જાણો ભારત-પાક.માં ચર્ચાનો વિષય બનેલા 'રૂહ અફ્ઝા'ની શરૂઆત કેવી રીતે થઈ હતી...
હકીકતમાં રૂહ-અફઝા યુનાની પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલો એક નુસખો છે, જે અનેક આયુર્વેદિક તત્વોમાંથી બનાવવામાં આવે છે
Trending Photos
નવી દિલ્હીઃ મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનમાં 'રૂહ અફ્ઝા' શરબદની વિશેષ માગ રહે છે. ભારતીય બજારમાં અત્યારે તેની અછત સર્જાઈ છે. જેના કારણે પાકિસ્તાનના હમદર્દ દવાખાનાએ ભારતને રૂહ અફ્ઝા શરબત મોકલી આપવાની ઓફર આપી છે. કંપનીએ આ પ્રસ્તાવ રમઝાનની ગરમીમાં તાજગી લાવનારા આ શરબતની ભારતમાં તંગી સર્જાઈ હોવાના મીડિયા અહેવાલ બાદ આપ્યો છે. તેના કારણે રૂહ અફ્ઝા નામ ફરી એક વખત લોકોના મોઢે ચર્ચાવા લાગ્યું છે. આથી, એ જાણવું જરૂરી છે કે રૂહ અફ્ઝાની શરૂઆત કેવી રીતે થઈ હતી.
જૂની દિલ્હીમાં થઈ હમદર્દ દવાખાનાની શરૂઆત
1906માં યુનાની હર્બલ તબીબ હકીમ હાફિઝ અબ્દુલ મજીદ દ્વારા જૂની દિલ્હીમાં પોતાના ક્લિનીકની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાના બીજા જ વર્ષે તેમણે જૂની દિલ્હીમાં લાલ કુવામાં પોતાના કેન્દ્ર ખાતેથી રૂહ અફ્ઝાની શોધ કરી તેની શરૂઆત કરી. ઉનાળામાં શરીરને ઠંડક આપતા આ શરબતની બજારમાં માગ વધવા લાગી અને તે ઘણું જ ચર્ચિત થઈ ગયું.
ભારતના ભાગલા અને વ્યવસાયના પણ ભાગલા
1947માં ભારતના ભાગલા થયા પછી હકીમ મજીદનો મોટો પુત્ર ભારતમાં રોકાઈ ગયો અને તેમનો નાનો પુત્ર પાકિસ્તાન જતો રહ્યો. અહીં કરાચીમાં બે રૂમના એક મકાનમાં હમદર્દની શરૂઆત થઈ અને ત્યાં પણ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું. ત્યાર પછી પાકિસ્તાનમાં પણ આ શરબત લોકપ્રિયતાના શિખરો સર કરવા લાગ્યું. ત્યાર પછી 1948થી હમદર્દ કંપની ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં 'રૂહ અફ્ઝા'નું ઉત્પાદન કરી રહી છે.
એક વિશેષ નુસ્ખો
'રૂહ અફ્ઝા' એ માત્ર શરબત નથી પરંતુ એક યુનાની મેડિકલ પદ્ધતિમાંથી બનાવવામાં આવેલો નુસ્ખો છે, જે અનેક પ્રકારના આયુર્વેદિત તત્વોનું મિશ્રણ કરીને બનાવાયો છે. તે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચાલતી ગરમ હવાઓ એટલે કે 'લૂ'થી લોકોને બચાવે છે. સામાન્ય રીતે રમઝાનના મહિનામાં આ શરબતની માગ વધી જતી હોય છે. જેના કારણે આ વખતે ભારતમાં તેની તંગી સર્જાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે