T-18 ટ્રેનઃ દિલ્હીથી વારાણસી એસી ચેર કારનું ભાડું રૂ.1,850, એક્ઝીક્યુટીવ ક્લાસના રૂ.3,520
દેશની પ્રથમ એવી આ સેમી હાઈસ્પીડ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ લીલી ઝંડી બતાવવાના છે
Trending Photos
નવી દિલ્હીઃ સ્વદેશમાં જ નિર્મીત એવી સેમી હાઈસ્પીડ ટ્રેન T-18એ ભારતમાં ટ્રેનની ઝડપના તમામ રેકોર્ડ તોડ્યા હતા અને ટ્રાયલમાં તે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. હવે, આ T-18 ટ્રેનને 'વંદે ભારત એક્સપ્રેસ' નામથી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવાની તૈયારીઓ ચાલી રહી છે. તેનું ભાડું પણ હવે નક્કી થઈ ગયું છે. અધિકારીઓ દ્વારા પીટીઆઈને આપેલી માહિતી અનુસાર T-18 ટ્રેનમાં દિલ્હીથી વારાણસીનું એસી ચેર કારનું ભાડું રૂ.1,850 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસ માટે રૂ.3,520 ભાડું રખાયું છે.
વારાણસીથી રિટર્ન મુસાફરી માટે ચેર કારનું ભાડું રૂ.1,795 રહેશે અને એક્ઝીક્યુટીવ ટિકિટ રૂ.3,470માં પડશે.
આધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ, T-18નું ચેર કારનું ભાડું વર્તમાનમાં દોડી રહેલી શતાબ્દી એક્સપ્રેસના આટલા જ અંતર માટેના ભાડા કરતાં 1.5 ગણું વધારે છે, જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસનું ભાડું દેશની પ્રિમિયમ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશનિંગ સિટીંગ કરતાં 1.4 ગણું વધારે છે.
દેશની પ્રથમ એવી આ સેમી હાઈસ્પીડ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ લીલી ઝંડી બતાવવાના છે.
'વંદે ભારત એક્સપ્રેસ'માં ટિકિટના બે વર્ગ રાખવામાં આવ્યા છે, એક્ઝીક્યુટીવ ક્લાસ અને ચેર કાર. આ ટ્રેનમાં વિવિધ કિંમતનું જમવાનું પણ પીરસવામાં આવશે.
નવી દિલ્હીથી વારાણસી સુધીની મુસાફરી માટે એક્ઝીક્યુટીવ ક્લાસના પ્રવાસીને રૂ.399માં મોર્નિંગ ટી, બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવશે. જ્યારે ચેર કારમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીને રૂ.344માં ચા, બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવશે.
નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરાજની મુસાફરી કરનારા પ્રવાસીએ જમવા માટેનો ચાર્જ એક્ઝીક્યુટીવ ક્લાસ અને ચેર કાર માટે અનુક્રમે રૂ.155 અને રૂ.122 ચૂકવવાના રહેશે.
વારાણસીથી નવી દિલ્હીની મુસાફરી કરતા પ્રવાસીએ એક્ઝીક્યુટીવ ક્લાસ માટે રૂ.349 અને ચેર કારના પ્રવાસીએ રૂ.288 જમવા માટે ચૂકવવાના રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે