છે. વાદળા ગિરનાર સાથે વાતો કરી રહ્યા છે. તો બીજા દ્રશ્યો ગુજરાતના ગિરિમથક સાપુતારાના છે. જ્યાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે બાજુ ગાઢ ધુમ્મસને કારણે સુંદર નજારો જોવા મળી રહ્યો છે.
મેઘરાજાની તોફાની બેટિંગ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ત્યારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ ગયા. પારડીના ચંદ્રપુર નજીક ભરાયેલા આ પાણીને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી. તો સુરતમાં પ્રિ-મોન્સૂન પ્લાનની ખુલેલી પોલના છે. પહેલા વરસાદમાં જ ઉતરાણ પોલીસ સ્ટેશન પાણી પાણી થઈ ગયું. બેટ જેવા લાગતા આ પોલીસ સ્ટેશનને કારણે ભારે હાલાકી ભોગવવી પડી. તો બોટાદના તુલસીનગર જ્યાં પાણી ગામમાં ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી.
અમદાવાદમાં પણ સામાન્ય વરસાદમાં જ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘૂંટણ સુધી ભરાયેલા પાણી વચ્ચે વાહનચાલકો અને લોકો પસાર થઈ રહ્યા છે. સામાન્ય વરસાદમાં જ થયેલી આ સ્થિતિથી AMCના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઈ.
ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ગયા બાદ હવે આગળ વધી ગયું છે અને સમગ્ર રાજ્યમાં મનમુકીને મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં ઓછો વરસાદ છે ત્યાં આગામી દિવસોમાં સારો વરસાદ થવાનું અનુમાન છે. ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં ક્યાં કેવો વરસાદ પડે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં પુર આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે. જુલાઈના પહેલા સપ્તાહ અને બીજા સપ્તાહમાં 8થી 12 જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુર આવી શકે છે.
Trending Photos