Samosa Day: દેશમાં કઈ રીતે થઈ સમોસાની એન્ટ્રી? આખરે દુનિયાના કયા છેડેથી ભારત આવ્યાં સમોસા?
World Samosa Day: સમોસા એક એવી વાનગી છે જે ભારતના દરેક રાજ્ય દરેક જિલ્લા દરેક શહેર દરેક ગામ અને દરેક ગલીમાં નાની મોટી દુકાનો પર વેચાય છે. ઘર ઘરમાં આ વાનગી નાના મોટા સૌ કોઈ ખુબ શોખથી ખાતા હોય છે. ત્યારે શું તમે જાણો છો કે ભારતમાં આ સમોસાની એન્ટ્રી ક્યાંથી થઈ? જાણવા જેવો છે રોચક ઈતિહાસ...
Trending Photos
History of Samosa in India: સમોસા સાંભળી કે વાંચીને મોંઢામાં પાણી આવી જાય. આ સમોસા આજે ભારતના દરેક શહેરમાં વસી ગયા છે. સમોસા ભારતમાં દિલ્લીના સલ્તન્ત કાળથી ખવાય છે. સમોસા મિડલ ઈસ્ટના દેશોમાંથી ભારતમાં આવ્યા છે. સમોસાનું મૂળ ઉચ્ચારણ હતું 'સમસા'. કહેવાય છે કે સમોસાની ઉત્પતિ 10મી સદીમાં થઈ હતી.
'જબ તક સુરજ ચાંદ રહેગા, ભારતમેં સમોસે કા નામ રહેંગા' ભારતીયોનો સમોસા પ્રત્યે કેટલો પ્રેમ છે તે આ ફની વાક્ય પરથી સમજાય છે. સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ જે તે રાજ્યનું હોય છે પરંતુ સમોસા એક એવી વાનગી છે જેમાં દરેક ભારતીયનો હક છે, સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધુ ખવાતી અને સસ્તી વાનગીમાંથી એક છે સમોસા. માનવામાં ન આવે કે આપણે જે સમોસા સ્વાદ લઈ લઈને ખાતા હોઈએ છીએ તે સમોસા તો મૂળ ભારતની વાનગી છે જ નહીં. સમોસા જેટલો સ્વાદિષ્ટ હોય છે તેટલો જ રસપ્રદ છે તેનો ઈતિહાસ...તમને જાણીને અચરજ થશે પણ દર 5 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ સમોસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સમોસાનું ભારતમાં આગમન-
સમોસા સાંભળી કે વાંચીને મોંઢામાં પાણી આવી જાય. આ સમોસા આજે ભારતના દરેક શહેરમાં વસી ગયા છે. સમોસા ભારતમાં દિલ્લીના સલ્તન્ત કાળથી ખવાય છે. સમોસા મિડલ ઈસ્ટના દેશોમાંથી ભારતમાં આવ્યા છે. સમોસાનું મૂળ ઉચ્ચારણ હતું 'સમસા'. કહેવાય છે કે સમોસાની ઉત્પતિ 10મી સદીમાં થઈ હતી. મિડલ ઈસ્ટના શેફ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમની સાથે વેપારીઓને સમસા ખવડાવવામાં આવતા હતા. ઈતિહાસકારોના મતે મહમદ ગજનવીના સામ્રાજયમાં શાહી દરબારમાં સમોસા પીરસવામાં આવતા હતા. આ સમોસા પહેલા અલગ હતા. સમોસામાં પહેલા નોનવેજનું સ્ટફિંગ કરવામાં આવતું. સમોસામાં કીમો અને કાજુ ભરીને બનાવવામાં આવતા હતા.
સમોસાનો અલગ જ આકાર-
કોઈ વાનગી ગોળ, ચોરસ અને લંબચોરસ આકારની હોય પરંતુ સમોસા જ એક એવી વાનગી છે તેનો આકાર ટ્રાઈએંગલ છે, સમોસાનો આકાર મધ્ય એશિયામાં આવેલા પિરામીડ પરથી તૈયાર કરવામાં આવ્યો છે. મધ્ય એશિયાના પિરામીડનું નામ 'સમસા' હતું. ત્યારે સમોસા બનાવવા માટે પિરામીડનો આકાર પણ લેવાયો અને તેનું નામ પણ લેવાયું.
સમોસેમાં જબ આયા આલુ-
ઈરાનથી ભારતમાં આવેલા સમોસાના સ્ટફિંગમાં ભલે પહેલા કીમો ભરવામાં આવતા હતો પરંતુ ત્યારબાદ સમય જતા જતા સમોસાનો આકાર અને તેને બનાવવાની રીત બદલાતી રહી ગઈ. શાહી ભોજનમાં સમોસામાં માંસ, ડુંગળી, પાલક અને પનીર ભરવામાં આવતું હતું જેનું સ્થાન હવે મોટાભાગે બટાકા અને વટાણાના સ્ટફિંગે લીધું છે. કહેવાય છે કે સૌથી પહેલા શાકાહારી સમોસા ઉત્તર પ્રદેશમાં બન્યા હતા. આ સમોસાને ખૂબ લોકપ્રિયતા મળતી ગઈ. આજે દરેક શહેરમાં અને શેરીઓમાં સમોસાએ સ્થાન લઈ લીધું છે.
સમોસાને આપી દેવાયો અલાયદો દિવસ-
ભારતમાં 5 સપ્ટેમ્બરે 'શિક્ષક દિવસ' મનાવવામાં આવે છે પરંતુ આ જ દિવસે 'વર્લ્ડ સમોસા ડે' તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે સમોસા પ્રેમીઓ માટે આ એક ગર્વની બાબત છે.
ભારતના આ સમોસા છે ફેમસ-
કોઈને પૂછો સમોસા સૌથી વધારે સારા ક્યા મળે? તો તે કહેશે મારા શહેરમાં કે મારી કોલેજની કેન્ટીનના કેમ કે સમોસા દરેક સ્થળે પહોંચી ગયા છે પરંતુ ભારતમાં કેટલાક પ્રાંતના સમોસા ખૂબ પ્રચલિત થયા છે. સમોસાની વાત આવે તો સૌથી પહેલા નામ યાદ આવે પંજાબી સમોસાનું, પંજાબી સમોસા સાઈઝમાં ઘણા મોટા હોય છે જેમાં પનીર,કાજુ સહિતની વસ્તુઓનું સ્ટફ ભરાય છે. પશ્ચિમ બંગાળના સિંગાડા સમોસા પણ ખૂબ પ્રચલિત છે જેમાં ડ્રાયફ્રૂટ્સ ભરવામાં આવે છે.
આપણા ગુજરાતના પટ્ટી સમોસાનો સ્વાદ પણ ગજબ છે, પટ્ટી સમોસાની ખાસિયત છે કે તેને મેદાના બદલે ઘઉના લોટથી બનાવાય છે. સમોસાને આપણે ફરસાણમાં ગણીએ છીએ પરંતુ કેટલાક સ્થળોએ ગળ્યા સમોસા પણ ખૂબ પ્રચલિત છે. બંગાળમાં ગળ્યા સમોસા બનાવાય છે જેને ચાસણી સાથે ખાવામાં અપાય છે. દિલ્લીમાં કેટલાક સ્થળોએ માવાના સમોસા પણ ખવાતા હોય છે. આ વાંચીને તમને સમોસા ખાવાનું મન થઈ ગયું હશે ત્યારે તમારા પરિવાર અને મિત્રો સાથે સમોસા પાર્ટી કરી લો અને સમોસાની મજા માણો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે