29 વર્ષ પછી પંડિત રોશનલાલ કાશ્મીર પરત ફર્યા, શિવસેના PM મોદી પર ઓળઘોળ

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કાશ્મીરી પંડિતની ઘર વાપસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટછૂટા વખાણ કર્યા છે.

29 વર્ષ પછી પંડિત રોશનલાલ કાશ્મીર પરત ફર્યા, શિવસેના PM મોદી પર ઓળઘોળ

મુંબઈ: શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કાશ્મીરી પંડિતની ઘર વાપસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેટછૂટા વખાણ કર્યા છે. સામનામાં લખ્યુ છે કે પીએમ મોદીના કારણે દેશમાં ખુશીની પળો આવવા લાગી છે. આમ કહીને તેમણે રોશનલાલ કાશ્મીરી પંડિતની 'ઘર વાપસી' શ્રીનગર પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. રોશનલાલને અનુસરીને હજારો કાશ્મીરી પંડિતો ઘર વાપસી કરશે તેવી આશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીના વખાણ કરતા લખ્યું ચે કે મોદીના કારણે કાશ્મીરનો વિકાસ પણ થઈ રહ્યો છે. રોજગારી નિર્માણ, આતંકવાદીઓનો ખાત્મો, ભાગલાવાદીઓનું ડોકું મરોડીને કાશ્મીરનો ભય દૂર કરવામાં આવી રહ્યો છે. 

'પીએમ મોદીના કારણે રોશનલાલ કાશ્મીર પરત ફર્યા'
સામનામાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીના કારણે દેશમાં સારી ઘટનાઓ ઘટવા લાગી છે અને રોજ ને રોજ કઈક સારી ખુશીની પળો આવવા લાગી છે.  લગભગ 29 વર્ષ બાદ 74 વર્ષના રોશનલાલ નામના કાશ્મીરી પંડિત શ્રીનગર પાછા ફર્યા છે. કાશ્મીરી પંડિતોની ઘર વાપસી થશે અને પંડિતો સુરક્ષિત રીતે પોતાના ઉદ્યોગ અને વ્યવસાય ફરીથી શરૂ કરી શકશે. આ જ મોદીની ઈચ્છા હતી અને તે ઈચ્છા મુજબ રોશનલાલે ફરીથી કાશ્મીરમાં પગ મૂક્યો. 

29 વર્ષ બાદ કાશ્મીર પરત ફર્યા રોશનલાલ
રોશનલાલ નામના કાશ્મીરી  પંડિતના જીવનની કહાણી જેટલી રોમાંચક છે એટલી જ સંવેદનશીલ છે. તેઓ શ્રીનગરમાં એક દુકાન ચલાવતા હતાં. ઓક્ટોબર 1990માં કેટલાક અજાણ્યા આતંકીઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. ત્યારબાદ તેઓ કાશ્મીર છોડીને દિલ્હી આવી ગયાં અને  ફળ વેચવાનો વ્યવસાય કરવા લાગ્યાં. પરંતુ હવે લગભગ 29 વર્ષ બાદ તેમણે ફરીથી કાશ્મીરમાં પગ મૂક્યો છે અને જૂનો વ્યવસાય શરૂ કર્યો છે. રોશનલાલના મિત્રો અને પાડોશીઓએ તેમનું સ્વાગત કર્યું છે. અનેક લોકોના આંખોમાંથી ખુશીના આંસુ પણ સરી પડ્યાં. 

રોશનલાલનું જોઈને હજારો કાશ્મીરી પંડિત કાશ્મીરમાં વાપસી કરશે
રોશનલાલે છેલ્લા 29 વર્ષોમાં દિલ્હીમાં પોતાનો વ્યવસાય જમાવી દીધો હતો. પોતાનું મકાન અને વ્યવસાય જ્યારે દિલ્હીમાં જામી રહ્યો હતો ત્યારે તેમનું મન પોતાની ધરતી તરફ એટલે કે કાશ્મીર તરફ મીટ માંડીને બેઠું હતું. છેલ્લે તેઓ કાશ્મીર પરત ગયા, રમજાન મહિનો શરૂ થવાનો છે, આથી તેમણે સૂકો મેવો અને ખજૂરનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમની દુકાનેથી માલ ખરીદવા માટે મુસલમાન ભાઈઓની ભીડ જામી છે, મોદી તરફથી હિંમત અપાયા બાદ જ રોશનલાલને લાગ્યું કે કાશ્મીર પાછું ફરવું જોઈએ. રોશનલાલનું જોઈને હજારો કાશ્મીરીઓ ઘર વાપસી કરશે. આ અંગે અમારા મનમાં જરાય શંકા નથી. કાશ્મીર હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ છે અને તેના માટે સેના, નાગરિકો અને રાજકીય નેતાઓએ પોતાનું બલિદાન આપ્યું છે. 

મોદી સરકારે અલગાવવાદીઓની ડોક મરોડી
આતંકવાદીઓએ પંડિતોને માર્યા, અને બચેલા લોકોને બંદૂકની અણીએ ભગાડી દીધા. આથી પોતાના જ દેશમાં શરણાર્થીઓની સ્થિતિમાં કાશ્મીરી પંડિતો આવી ગયાં. આ પંડિતોની ઘર વાપસી થાય તે માટે કોંગ્રેસના શાસનમાં કોઈ જ પ્રકારની કોશિશ થઈ નહીં. પરંતુ મોદીના કારણે કાશ્મીરનો પણ વિકાસ થઈ રહ્યો છે. રોજગારનું નિર્માણ થઈ રહ્યું છે. આતંકવાદીઓનો ખાત્મો થાય છે અને ભાગલાવાદીઓની ડોક મરોડીને કાશ્મીરમાંથી ભય દૂર થઈ રહ્યો છે. મોદીને શ્રેય તો આપવો જ પડશે. છેલ્લા કેટલાક દિવસોમાં જૈશ એ મોહમ્મદની કાશ્મીરમાં કમર તોડવામાં આવી અને તેના ચીફ મસૂદ અઝહરને યુએનની સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાવીને મોદીએ પાકિસ્તાનને ઉલ્ટું લટકાવી માર માર્યો છે. તેનું પરિણામ એ આવ્યું છે કે હવે ઘાટીમાં આતંકીઓમાં ભય ફેલાયો છે. 

જુઓ LIVE TV

કાશ્મીરમાં મુસલમાનોનું વર્ચસ્વ છે
રોશનલાલ જેવા પંડિત કાશ્મીરમાં વાપસી કરવા લાગ્યા છે. આજે એક રોશનલાલ આવ્યો. તેના પગલે પગલે કાલે હજારો કિશનલાલ, મોહનલાલ, રામલાલ અને નંદલાલ ઘાટીમાં પાછા ફરશે અને નંદનવન ફરીથી સુખ અને શાંતિથી ગુલઝાર થશે. કાશ્મીર આપણા દેશનો લોહી વહેતો જખ્મ છે. હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક મુખ્ય કારણ જ કાશ્મીર છે. કાશ્મીરમાં મુસલમાનોનું વર્ચસ્વ છે, તે પ્રદેશ પાકિસ્તાન સાથે જોડાયેલો છે અને ત્યાંના મોટા ભાગના મુસલમાનો પાકિસ્તાનમાં સામેલ થવાની આશા રાખે છે આથી આ પ્રદેશ અમને મળવો જોઈએ એવો પાકિસ્તાનનો દાવો છે. 

આથી તે મુરખાઓએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તત્કાળ કાશ્મીર પર હુમલો કર્યો હતો. પાકિસ્તાને પઠાણોની લૂટેરી ગેંગને ત્યાં મોકલી હતી. પરંતુ તેમનો કોઈ ઉપયોગ ન થયો અને જમ્મુ કાશ્મીર હિન્દુસ્તાનનો જ ભાગ બનીને રહ્યો. આપણા બંધારણ મુજબ કાશ્મીર અન્ય રાજ્યોની જેમ હિન્દુસ્તાનનું એક અવિભાજ્ય અંગ છે અને આ મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન હિન્દુસ્તાનને મંજૂર નથી. આથી પાકિસ્તાને આતંકવાદી જૂથોની મદદ લઈને કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું ચાલુ રાખ્યું. કાશ્મીર ઘાટીમાં એક પણ હિન્દુ ન રહે અને જો હોય તો ખતમ કરી નાખવા એ જ પાકિસ્તાનની યોજના હતી. આથી અસંખ્ય પંડિતોના સરકલમ થયા. 

બચેલા લોકો સામે ત્યાંથી ભાગવા સિવાય કોઈ છૂટકો નહતો. તેમાંના એક રોશનલાલ હવે લગભગ 29 વર્ષ પછી કાશ્મીરમાં પાછા ફર્યા છે. માનવે ચંદ્રમા પર પહેલીવાર પગ મૂક્યો, તે જ રીતે રોશનલાલે કાશ્મીરની ભૂમિ પર પહેલું ડગલું ભર્યુ છે. હવે એક પગદંડી તૈયાર થશે. મોદીએ દેશની ધમનીઓમાં જે રીતે ચેતનાનો સંચાર કર્યો છે  તેના પરિણામ હવે જોવા મળી રહ્યાં છે. મોદી છે તો શક્ય છે... રોશનલાલના કાશ્મીર પ્રવેશથી એકવાર ફરીથી સિદ્ધ થયું છે. રોશનલાલને શુભકામનાઓ! મોદીના ભગવાને સલામ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news