2 લાખ પગાર, ફ્રીમાં રહેવાનું, ખાવાનું અને મફતમાં સારવાર..વિદેશમાં ભારતીયો માટે નોકરીની તક
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નોકરીની બંપર વેકેન્સી નીકળી છે. ઈઝરાયેલે પોતાના ત્યાં નોકરી માટે 15000 ભરતી કાઢી છે. ઈઝરાયેલે 10,000 ભારતીય બાંધકામ વર્કર માટે એકવાર ફરીથી ભરતી અભિયાન ચલાવવા સંબંધે ભારતનો સંપર્ક કર્યો છે.
Trending Photos
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નોકરીની બંપર વેકેન્સી નીકળી છે. ઈઝરાયેલે પોતાના ત્યાં નોકરી માટે 15000 ભરતી કાઢી છે. ઈઝરાયેલે 10,000 ભારતીય બાંધકામ વર્કર માટે એકવાર ફરીથી ભરતી અભિયાન ચલાવવા સંબંધે ભારતનો સંપર્ક કર્યો છે. આ સાથે જ ઈઝરાયેલ 5000 કેર ટેકરની પણ ભરતી કરશે. આવું પહેલીવાર નથી બન્યું, આ અગાઉ પણ ગત વર્ષે આ જ રીતે ઈઝરાયેલે કામદારો માટે ભારતનો સંપર્ક કર્યો હતો. હવે સવાલ એ છે કે યુદ્ધ વચ્ચે કોણ ત્યાં જઈને નોકરી કરવા માટે તૈયાર થશે. જો તમારા મનમાં પણ આ સવાલ હોય તો જણાવી દઈએ કે યુદ્ધ, ગોળીબાર, બોમ્બવર્ષા સામે ઝઝૂમી રહેલા ઈઝરાયેલમાં નોકરી માટે લાખો અરજી કરાય છે. ગત વર્ષે પણ નોકરી માટે લોકોએ લાંબી લાઈન લગાવી હતી. હકીકતમાં આ નોકરી માટે મળી રહેલો પગાર અને સુવિધાઓ લોકોને આકર્ષે છે. જેના કારણે તેઓ યુદ્ધ વચ્ચે પણ ત્યાં જઈને કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.
15000 વેકેન્સી
ઈઝરાયેલના પોપ્યુલેશન ઈમીગ્રેશન એન્ડ બોર્ડર ઓથોરીટી(PIBA)એ 15000 લોકો માટે ભરતી કાઢી છે. જેના માટે આ કંપની આગામી અઠવાડિયે ભારતના પ્રવાસે આવશે. કન્સ્ટ્રક્શન વર્કરની ભરતીના અભિયાનનો બીજો તબક્કો મહારાષ્ટ્રમાં થશે. ઈઝરાયેલે પોતાની હેલ્થકેર સેવાઓમાં સુધારો લાવવા માટે 5000 કેર ટેકરની જરૂર છે. નોકરી માટે તમામ જરૂરી શરતોને જારી કરાઈ છે. રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ (એનએસડીસી)એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે ઈઝરાયેલની આ નવી ભલામણ વર્ષની શરૂઆતમાં કરાયેલી આ પ્રકારની ભરતી ભલામણ બાદ આવી છે.
રિપોર્ટ મુજબ ભારતીય શ્રમિકોને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવા માટે ઈઝરાયેલ લઈ જવાશે. એક લાખથી વધુ પેલેસ્ટાઈન શ્રમિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ આવું થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં ઈઝરાયેલી દૂતાવાસના આંકડાનો હવાલો આપીને દાવો કરાયો છે કે બે માર્ગથી લગભગ 5000 શ્રમિકોની ભરતી કરાઈ છે. એનએસડીસીએ સરકાર-થી સરકાર (જી2જી) ભરતીઓને અંજામ આપ્યો છે જ્યારે વિદેશ મંત્રાલયની દેખરેખમાં ખાનગી એજન્સીઓએ વ્યવસાય-થી-વ્યવસાય (બી2બી) ભરતી કરી છે. ઈઝરાયેલ માટે નિર્માણ શ્રમિકોની ભરતીના પહેલા દોરમાં કુલ 16,832 ઉમેદવાર કૌશલ પરીક્ષણમાં સામેલ થયા હતા. જેમાંથી 10,349 ઉમેદવારોની પસંદગી કરાઈ.
કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ
નોકરી માટે પસંદગી પામેલા લોકોને માસિક 1.92 લાખ રૂપિયા પગાર મળશે. આ સિવાય ફ્રી મેડિકલ ઈન્શ્યુરન્સ, ફ્રીમાં ભોજન, અને રહેવાની સુવિધા મળશે. પગાર ઉપરાંત કર્મચારીઓને માસિક 16,515 રૂપિયા બોનસ પણ અપાય છે. પગાર અને બોનસ પેકેજ જાણીને લોકો યુદ્ધની વચ્ચે પણ કામ કરવા તૈયાર થઈ જાય છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ નવેમ્બરમાં બંને સરકારો વચ્ચે સમજૂતિ થયા બાદ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમે ભરતી માટે તમામ રાજ્યોનો સંપર્ક કર્યો હતો. આ નોકરી માટે ભરતી અભિયાનનો પહેલો દોર ઉત્તર પ્રદેશ, હરિયાણા અને તેલંગણામાં યોજાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે