Navratri 2024: જો જો...સાચવજો, આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો

Navratri 2024: જો જો...સાચવજો, આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો

આવ્યા માના નોરતા....મારી અંબે માના નોરતા....નવલા નોરતાની હવે તો ઘડીઓ ગણાઈ રહી છે. આ વખતે વરસાદના ઓછાયા વચ્ચે 9ની જગ્યાએ 10 દિવસ ગરબા રમવા મળશે. એમા પણ હવે સમયમર્યાદા વધારીને સવાર સુધી ગરબા રમવાની છૂટ મળી જતા ખેલૈયાઓ તો ગેલમાં આવી ગયા છે. જો કે સવાર સુધી ગરબા રમતા પહેલા સ્વાસ્થ્ય વિશે પણ ધ્યાન રાખવું જરૂરી છે. ડોક્ટર્સ એકધાર્યા ગરબા રમવાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. કારણ કે જો આખી રાત જરાય આરામ કર્યા વગર ગરબા રમવામાં આવે તો શરીરના મહત્વના અવયવો પર તેની ટૂંકા કે લાંબા ગાળાની અસર થઈ શકે છે. ઓર્ગન ફેલ્યોરની શક્યતા રહે છે. 

શું કહે છે એક્સપર્ટ્સ...
અત્રે જણાવવાનું કે ગઈ વખતે નવરાત્રી દરમિયાન ગરબા  રમતા રમતા કેટલાક યુવાઓને હાર્ટ એટેકની ઘટનાઓ જોવા મળી હતી. ડોક્ટર્સનું કહેવું છે કે સતત બ્રેક લીધા વગર ગરબા રમવાથી શરીરના જે મહત્વના અવયવો છે જેમને અસર થઈ શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જો 20-25 મિનિટ સુધી ગરબા રમીએ અને ત્યારબાદ થોડો એટલે કે 10થી 15 મિનિટનો બ્રેક લેવો જોઈએ. આ સાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે નહીં તો માથાનો દુખાવો થઈ શકે. આખી રાત ગરબા રમવાથી બીજા દિવસે શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને તથા ઓફિસોમાં કામ કરતા લોકોને પણ સમસ્યા થવાની શક્યતા રહે છે. 

જે લોકો પહેલેથી ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાતા હોય તેમણે તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આવી બીમારીથી પીડાતા લોકોએ પોતાના ઈસીજી, પલ્સ રિપોર્ટ સહિતના કેટલાક મહત્વના ટેસ્ટ ડોક્ટરની સલાહ મુજબ કરાવી લેવા જોઈએ. તેમણે પોતાની ગોળીઓ પણ બરાબર લેવી જોઈએ. નોંધનીય છે કે કોરોના વાયરસની મહામારી આવ્યા બાદ હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. સતત ગરબા રમવામાં આવે તો આવી સ્થિતિમાં ધબકારા વધવાની સમસ્યા પણ જોવા મળે છે.

ગરબા રમતી વખતે રાખવું આ ધ્યાન
નવરાત્રીમાં ગરબા રમતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો ગરબા રમતા રમતા ધબકારા અચાનક વધવા લાગે, અનિયમિત થવા લાગે, છાતીમાં દુખાવો થાય, ગભરામણ જેવું થાય, હાથ પગમાં દુખાવો થાય, ગેસ એસિડિટી જેવું લાગે તો તરત ગરબા રમવાનું બંધ કરીને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે તો જો કે આવી ઘટનાઓને પગલે આયોજકો પણ પૂરતી કાળજી લઈને ગરબા આયોજન પાસે એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા રાખે છે.  

સરકારે શું કહ્યું હતું?
અત્રે જણાવવાનું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હાલમાં જ ગરબા પર સૌથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. ZEE 24 કલાક પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટા ખુશખબર આપ્યા હતા. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ્સ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news